સ્નેહગીતા
કડવું ૩૭
ઉદ્ધવનું અંતર મન આશ્ચર્ય પામિયુંજી, આપણું ડહાપણપણું ગોપીને દેખી વામિયુંજી ।
જાણ્યું હરિનું હેત જુવતી ઘટ1 જામિયુંજી, પછી પ્રમદાને ચરણે ઊદ્ધવે શિશ નામિયુંજી ॥૧॥
શિશ નમાવી વળી વંદના કીધી, ધન્ય ધન્ય બાઈ તમે ધન્ય છો ।
સ્નેહ પણ સાચો તમારો, વળી તમે હરિનાં તન2 છો ॥૨॥
તમારા પ્રેમને પાશલે, વળી સર્વે સાધન ન્યૂન છે ।
મને થયું દરશન તમારું, તેહ મારાં મોટાં પુણ્ય છે ॥૩॥
પ્રીત તમારી પ્રમદા, તેની રીત અલૌકિક અબળા ।
તમારી શ્રીકૃષ્ણ સ્વામીની, કોયે કળાતી નથી કળા3 ॥૪॥
એટલું તો જાણું જો અમે, તમે ગોપી છો ગોલોકની ।
એહ વિના તો ન હોય આવું, હોય બીજે બુદ્ધિ તો કોકની ॥૫॥
મોટાં ભાગ્ય માતાજી મારાં, જે કૃષ્ણે મુજને મોકલ્યો ।
સુણી સુધાસમ4 વાણી તમારી, પ્રેમેશું પીતાં હું છળ્યો5 ॥૬॥
તમારી પદ રજ માગવા, બાઈ લલચાણું મારું મન ।
તમારા દાસનું દાસપણું, એહ આપજો જુવતી જન ॥૭॥
બાઈ બાળક બુદ્ધિએ હું બોલિયો, તેનો હૃદયે ન ધરશો રોષ ।
કાલું બોબડું કહ્યું મેં જેહ, તેહ દાસનો નિવારીએ દોષ ॥૮॥
સાચી તમારી પ્રીત સજની, વળી સાચો તમારો સ્નેહ ।
સાચી ભક્તિ તમે કરી સુંદરી, આવો પામી અબળાનો દેહ ॥૯॥
મે’ર કરો માતા મુજને, આપો આજ્ઞા તે શિર ધરું ।
નિષ્કુળાનંદના નાથ પાસે, કહો તો જાવાનું હવે કરું ॥૧૦॥ કડવું ॥૩૭॥