કીર્તન મુક્તાવલી
ઇતિહાસ
(૧) લગાડી તેં પ્રીતિ લાલ રે
પ્રસંગ ઝાંખી
આ કીર્તનના ઇતિહાસ પાછળ શ્રીજી મહારાજ ગાળો સાંભળીને ઉદાસ થયા હતા અને સત્સંગનો ત્યાગ કરવા તત્પર થયા હતા તે લીલા આવે છે. સોમબા ફુઈના મુખ થકી ગાળો સાંભળી મહારાજ ઉદાસ થયા. સોમબાએ મહારાજની માફી માગી મનાવ્યા અને મહારાજ પાછા ગઢપુર આવ્યા, પણ ઉદાસીનતા ટળી નહીં. બ્રહ્માનંદ સ્વામીએ આ કીર્તન ગાઈને મહારાજને રીઝવ્યા અને પોતાનાં પહેરેલાં વસ્ત્રો ઉતારી સ્વામીને ભેટ આપ્યાં. આ પ્રસંગ થકી જણાઈ આવે છે કે શ્રીજી મહારાજ સત્ય, હીતકર, અન પ્રીય વાણીનો ઉપયોગ કરતા અને પ્રત્યેક સત્સંગ પ્રત્યે એવી અપેક્ષા રહેતી. વીગતવાર પ્રસંગ નીચે મુજબ છે.
વાણીનો દોષ
મહારાજ અક્ષર ઓરડીમાં છપ્પર પલંગમાં બિરાજમાન થયા હતા. સામે સંતો-હરિભક્તો બેઠા હતા. એવામાં કાંઈક કોલાહલ થતો સંભળાયો. મહારાજે નાજા જોગિયાને પૂછ્યું, “આ કોલાહલ શાનો છે?” એટલે તે ઊઠ્યા અને તપાસ કરીને પાછા આવ્યા. હસતાં હસતાં તેમણે કહ્યું, “મહારાજ! આજે દગડા ચોથ છે એટલે લોકરિવાજ પ્રમાણે કોઈ વિઘ્ન ન આવે તેથી લોકો બીજાના ખોરડા ઉપર પથ્થરા નાખે. સોમબા ફુઈના ખોરડા ઉપર કોઈએ પથ્થરા નાંખ્યા હશે તેથી સોમબા ફુઈ ગાળોનો વરસાદ વરસાવે છે.”
“સોમબા ફુઈ ગાળો બોલે છે? આટલો આટલો અમારો ઉપદેશ સાંભળ્યા પછી પણ સોમબા ફુઈએ જાતિ-સ્વભાવ મૂક્યો નહીં?” મહારાજ આટલું બોલતાં આકળા થઈ ગયા. તેમના મુખ ઉપરના ભાવો જોઈને સૌને લાગ્યું કે મહારાજ હમણાં ચાલી નીકળશે.
મહારાજ એકદમ ઊભા થઈ ગયા. તેમણે કહ્યું, “હવે અહીં રહેવું નથી.” એટલું કહીને તેમણે અંગરખું પહેર્યું, ચાખડી પહેરીને એકદમ ઉતાવળા ઉતાવળા નીકળી ગયા.
સૌ જોઈ રહ્યા. મુક્તાનંદ સ્વામી પણ જોઈ રહ્યા. તેમને લાગ્યું કે મહારાજની તે દિવસની ઉદાસીનતા હજુ ટળી નથી. નહીં તો આટલી વાતમાં એકદમ આકળા થાય નહીં. તેઓ પણ નીચું જોઈ વિચારમાં પડી ગયા.
દાદાખાચર મહારાજની પાછળ ગયા. પગમાં પડી ગયા. પ્રાર્થના કરી, “મહારાજ! અમારા ગુના માફ કરો. અમે તો જીવદશાવાળા એટલે દેહ પડે ત્યાં સુધી સ્વભાવ ન મૂકીએ. આપ આવા નમેરા થશો તો અમારું કલ્યાણ કેમ થશે?”
મહારાજે આકળા થઈ કહ્યું, “પણ સોમબા ફુઈ અપશબ્દો કેમ બોલે છે? જ્યાં આવી વાણી બોલાય, ત્યાં અમારાથી રહેવાય નહીં. બોલનારને પાપ લાગે અને સાંભળનારને પણ પાપ લાગે.” એટલું કહી મહારાજ હરજી ઠક્કરને ઘેર ચાલ્યા ગયા.
