સારસિદ્ધિ

કડવું - ૧૨

રાગ: ધન્યાશ્રી

વૈરાગ્યવંતને અત્યંત સુખજી, જેની ભાગી ગઈ સર્વે ભૂખજી ।

કોઈ વાતનું રહ્યું નહી દુઃખજી, સદાયે રહ્યા છે હરિ સનમુખજી ॥૧॥

રાગ: ઢાળ

હરિ સનમુખ રહે સદા, જેણે આપદા1 અળગી કરી ।

સાજી2 ન રાખી શરીરશું, ગયા અહંમમતા માયા તરી ॥૨॥

જેમ ચકોરની દૃષ્ટિ ચંદ્ર મૂકી, અરું પરું3 પેખે નહિ ।

તેમ વૈરાગ્યવાનની વરતિ, હરિમૂર્તિ વિના દેખે નહિ ॥૩॥

જેમ જળનું ઝષ4 જળમાં રહે, બા’રે નીસરતાં બળે ઘણું ।

તેમ વૈરાગ્યવાનની વરતિ, હરિ વિના સુખ ન પામે અણું ॥૪॥

જેમ અનળ5 રહે આકાશમાં, તેને ભોમ્યે6 આવ્યે ભારે દુઃખ છે ।

શીદ આવે તે અવનિયે, જેને શૂન્યે7 રે’વામાંહિ સુખ છે ॥૫॥

તેમ વૈરાગ્યવાનની વરતિ, હરિમૂર્તિ માંઈ રહે વસી ।

તેને દેહમાં આવે દુઃખ ઊપજે, જે વાલમમાં રહી વિલસી8 ॥૬॥

જેમ ભૂપભામિની9 ભવન તજી, રડવડે એકલી અરણ્ય10

ભુવન ભવન હીંડે11 ભીખત,12 તેને વદવી વાઘરણ્ય ॥૭॥

તેમ હરિજનની વૃત્તિને, જોઈએ પૂરણ પતિવ્રતાપણું ।

મહા સુખમય મૂર્તિ મહારાજની, તે માંહિ ગરક રે’વું ઘણું ॥૮॥

પણ બાંધી અલાબુ13 દિયે ડુબકી, તે નિસરે બા’રો નીરથી

તેમ હરિમૂર્તિમાં બૂડતાં, સ્નેહ તોડવો શરીરથી ॥૯॥

એટલા માટે જરૂર જોઈએ, નરને તે નિરવેદ ।

નિષ્કુળાનંદ કહે તે વિના, મટે નહિ મનને ખેદ ॥૧૦॥

 

 

નિરૂપણ

સારમાં સાર મૂર્તિની સિદ્ધિ

આગળ વંચાયું:

‘તેમ વૈરાગ્યવાન વરતિ, હરિમૂર્તિ માંઈ રહે વસી;

તેને દેહમાં આવે દુઃખ ઊપજે, જે વા’લમમાં રહી વિલસી.’

“વૈરાગ્યવાનને ક્રોધ, માન, દેહાભિમાન વગેરે દોષો ન આવે. જેમ તેમ, જેવું તેવું, જ્યાં ત્યાં અને જ્યારે ત્યારે ચલાવી લ્યે. સાધુ-સંતને તો વૈરાગ્ય હોય; રીસ ન ચડવી જોઈએ. સંસારમાં જે રહ્યા હોય તેને બે વાનાં ભેગાં ન હોય. જેમ તેમ ચલાવી લેવું પડે. આ મુંબઈમાં સૂવાની પણ જગ્યા ન હોય, ઘણા ઓટલે પડ્યા રહે છે. તે વૈરાગ્યવાળા કહેવાય? ના. કર્મવશ તો વૈરાગ્ય સૌ રાખે; પરંતુ ‘મળે પણ મન ચળે નહીં, તે વણ મળે ઇચ્છે કેમ?’ આવો મહિમા હોય તો વૈરાગ્ય પળાય. પછી ધોખો ન થાય.

“ચાર પ્રકારના મનુષ્ય છે: પહેલો, કોઈ વસ્તુ ન મળે તો ઝઘડો કરે. બીજો, આસનેથી ઊભો થઈ કોઈ વસ્તુ વહેંચાતી હોય તો લેવા જાય. ત્રીજો, આસને બેસી જ ગ્રહણ કરે, અને ચોથો તો આવે તેનોય ત્યાગ કરે.

“નિષ્કુળાનંદ સ્વામીને મરચાં ઉપર બહુ પ્રીતિ. તેમને થયું કે આ ઠીક ન કહેવાય. પછી તો એક દી’ વાડીમાં ગયા અને ખૂબ મરચાં ખાધાં. મરચાં ખાતાં જાય ને જીભને કહેતા જાય કે, ‘લે, ખા મરચાં!’ એમ કરતાં તો આંખમાં પાણી આવી ગયાં. તોયે મરચાં જીભને ખવડાવ્યાં અને આંખમાંથી ખૂબ પાણી કાઢ્યું. તેમને એવો પશ્ચાત્તાપ થયો કે: ‘મારી વૃત્તિ આ મરચાંમાં ગઈ?’ પછી આખી જિંદગી મરચાં ખાવાની વૃત્તિ જતી રહી. માટે જગતમાં અને માયિક પદાર્થોમાં સાર ન માને તે વૈરાગ્ય. સારસિદ્ધિ એટલે કે સારમાં સારરૂપ મહારાજની મૂર્તિ સિદ્ધ કરી લેવી.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ - ભાગ ૪/૩૦૭]

કડવું 🏠 home