એક વખત મહારાજે એમને આદેશ આપ્યો કે આ દાદાની બહેનો, લાડુબા ને જીવુબા ગૃહસ્થાશ્રમમાં છે, છતાં ત્યાગીના નિયમો પાળે છે. અમારું બહુ ખોટું દેખાડે છે, માટે એમને સમજાવો. બંને બહેનો કોઈ પુરુષનું મુખ જોતી નહોતી તેથી વચમાં પડદો નાખીને કવિરાજ બહેનોને ગૃહસ્થના ધર્મની વાતો સમજાવવા લાગ્યા.
શાંતિથી સાંભળ્યા પછી બંને બહેનોએ કવિને કહ્યું, “આ દેહની શોભા આત્મા વડે છે. આત્માને લીધે દેહ હાલે છે, ચાલે છે, ક્રિયા કરે છે. આત્મા વગર દેહની કિંમત નથી. તમે આ સારાં વસ્ત્રાભૂષણો પહેરો છો, પણ તમારામાં કોઈને મોહ થાય તો એ પાપ કોને લાગે? માટે આ રજોગુણ છોડીને, સાત્ત્વિકભાવે ભગવાનની ભક્તિ કરો.”
બંને બહેનોની આ દિવ્ય વાણીથી લાડુદાનજીને અંતરમાં ચોટ લાગી. મહારાજ પાસે આવી વસ્ત્રાભૂષણો ઉતારી દીધાં. સાધુ બનાવવા વિનંતી કરી. મહારાજે એમને દીક્ષા આપી, શ્રીરંગદાસ એવું નામ પાડ્યું. કવિરાજ સંતપંક્તિમાં ભળ્યા.
શ્રીરંગદાસજી પોતાની કવિત્વ શક્તિથી અને રમૂજી સ્વભાવથી મહારાજને હંમેશાં પ્રસન્ન રાખતા, તેથી મહારાજ એમને ‘બ્રહ્માનંદ’ કહીને પણ સંબોધતા.
સાધુ દિક્ષા ગ્રહણ કર્યા બાદ સ્વામી વિચાર કરવા લાગ્યા કે જગતથી વૈરાગ્યા પામીને મહારાજની સેવામાં કેવી રીતે અખંડ જોડાવું. વળતે દિવસે પોતાના નિત્યક્રમ પછી મહારાજ સૂતા હતા ત્યાં અક્ષર ઓરડીના બારણા તરફ આવીને, સીતાર લઈને મંગલ પ્રભાતમાં કીર્તન લલકારવા લાગ્યા. બધા સાધુ અને હરિભક્તોએ સુંદર રાગપ્રવાહનું કીર્તન સાંભળતાં નજીક આવીને સ્વામીના કીર્તનનો ઉપદેશ અંતરમાં ઉતારવા લાગ્યા. બ્રહ્માનંદ સ્વામીએ પહેલાંનાં કીર્તનો ‘શ્રીરંગદાસ’ નામથી રચ્યાં છે તેમાંનું આ એક છે.