સોમબા ફુઈએ જાણ્યું એટલે તે દિલગીર થઈ ગયાં. મહારાજને મનાવવા ગયાં. માફી માગી પ્રાર્થના કરી. પરંતુ મહારાજે કહ્યું, “તમારી વાણીનો દોષ સાંભળનારાના અંતરમાં પાપનાં બીજ પ્રગટાવશે. અમારું કર્યું કારવ્યું બધું ધૂળમાં મળી જશે. અમે નહોતું જાણ્યું કે અમારા આટલા ઉપદેશ પછી પણ તમારા અંતરમાં અમારી વાણીનો પ્રભાવ પડ્યો નથી.” આટલું બોલતાં મહારાજના મુખારવિંદ ઉપર પ્રસ્વેદનાં બિંદુ જામી ગયાં. મહારાજ આગળ બોલવાની કોઈની હિંમત રહી નહીં. દાદાખાચર, હરજી ઠક્કર, લાધા ઠક્કર વગેરે ઉદાસ થઈને દરબારમાં આવ્યા. મોટા સદ્ગુરુઓ હવે મહારાજને મનાવે તો જ મહારાજ દરબારમા પાછા પધારશે.
બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી સૌ સદ્ગુરુઓ મળીને મહારાજ પાસે ગયા. મહારાજને ખૂબ પ્રાર્થના કરી. પરંતુ મહારાજે કહ્યું, “અમારો સ્વભાવ કઠણ છે. ત્યાગ કરતાં અત્યંત દુઃખ થાય તેવાં અમારાં માતા-પિતા – ભક્તિ અને ધર્મ – તેમનો પણ અમે લોકકલ્યાણને અર્થે ત્યાગ કર્યો. તેમનો સ્નેહ અમારા એ ત્યાગમાં બાધા નાખી શક્યો નહીં. તેમ તમારો સ્નેહ પણ હવે અમને અમારા નિશ્ચયમાંથી ફેરવી શકશે નહીં.”
મહારાજની આ દૃઢતા જોઈ કોઈ કંઈ બોલી શક્યા નહીં. અખંડાનંદ સ્વામી રડવા લાગ્યા.
સૌ સદ્ગુરુઓ દરબારમાં આવ્યા. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, “જેમના થકી મહારાજ રિસાણા છે તેમને જ ફરી મોકલો. ફુઈને કહો કે પાલવ પાથરીને મહારાજની માફી માંગે. જો ન માને તો અન્નજળનો ત્યાગ કરે પણ મહારાજને મનાવ્યા સિવાય ઘેર આવે નહીં.”
સોમબા ફુઈ મહારાજને મનાવવા જાય છે
સોમબા ફુઈ ફરી મહારાજને મનાવવા ગયાં. સાથે લાડુબા, જીવુબા, પાંચુબા બધા જ ગયાં. મહારાજ હરજી ઠક્કર સાથે ગંભીર મુખમુદ્રા રાખી વાત કરી રહ્યા હતા. એટલામાં ડેલીનું કમાડ ખખડ્યું. મહારાજે હરજી ઠક્કરને કહ્યું, “જુઓ, ખડકી કોણ ખખડાવે છે? હવે કોઈને અંદર આવવા દેશો નહીં.”
હરજી ઠક્કરે ખડકી ઉઘાડી. સામે જ સોમબા ફુઈને જોયાં. તેમણે હાથ જોડ્યા, “ફુઈબા! મહારાજ બહુ જ ગંભીર થઈ ગયા છે. હવે તેમને મનાવવાનો હમણાં પ્રયત્ન કરવો તે મને ઠીક લાગતું નથી.”
“પણ મહારાજ દરબારમાં પાછા ન પધારે ત્યાં સુધી મેં અન્નજળનો ત્યાગ કર્યો છે. હવે તો તમારી ખડકીમાં જ મારો દેહ પડશે.” સોમબા ફુઈની રૌદ્ર મુખમુદ્રા જોઈ હરજી ઠક્કર સ્તબ્ધ થઈ ગયા! પાછળ સૂરપ્રભાદેવી, લાડુબા, જીવુબા બધાં જ રડતાં હતાં. તેમણે તરત જ કહ્યું, “પધારો, મહારાજ વઢશે તો હું ખમી લઈશ.”
