સારસિદ્ધિ

કડવું - ૪૭

આળ પંપાળમાં આવરદા ન ખોવીજી, એ પણ વાત વિચારીને જોવીજી

હીરો હાથ આવ્યે ધુડ્યને ન ધોવીજી, દિનમાં સૂઈ રહી રાત ન ડોવીજી1

દિનમાંહી હીંડે2 મારગ મળે, રાતમાંય ઘણું રડવડિયે3

તેમ પ્રગટ મૂકીને પરોક્ષ ભજતાં, કહો પાર એમાં કાંઈ પડિયે ॥૨॥

જેમ કોઈ ફૂલવાડીનાં ફૂલ મેલી, આકાશ ફૂલની આશા કરે ॥

પાર વિના પરિશ્રમ પડે, સાર થોડું જ મળે સરે4 ॥૩॥

તેમ પ્રગટ પ્રભુને પરહરી, પરોક્ષમાં કરે પ્રતીત ॥

તે તો પીયુષનોતરું5 પરહરી, કરી છાશ પીવા ચાહે ચિત્ત ॥૪॥

ટાણે ટેવ6 રાખી નહિ, કરે કટાંણે કોઈ ઉદ્યમ ॥

તેમાં ન પડે પાંસરું,7 પડે તેમાં તે પૂરણ શ્રમ ॥૫॥

માટે સમો સાચવવો, પ્રગટશું કરવી પ્રીત ॥

તો પૂરણ તક પાકે ખરી, વળી થાય જગતમાંહી જીત ॥૬॥

એટલું કર્યું તો સર્વે કર્યું, કેડે કરવું ન રહ્યું કાંઈ ॥

મનુષ્ય દેહનો લાભ મળ્યો, આવી આ ભવમાંઈ ॥૭॥

સર્વે સિદ્ધાંતનું સિદ્ધાંત એહ જ, રે’વું પ્રગટ પ્રભુ પરાયણ ॥

મન વચન કર્મે કરી, ભજવા સ્વામિનારાયણ ॥૮॥

એહ ઠીક ઠેરાવી વાત અંતરે, પછી રે’વું નિર્ભય નચિંત ॥

એટલું સમજે સર્વે સમજ્યા, સમજાણી સનાતન રીત ॥૯॥

મળ્યો મારગ મહાસુખનો, જેમાં દુઃખ નહિ લવલેશ ॥

નિષ્કુળાનંદ નકી એ વારતા, માનવો મોટાનો ઉપદેશ ॥૧૦॥

કડવું 🏠 home