પુરુષોત્તમ પ્રકાશ

સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના કાર્ય અને પ્રાગટ્યના હેતુના આધારે પુરુષોત્તમ પ્રકાશ રચ્યું છે તે અહિયાં હવે ઉપલબ્ધ છે. આ અમૂલ્ય ગ્રંથ અનિર્દેશમાં ઉમેરતા આનંદ થાય છે.

ગ્રંથનો ઇતિહાસ

નિષ્કુળાનંદ સ્વામી કારિયાણીમાં એક વાર કૂવાના થાળા પાસે કૂંડી બનાવવાનું કામ કરતા હતા. તે વખતે મહારાજ કારિયાણીમાં બિરાજતા હતા. સંવત ૧૮૭૭નો આસો મહિનો હતો. એવામાં ગામડેથી ગોપાળાનંદ સ્વામી ત્યાં મહારાજનાં દર્શને આવ્યા. મહારાજ બહુ રાજી થયા. પછી મહારાજ ગોપાળાનંદ સ્વામીનો હાથ પકડી ‘અક્ષર ઓરડી’માં પધાર્યા. નિષ્કુળાનંદ સ્વામીને થયું કે નક્કી મહારાજ કંઈક રહસ્યની વાત ગોપાળાનંદ સ્વામીને કરવા માગે છે. તેથી તેઓ પણ પાછળ પાછળ ગયા. એટલે મહારાજે એમને પાછા મોકલ્યા અને કૂંડીનું કામ ચાલુ રાખવા કહ્યું અને કમાડ વાસી દીધું. પણ નિષ્કુળાનંદ સ્વામી આવો અવસર કેમ ચૂકે? તેથી કમાડની તિરાડમાં કાન માંડ્યા. ત્યારે મહારાજે પોતાના પ્રાગટ્યના છ હેતુની અને અવતાર-અવતારીના ભેદની વાત ગોપાળાનંદ સ્વામીને કરી. આથી, નિષ્કુળાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ કહેલા મહારાજના મહિમાના શબ્દો સાંભરી આવ્યા અને સર્વોપરી ઉપાસનાનો સિદ્ધાંત સમજાયો. આ વાતને આધારે એમણે ‘પુરુષોત્તમ ચરિત્ર’ નામનો મહારાજનું અવતારીપણું અને પુરુષોત્તમપણું સમજાવતો અદ્‌ભુત ગ્રંથ લખ્યો.

ગ્રંથ માહાત્મ્ય

સદ્‌ગુરુ શ્રીનિષ્કુળાનંદ સ્વામીએ સ્વરચિત અનેક કૃતિઓ ઉપર જાણે કળશ ચઢાવ્યો હોય તેવો આ ગ્રંથ છે.

આ ગ્રંથમાં પ્રગટ પુરુષોત્તમ શ્રીસ્વામિનારાયણ ભગવાનના મહિમાનો પૂર્ણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેથી આ ગ્રંથનું “પુરુષોત્તમપ્રકાશ” આવું સાર્થક નામ રાખવામાં આવ્યું છે. આ બ્રહ્માંડમાં સર્વોપરી શ્રીહરિ પ્રથમવાર પ્રગટ થયા. ત્યાર પછી અનંત જીવોના મોક્ષ માટે તેમણે જે જે કાર્યો કર્યાં તથા તેમાં અમાપ ઐશ્વર્ય વાપર્યું તેનું આ ગ્રંથમાં આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે.

કોટિ જીવોના કલ્યાણ માટે સર્વાવતારી શ્રીહરિએ કરેલા આટલા ઉપાયો આ ગ્રંથમાં વર્ણવ્યા છે: (૧) પોતે વનવિચરણ કર્યું. (૨) પોતાનો નિશ્ચય કરાવ્યો. (૩) અલૌકિક સંતો બનાવ્યા ને તેમના ઉપદેશ વડે અનેક જીવના મોક્ષનો માર્ગ ચાલુ કર્યો. (૪) સમાધિ કરાવી તથા પરચા પૂર્યા. (૫) સદાવ્રત બંધાવ્યાં. (૬) યજ્ઞયાગ કરાવ્યા. (૭) ભક્તોની પૂજા સ્વીકારી. (૮) પોતે દેશોદેશમાં દર્શન દીધાં. (૯) પ્રસાદીની વસ્તુઓ દ્વારા કલ્યાણ કર્યાં. (૧૦) સંતનાં દર્શન-સ્પર્શ કરે, અન્ન-વસ્ત્રાદિકથી સેવા કરે, પક્ષ રાખે કે ગુણ ગ્રહણ કરે તેનું કલ્યાણ કર્યું. (૧૧) પોતાનો સર્વોપરી સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો. (૧૨) મોટા મોટા ઉત્સવો કર્યા. (૧૩) મોટાં મંદિરો કરાવી મૂર્તિઓ પધરાવી. (૧૪) આચાર્યની સ્થાપના કરી. (૧૫) પોતાની ચલપ્રતિમાઓ તથા ચરણારવિંદ દ્વારા કલ્યાણ કર્યાં. (૧૬) શિક્ષાપત્રી, વચનામૃત જેવાં શાસ્ત્રો રચ્યાં તથા રચાવ્યાં. (૧૭) પંચવર્તમાન પ્રવર્તાવ્યાં.