સૌ અંદર આવ્યાં. તેમને જોઈ મહારાજ એકદમ ઊભા થઈ ગયા અને અંદર ઓરડામાં જવા લાગ્યા. સોમબાએ તરત જ કહ્યું, “ઊભા ન રહો તો તમને દાદાની આણ છે.”
મહારાજ એકદમ ઊભા રહી ગયા! એક ડગલું પણ આગળ ખસી શક્યા નહીં. સોમબા ફુઈનો પહેલો પાસો તો સીધો પડી ગયો. તેથી હિંમત કરી તે મહારાજ પાસે આવ્યાં. બીતાં બીતાં હાથ જોડી ધ્રૂજતા સ્વરે કહ્યું, “મહારાજ! મારામાં એવો એક પણ ગુણ નથી કે આપની ભક્તિ કરી આપને રાજી કરી શકું! આપ જો મારો ત્યાગ કરશો, તો સૌના ધિક્કારને પાત્ર હું બની જઈશ. જીવવું આકરું થઈ પડશે. એક વખત ભૂલ થઈ, ફરી નહીં થાય. માટે મોઢે આવેલું અમૃત ઝૂંટવી ન લેશો.”
તેમની વાણીમાં દુઃખ હતું. પશ્ચાત્તાપ હતો, મહારાજને એ જ જોઈતું હતું. છતાં એ પશ્ચાત્તાપનો ઝરો વધુ નીકળે તે માટે તેઓ કાંઈ જ બોલ્યા નહીં. મહારાજની ગંભીર મુખમુદ્રા જોઈ સોમબા ફુઈ રડી પડ્યાં. રડતાં રડતાં તેમણે ફરી કહ્યું, “મહારાજ! આપ જાઓ તો ભલે જાઓ પણ મને ઝેર આપીને જાઓ. લોકો મારો તિરસ્કાર કરશે. મારા ખાતર આપે દાદાને છોડી દીધો, દાદાની બહેનોને છોડી દીધી. આખા પરિવારનો ત્યાગ આપે મારા ખાતર કર્યો એવી કાળમુખી હું હવે કઈ આશાએ, કયા સુખે જીવી શકું? દાદાને એભલ બાપુએ આપને ખોળે મૂક્યો છે. તેને માથે હજુ શત્રુ ફરે છે, આપ તેના છત્ર હતા એટલે તેની રક્ષા થઈ પણ હવે તો તેનુંય બધું વેરણછેરણ થઈ જશે. મારી કાળમુખી જીભ દાદાની વેરણ બની ગઈ, તેના સત્યાનાશનું કારણ બની ગઈ! ભલે, મહારાજ! આપ પધારો. પણ અહલ્યાની જેમ મને પથ્થર બનાવીને જાઓ.” સોમબા ફુઈ રડતાં હતાં. તેમના શબ્દોની ધારી અસર થઈ.
મહારાજ ધીરે ધીરે તેમની પાસે આવ્યા. થોડે છેટે ઊભા રહીને તેમણે કહ્યું, “અમારે ચાલ્યા જવું હતું. ગઢપુર છોડીને, સત્સંગ છોડીને દૂર નીકળી જવું હતું. પરંતુ દાદાની રક્ષા માટે અમે હવે રહીશું. તેને દુઃખ પડે તે અમારાથી સહન થતું નથી. તમારી પ્રકૃતિ અમે સહન કરીશું પણ દાદાનું દુઃખ સહન નહીં થાય.”
“મહારાજ! આપ રહેતા હો તો એ કાળમુખી જીભના હું કટકા કરી નાંખીશ, મોઢું સીવી લઈશ.” સોમબા ફુઈએ રડતાં રડતાં કહ્યું.
“એવું કરવાની જરૂર નથી. ફુઈબા! પણ જીભને નિયમમાં રાખવાની જરૂર છે. વાણીને ઘીની જેમ વાપરવી પણ પાણીની જેમ ન વાપરવી. સંયમ હશે તો ભક્તિ વધુ દીપશે.” મહારાજે ધીરગંભીર સ્વરે કહ્યું.
મહારાજ માન્યા, દરબારમાં આવવા તૈયાર થયા. આ જાણી સૌને આનંદ થયો. ફુઈબાના અંતરનો પશ્ચાત્તાપ મહારાજને પીગળાવી શક્યો.
