સ્વામિનારાયણ સંપ્રદાયમાં દેવાનંદ સ્વામીનાં ઉપદેશ પદો પ્રસિદ્ધ છે. તેમની કાવ્ય રચનામાં મનુષ્ય જન્મની દુર્લભતા, જગતના સુખનું નાશવંતપણું, સંસારમાં દુઃખ, એવા વિષયો જોવા મળે છે.
એક વખત શ્રીજી મહારાજને ધરમપુરના રાજાએ તેના દરબારમાં પધારવા આમંત્રણ આપ્યું. મહારાજ થોડા ભક્તો અને મોટેરા સંતોને લઈને રાજાના દરબારમાં પધાર્યા. રાજાએ રાજ્યકવિઓ અને ગાયકોને તેમની કળા રજું કરવા મંચ પર કાર્યક્રમ ગોઠવ્યો. આ કાર્યાક્રમમાં ગાયકોએ જે કાવ્યો ગાયાં તેમાં મનુષ્ય દેહે વિષય ભોગવવા તેવો ભાવાર્થ દેખાતો હતો અને ગાયકોને પોતાની ગાવાની કળા બતાવી દેવી તેવો પણ ગર્વ હતો. ગીતોમાં વિષય ભોગવવામાં ગુણ બતાવ્યો, કારણ કે રાજા પણ વિષય ભોગમાં માણતા હતા.
શ્રીજી મહારાજે આ કવિઓની મૂર્ખતા પારખી લીધી અને જાણ્યું કે આ રાજાને વિષયભોગમાં ગુણ બતાવીને તેનો જન્મ ગુમાવે છે. મહારાજે દેવાનંદ સ્વામીને કીર્તન સંભળાવવા સમયસૂચક આજ્ઞા કરી. દેવાનંદ સ્વામી સહજતાથી સંસારનું સુખ ત્યાગ કરીને સાધુ થયા હતા. તેમના હૃદયમાં જગતની અને વિષય ભોગવવનાની વાસના હતીજ નહિ. બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય હતા માટે ગાનવિદ્યા પણ વરેલી હતી. એક અપ્રચલીત પણ શાસ્ત્રમાં મળી આવે એવા સુરમાં કીર્તન ગાવાનું શરું કર્યું. રાજ્યસંગીતકારોને તેમને સંગીતમાં સાથ આપતાં ફાવ્યું નહીં. રાજા પ્રસન્ન થઈ ગયા પણ રાજ્યકવિઓને આ રુચ્યું નહીં.
સ્વામીએ રાજ્યસંગીતકારોને ફાવે તેવું બીજુ કીર્તન ઉપાડ્યું. આ કીર્તનના શબ્દો સાંભળીને ધારી અસર થઈ. તેમણે કીર્તનના ઉપદેશ પ્રમાણે જીવન જીવવાનું નક્કી કર્યું અને શ્રીજી મહારાજના આશ્રિત થયા. મહારાજ પણ પ્રસન્ન થયા. મહારાજે પોતાનું વસ્ત્ર દેવાનંદ સ્વામીને ભેટમાં આપ્યું. બીજુ એક શ્વેત વસ્ત્ર પણ સ્વામીને ભેટમાં આપ્યું જે દેવાનંદ સ્વામીએ સમગ્ર જીવનમાં સાચવી રાખેલું.
