સ્નેહગીતા

કડવું ૪૩

ધન્ય ધન્ય ગોપિકા સ્નેહની મૂરતિજી, જેને અલબેલો સંભારે છે અતિ અતિજી ।

જેહનો અપાર સ્નેહ ને અપાર મતિજી, જેના જશ ગાય છે નિત્યે નિત્યે શ્રુતિજી ॥૧॥

શ્રુતિ ગાય છે જશ જેનો, વળી સરાયે1 છે જેને શ્રીહરિ ।

ધન્ય ધન્ય સ્નેહ એહનો, વળી સાચી ભક્તિ એણે કરી ॥૨॥

ધન્ય ધન્ય એહનો પ્રેમ કહીએ, ધન્ય ધન્ય એહની પ્રીતને ।

ધન્ય ધન્ય હેત એના હૈયાનું, ધન્ય ધન્ય એહની રીતને ॥૩॥

ધન્ય ધન્ય ભાવ ભલો એહનો, ધન્ય ધન્ય એહની મત્યને ।

ધન્ય ધન્ય સમજણ એહની, ધન્ય ધન્ય એહનાં કૃત્યને2 ॥૪॥

ધન્ય ધન્ય અંતર એહનું, ધન્ય ધન્ય એહના મનને ।

ધન્ય ધન્ય બુદ્ધિ ચિત્ત સમેતને, જે કર્યું અર્પણ કૃષ્ણને ॥૫॥

શ્રવણ નયન નાસિકા, ધન્ય ત્વચા રસના તેહને ।

પાદ પાણિ ધન્ય એહનાં, ધન્ય ધન્ય એહના દેહને ॥૬॥

સર્વે અંગે અતિ રંગે, કરી કૃષ્ણની જેણે ભગતિ ।

ત્રિલોકશું તોડી હરિશું જોડી, કરી પ્રીત અચળ અડગ અતિ ॥૭॥

ભવરોગ વામી કૃષ્ણ પામી, સ્વામી સદા સુખકંદને ।

દાઝ ટળી શાંતિ વળી, મળી પરમાનંદને ॥૮॥

કરી પ્રીત પૂરણ રીતે, જીતી ગઈ જશ જુવતી ।

જશ જેના ઊત્તમ એના, ગુણ ગાય છે ગૃહસ્થ ને જતિ3 ।૯॥

ભૂત ભવિષ્ય વર્તમાનમાં, કોઈએ સ્નેહ તુલ્ય નથી આવતું ।

નિષ્કુળાનંદના નાથજીને, સ્નેહ વિના નથી ભાવતું ॥૧૦॥ કડવું ॥૪૩॥

કડવું 🏠 home