લગાડી તેં પ્રીતિ લાલ રે
રાત્રે મહારાજ દરબારમાં પધાર્યા. બ્રહ્મચારીએ થાળ તૈયાર કર્યો. મહારાજ જમ્યા અને તરત જ અક્ષર ઓરડીમાં પધારી ગયા. નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીએ સૌને કહ્યું હતું કે આજ કોઈ કાંઈ બોલશો નહીં. કથાવાર્તાનો, દર્શનનો આગ્રહ આજે કોઈ રાખશો નહીં.
બીજે દિવસે સવારે મહારાજ વહેલા જાગ્યા. નિત્યવિધિ કર્યો અને પછી દરબારમાં પધાર્યા. અહીં ઉગમણા બારના ઓરડાની ઓસરીમાં ઢોલિયો ઢળાવી તે ઉપર બિરાજમાન થયા. સંતો-હરિભક્તો પણ આવી ગયા. મહારાજે સંતોને કહ્યું, “કીર્તન-ભક્તિ કરો.” એટલે બ્રહ્માનંદ સ્વામીએ શરૂઆત કરી:
“મથુરાની વાટે, મથુરાની વાટે, વ્હાલા નવ જાવું રે મથુરાની વાટે...”
આ સાંભળી મહારાજ બોલવા જતા હતા ત્યાં બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, “મહારાજ! કાલે આપ મથુરાની વાટે પધાર્યા હતા અને રાત્રે મોડા આવ્યા. બાઇયું પણ પાછળ આવી. પણ રસ્તામાં ખાડો હતો ને અંધારાને લઈને દેખાયો નહીં, એટલે સૌ પડ્યાં. ત્યારે ફુઈ બોલ્યાં, “દાદો આટલો ખાડો પણ પુરાવતો નથી.”
મહારાજ આ સાંભળી હસ્યા. તેમણે તરત જ કહ્યું, “અમે અક્ષરધામમાંથી અહીં આવીને રસ્તા અને પાળો એવી સરસ બનાવી છે પણ સ્વભાવ અને અંતરના દોષોએ એ રસ્તામાં ખાડા પાડી દીધા છે. પછી પડે જ ને! એમાં દાદાનો શો વાંક?”
બધા સમજી ગયા. મહારાજની રાતની રીસ હજી ગઈ નથી.
બીજે દિવસે કપિલા છઠનો ઉત્સવ આવતો હતો તેથી મહારાજ પૂર્વવત્ પ્રસન્ન થઈ જાય એવી સૌને ઇચ્છા હતી. બ્રહ્માનંદ સ્વામીને સૌએ અરજી કરી. સ્વામીએ કહ્યું, “આપણે તો મહારાજને રાજી કરવા પ્રયત્ન કરીએ છીએ પણ તેઓ તેમની હઠ છોડતા નથી.”
રાત્રે મહારાજ જમીને પાછા દરબારમાં ચોકમાં પધાર્યા. અહીં લીંબડા નીચે ઢોલિયો ઢળાવી તે ઉપર બિરાજમાન થયા. એટલામાં મશાલો આવી. ફાનસ, દીવા વગેરેની ઝાકઝમાળ થઈ. સંતો-હરિભક્તો પણ આવી ગયા. બ્રહ્માનંદ સ્વામી હાથમાં સરોદ લઈને આવ્યા. મહારાજે તે જોઈ પૂછ્યું, “શું કીર્તન-ભક્તિ કરવી છે?”
“હા, મહારાજ! રજોગુણનો વેગ હોય એટલે કથાવાર્તામાં સુખ ન આવે.”
મહારાજ આ સાંભળી હસ્યા. તેમણે કહ્યું, “બ્રહ્માનંદ સ્વામી સાધુ થયા તોપણ ગુણના ભાવ ગયા નથી!”
બ્રહ્માનંદ સ્વામીએ તરત જ કહ્યું, “મહારાજ! ઇષ્ટદેવ જ્યારે એવા ભાવ ગ્રહણ કરે, ત્યારે શિષ્યોમાં પણ તે દેખાય.”
સભા આ સાંભળી હસી પડી. મહારાજ પણ ખૂબ હસ્યા. બ્રહ્માનંદ સ્વામીએ જાણ્યું કે હવે સમય આવ્યો છે. તેમણે કીર્તન ઉપાડ્યું:
લગાડી તેં પ્રીતિ લાલ રે, પ્રીતલડી તો લગાડી.