એક વાર કારિયાણીમાં શ્રીહરિએ સદ્‌ગુરુ શ્રીગોપાળાનંદ સ્વામીને પોતાના અવતરણના છ હેતુ સંબંધી વાત કરી. તે વાતને સાંભળ્યા પછી નિષ્કુળાનંદ સ્વામીને જે જોમ ચડ્યું, તે આ ગ્રંથમાં આલેખાયું છે. સ્વામીએ શ્રીહરિનો જે મહિમા વર્ણવ્યો છે, તેમાં તેમનો ઉત્સાહ તથા આત્મવિશ્વાસ અદમ્ય રીતે ઝળકી રહ્યા છે. તેથી જ તેઓ શ્રીહરિની સર્વોપરીતા સ્પષ્ટ શબ્દોમાં લખ્યા વિના રહી શકતા નથી.

આ વારનો જે અવતાર રે, એવો ન થાયે વારંવાર રે ।
નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, જન જાણજ્યો સૌ મનમાંથી રે ॥

(૩૨/૨૦)

આ ગ્રંથમાં નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીહરિના જે જે સામર્થ્યનું છૂટા હાથે વર્ણન કર્યું છે, તે ઘણી વાર આપણી બુદ્ધિમાં આવે નહિ તેવું છે. પરંતુ સ્વામીએ જ તેની શક્યતાનું પ્રમાણ સચોટ રીતે આપ્યું છે –

એનું આશ્ચર્ય માનો ન કોય રે, સમર્થથી શું શું ન હોય રે ।
સમર્થ સરવ પરકારે રે, કરે તે તે જે જે મન ધારે રે ॥
તેની કોણ આડી કરનાર રે, ના હોય ઘણીનો ઘણી નિરધાર રે ।
માટે સહુ માની લેજો સઈ રે, આજ એમ ઉદ્ધાર્યા છે કંઈ રે ॥

(૨૨/૧૧-૧૨)

કર્તુમ્, અકર્તુમ્ અને અન્યથાકર્તું સમર્થ એવા શ્રીહરિ માટે કશું જ અશક્ય નથી. સર્વોપરી રાજાધિરાજ આ વખતે દીન જીવ ઉપર રીઝી ગયા. તેમણે જ આત્યંતિક મોક્ષ આપવાનો સંકલ્પ કર્યો, એટલે અનંત જીવો અક્ષરધામને પામી ગયા.

સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પધારી અનેકનાં કલ્યાણ કર્યાં છે પણ એ કલ્યાણનો માર્ગ સતત ચાલુ પણ રાખ્યો છે. નહિ તો પોતે અક્ષરધામ સિધાવ્યા પછી કલ્યાણનો માર્ગ બંધ રહી જાય. આ વાત સ્વામીએ પણ લખી દીધી છે:

સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે ।
સંત માનજો મારી મુરતિ રે, તેમાં ફેર નથી એક રતિ રે ॥

(૪૧/૯)

કહ્યું બહુ પ્રકારે કલ્યાણ રે, અતિ અગણિત અપ્રમાણ રે ।
પણ સહુથી સરસ સંતમાં રે, રાખ્યું વાલમે એની વાતમાં રે ॥

(૪૨/૧૮)

માટે ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત - ભગવાન અને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે - તે બતાવી આપણને સમજાવ્યું છે કે પોતે એકાંતિક સત્પુરુષમાં રહીને આજે પણ કલ્યાણ કરે છે અને કરતા રહેશે.

આ ગ્રંથમાં કુલ ૫૫ પ્રકાર (અધ્યાય) છે. દરેકમાં ૪ દોહા અને ૨૦ કડીઓ છે. છેલ્લા પ્રકારમાં ૧ કડી વધુ છે. કુલ મળી ૨૨૦ દોહા તથા ૧૧૦૧ કડીઓ છે. ગ્રંથ રચનાનો સમય તથા સ્થાન નિશ્ચિત નથી.

Updates

The prakars that have explanations by Brahmaswarup Yogiji Maharaj are marked with a star (★).

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