બ્રહ્માનંદ સ્વામીનો ભાવવાહી કંઠ સરોદના સૂરમાં મળીને ભક્તિરસની હવા જમાવવા માંડ્યો. મહારાજે બ્રહ્માનંદ સ્વામી તરફ તીરછી નજરે જોયું અને તેમના મુખમાંથી કીર્તનની બીજી પંક્તિ સરી પડી:
પ્રીતમ માર્યાં પ્રેમનાં, તમે તીખાં રે તીખાં બાણ;
જોતાં તમને જાદવા, થયા પરવશ મારા પ્રાણ રે... પ્રીતલડી
વ્હાલી ભ્રકુટી વાંકડી, વ્હાલા લાગે છે સુંદર વેણ;
નટવર તમને નીરખવા, મારાં નાંખે છે ઝડપું નેણ રે... પ્રીતલડી
સ્વામી સામે મહારાજ એક દૃષ્ટિએ જોઈ રહ્યા. સ્વામી કીર્તન પૂરું કરે તે પહેલાં મહારાજે બ્રહ્મચારીને કહ્યું, “બ્રહ્મચારી! અમારો પાઘ લાવો, આ સ્વામીને આપી દઈએ.” બ્રહ્મચારી પાઘ લાવ્યા અને મહારાજે સ્વામીને આપી દીધો અને સ્વામીએ બીજું પદ ઉપાડ્યું:
વજાડી તેં બંસી કાન રે, વાંસલડી તો વજાડી...
અને પછી તો
ઘર ધંધો ભૂલી ગઈ, હું તો ભરવી ભૂલી (જળ) હેલ રે...
મહારાજ અનિમિષ દૃષ્ટિએ સ્વામી સામું જોઈ રહ્યા હતા. સ્વામી મહારાજની મૂર્તિ જોઈ ભાન ભૂલી ગયા હતા. એ ભાવમાં સ્વામી ગાઈ રહ્યા હતા:
માવા તમારી મોરલી, મારે ખૂબ પડી છે ખેદ
કીધાં એણે કારમાં, છાતલડી માંહીં છેદ રે... વાંસલડી
સ્વામીના એક એક શબ્દ મહારાજ અમૃત પીતા હતા. મહારાજના નેણ-કટાક્ષે સ્વામી ઘવાયા હતા. મહારાજે પોતાનો ખેસ મંગાવી સ્વામીને આપ્યો. સ્વામીએ ત્રીજું પદ શરૂ કર્યું:
માવ તમારું મોળિયું મેં દીઠું આંટાદાર;
બ્રહ્માનંદના વાલમા, વિસાર્યો મેં સંસાર રે...
મહારાજે અંગરખું પહેર્યું હતું તે ઉતારીને સ્વામીને આપી દીધું અને સ્વામીએ ચોથું પદ શરૂ કર્યું:
મરમાળી છે આંખ્યું માવ રે, આંબલડી મરમાળી.
મહારાજ એક પછી એક પદ સાંભળવામાં લીન થઈ ગયા હતા. તેમને ખ્યાલ ન રહ્યો કે બ્રહ્માનંદ સ્વામીને અંગરખું આપીને પોતે ઉઘાડા થઈને બેઠા હતા. સ્વામી ગાતા હતા:
નેણ તમારાં નાથજી, છે છેલા રે રાતાંચોળ,
અંતરમાં ઊંડાં ભર્યાં, થયું હૈડું હાલકલોલ રે... આંખલડી.
અતીશે દીઠા આકરા, આડી દીધી રે ધીરજ ઢાલ;
બ્રહ્માનંદ કહે મારકાં, લોચનીયાં તારાં લાલ રે... આંખલડી.
“હજુ અમારાં લોચન રાતાં છે?” મહારાજે હસતાં હસતાં પૂછ્યું. “આ વસ્ત્રો આપીને ઉઘાડા થઈને તો બેઠા છીએ અને હજુ મેણાં મારો છો?”
આ સાંભળી સભા હસી પડી. સ્વામી પણ હસ્યા. મહારાજે કહ્યું, “અમારાં લોચન હજુ આકરાં દેખાતાં હોય તો લ્યો આ રૂમાલ!” એમ કહી સ્વામીને રૂમાલ આપી દીધો.
“આટલું સંભળાવ્યું તો આ પ્રસાદી મળી.” સ્વામીએ કહ્યું અને ફરી સરોદ પકડીને તૈયાર કરી.
એટલે મહારાજે કહ્યું, “સ્વામી! હવે આગળ ન ગાશો. અમારી પાસે હવે તમને આપવાનું કાંઈ નથી.” એટલું કહીને મહારાજ ઊભા થઈને સ્વામીને ભેટ્યા. ખૂબ ભેટ્યા. સ્વામીના અંતરમાં છેદ પડ્યા હતા તેને વધારે ઊંડા કર્યા. મહારાજે કહ્યું, “કોઈ વસ્ત્ર તો લાવો. બ્રહ્માનંદ સ્વામીએ તો સાવ લૂંટી લીધા!”
તે સાંભળી ત્યાં ભીમો વોરો હતો તેણે કહ્યું, “મહારાજ! મારે પૂજા કરવી છે. વસ્ત્રો ઓઢાડવાં છે.”
મહારાજે કહ્યું, “આવી જાવ. અમે તૈયાર જ બેઠા છીએ.”
ભીમા વોરાએ મહારાજનું પૂજન કર્યું. પાઘ, અંગરખું, ખેસ, રૂમાલ, રેશમી કોરનાં બે ધોતિયાં મહારાજને અર્પણ કર્યાં. મહારાજે કહ્યું, “જો અમે આ સ્વામી જેવા ભક્તને બધાં વસ્ત્રો તેમના પ્રેમને આધીન થઈને આપી દીધાં, તો અમને આ નવાં વસ્ત્રો મળી રહ્યાં ને? ભક્તની સેવા જે કરે તે ઉધાર રહેતું જ નથી.”
સૌને થયું કે હવે કપિલા છઠનો ઉત્સવ સરસ થશે.
[ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩/૩૫૬]
History
(1) Lagāḍī te prīti lāl re
Overview of History
The history behind this prasang is Shriji Maharaj’s apathy in remaining in Satsang after hearing foul language. Sombā Fui used foul language, causing Maharaj to become desireless in remaining in Satsang. Sombā persuaded Maharaj by atoning and asking for forgiveness, but Maharaj still seemed dejected after returning to Gadhada. Brahmanand Swami cheered him up by singing this kirtan. Maharaj took off his garments one by one and gifted them to Brahmanand Swami. This incident shows how Shriji Maharaj’s speech was truthful, beneficial to others, and kind. He also expected all satsangis to use the same type of speech. The full story is below.
The Flaw of One’s Speech
Maharaj was resting in Akshar Ordi while sadhus and devotees were sitting in front of him. Suddenly, they heard some raucous. Maharaj asked Naja Jogiya to check. When he came back, he laughingly said, “Maharaj, today is ‘Dagadā Choth’. According to custom, people throw stones on others’ houses so that they will not encounter any obstacles. Someone threw stones on Sombā Fui’s house, so she is venting her anger with profane language.”
“Sombā Fui is using foul language? After listening to so many of my discourses, she still has not given up her nature of swearing?” Maharaj became unsettled. It seems to everyone that Maharaj would leave immediately based on his countenance.
Maharaj actually did get up to leave and said, “I do not want to stay here anymore.” He put on his angarkhu and his chākhadis and rushed away. Everyone froze watching Maharaj leave. Muktanand Swami was also speechless and watched Maharaj leave. He was left in deep thought.
Dada Khachar went after Maharaj and fell to his feet and prayed, “Maharaj, forgive us. We are jivas and so we have many flaws. How will we be liberated if you leave?”
Maharaj said in a disturbed voice, “But why does Sombā Fui use foul language? Where such speech is used, I cannot stay. It is a sin for the speaker and for the listener.” So saying, Maharaj left for Harji Thakkar’s house.
Sombā Fui lost all her color hearing that Maharaj left. She went to call Maharaj back. She asked for forgiveness and prayed to him. Maharaj said, “Listening to your foul speech, others’ hearts will sprout with sin. Everything I have done will go down the drain. I did not know that, after listening to so many of my discourses, your heart still has not been affected.” Maharaj’s face began to perspire. No one could say a word to Maharaj. Dada Khachar, Ladha Thakkar, and others came back to the darbār. They felt that only if the senior sadguru sadhus persuade Maharaj, he would return.
Brahmanand Swami, Muktanand Swami, Nityanand Swami and others went to pray to Maharaj. Maharaj said to them, “My nature is firm. I renounced my parents, Dharma and Bhakti - a feat that would certainly cause grief - for the sake of liberating countless. Similarly, your love for me will not keep me here.” No one could speak further and Akhandanand Swami started crying.
Sombā Fui Goes to Please Maharaj
Sombā Fui went with Laduba and Jivuba to please Maharaj and persuade him to come back. Harji Thakkar told the women, “Maharaj has become very grave. This is not the time to call him back.”
Sombā said, “Until Maharaj returns to the darbār, I have given up food and water. I will die here in your front yard.” Harji Thakkar relented and let them come inside his house. Seeing the women, Maharaj left for another room in the house. Using Dada Khachar’s name, Sombā got Maharaj to halt. Afraid of exactly what to say and unsure of what words to use, Sombā begin, “Maharaj, I do not have a single virtue such that I can worship you and please you. If you leave me, then I will be the object of everyone’s scorn. I will not be able to live. I have erred once, but I will not make the same mistake again.”
Sombā’s speech was regretful. There was agony in her speech. Sombā then let out a cry seeing Maharaj’s grave look, “Maharaj, if you want to leave, leave but please give me poison before you leave. People will hold me in contempt and avoid me. You left Dada Khachar and his sisters because of me, so how can I live with myself? Abhel Khachar entrusted Dada Khachar to you and he still has enemies. Who will protect him? Turn me into a stone like Ahalya before you leave.” Sombā was shedding tears as she spoke. Her words were effective, however.
Maharaj slowly walked toward Sombā and said, “I wanted to leave Gadhada and Satsang. But I will have to stay for Dada Khachar’s sake. I can tolerate your nature but I cannot tolerate any misery that may befall Dada Khachar.”
“Maharaj, if you stay, I'll cut my tongue off and sew it back.”
“There is no need for that. But the tongue needs to be controlled. Speech should be used like ghee (an expensive item which you cannot afford to spill), not like water. When there is restrain, then bhakti will beam even more.”
Maharaj was persuaded to return.
‘Struck By Your Love’
At night, Maharaj ate dinner and immediately returned to his Akshar Ordi. Nityanand Swami and Brahmanand Swami had informed everyone not to insist on discourses or having the darshan of Maharaj. The next day, Maharaj asked the sadhus to sing devotional kirtans in the early morning. However, it was still apparent to everyone that Maharaj was still bitter about the previous day’s occurrence.
The next day, everyone requested Brahmanand Swami to cheer up Maharaj in any way possible. At night, Maharaj returned to the courtyard of the darbār and sat on his dholiyo under the neem tree. The devotees lit torches to lighten the environment. The sadhus and devotees arrived to fill the assembly. Maharaj asked, “Do you want to sing devotional kirtans?”
“Yes, Maharaj. When rajogun prevails, then one cannot listen to discourses in peace.” Maharaj laughed in agreement. Then Brahmanand Swami started singing:
Lagādi te priti lāl re, pritaldi to lagādi...
Everyone was swept away in Brahmanand Swami’s soothing voice that enveloped the environment with devotion. Before Brahmanand Swami could finish, Maharaj asked Brahmachari for this pāgh. He gave it to Brahmanand Swami.
Then, Swami started singing the second verse: ‘Vajādi te bansi Kān re, vānsaldi to vajādi...’ In this way, Swami sang with such love that he was totally immersed in Maharaj’s murti and forgot all about his surroundings. Maharaj took off his angarkhu and gave it to Brahmanand Swami, but Brahmanand Swami did not realize that Maharaj is now bare. Lastly, Brahmanand Swami sang one line: ‘Brahmanand kahe marakā, lochaniyā tārā lāl re...’ (Brahmanand Swami says, your eyes are still red - angry).
Maharaj remarked, “My eyes are still red? Here, take this handkerchief.” Maharaj had given Swami everything he wore one by one. Finally, Maharaj told Swami to stop singing as he has nothing left to give. Maharaj then hugged Brahmanand Swami. Maharaj said, “Someone bring me clothes. Brahmanand Swami has robbed me of all my clothes.” Bhimo Voro heard this and said, “I want to do your puja and adorn you with clothes.” Maharaj accepted. Bhimo Voro performed Maharaj’s puja and put on an angarkhu, pāgh, khes, handkerchief, and two dhotiyā.
Maharaj said, “I gave away all my clothes to Brahmanand Swami and so I acquired new clothes, didn’t I? One who serves devotees of God will never remain in debt.”
In this way, Maharaj taught all satsangis a lesson on using their speech wisely. Wherever there is profane language, God is not present there.
[Bhagwan Swaminarayan: Part 3/356]