નિરંતર વૈરાગ્યયુક્ત અને તપસ્વી સાધુઓના સમાગમમાં રહેવાથી દાદા ખાચરની ભૌતિક અને લૌકિક સુખ-સુવિધાઓ પ્રત્યેની વાસના નિર્મૂળ થઈ ગઈ હતી. તેમને હવે સાંસારિક બાબતોનો આનંદ નિરર્થક લાગતો હતો અને લગ્ન કરવા એ હવે તેમને મન પાપ સમાન હતું. દાદા ખાચરના હજુ લગ્ન થયા ન હોવાથી, તેમના પછી તેમના વંશનો વેલો આગળ વધારનાર કોઈ નહોતું. તેથી મહારાજે દાદા ખાચરને કહ્યું, “દાદા! તમારે લગ્ન કરવા પડશે.”
દાદાએ વિવેકપૂર્વક ઉત્તર આપ્યો, “તમારી પાસે જે કોઈ આવે છે, તેમને તમે સંસારનો ત્યાગ કરી સાધુ થવાનું કહો છો. તો પછી તમે મને આ મોહ-માયાના પાપમાં કેમ ધકેલવા માંગો છો?”
મહારાજે પ્રત્યુત્તર આપ્યો, “દાદા! તમે એભલ ખાચરની પેઢીના એકમાત્ર પુત્ર અને કુળના દીપક છો. હું નથી ઇચ્છતો કે તમારી પેઢીનો અંત આવે. દાદા, સાંસારિક બાબતો પ્રત્યેની તમારી વિરક્તિ હું સમજી શકું છું, પરંતુ તમારા વંશને ચાલુ રાખવા ખાતર પણ તમારે ગૃહસ્થ જીવનમાં જોડાવું પડશે.”
પોતાના આંસુ લૂછતા દાદાએ કહ્યું, “જો હું તમારી આજ્ઞાનું પાલન ન કરું તો હું આસુર ગણાઈશ. તમારી આજ્ઞા માનવા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.”
થોડા જ સમયમાં દાદાની સગાઈ ભાટવદરના જસુબા સાથે થઈ. જાન ભાટવદર જવા માટે તૈયાર હતી, પરંતુ જીવા ખાચરના (દાદાના કાકા) ઈર્ષ્યાના કારણે થયેલા વિરોધને લીધે જાનમાં સ્ત્રીઓને જોડાવા દેવામાં આવી ન હતી. સામાન્ય રીતે જાનમાં સ્ત્રીઓ લગ્નગીતો ગાતી હોય છે, તેથી મહારાજે સાધુઓને - જેમને સંસાર, સ્ત્રી કે ધનમાં કોઈ રસ નહોતો - જાનમાં જોડાઈને લગ્નગીતો ગાવાની આજ્ઞા કરી. મહારાજે આઠ નંદ સંતોને વરરાજાના બળદ ગાડામાં બેસવાની સલાહ આપી. મહારાજ પોતે દાદા ખાચરના ગાડાના સારથિ બન્યા, જેમ કૃષ્ણ અર્જુનના સારથિ બન્યા હતા. સૌ ભક્તિભાવપૂર્વક જાનમાં જોડાયા. મહારાજ પોતે દાદા ખાચરના લગ્નમાં ગાડું હાંકે તે પ્રસંગ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલી એક વિશિષ્ટ ઘટના બની ગઈ.
જાનમાં ગયેલા આઠ નંદ સંતોમાં બ્રહ્માનંદ સ્વામી પણ હતા. સંસાર પ્રત્યે વિરક્ત હોવાથી, તેમણે ભૌતિક સુખોમાં વેડફાતા ક્ષણભંગુર જીવન વિશે તીક્ષ્ણ શબ્દોમાં એક ઉપદેશાત્મક કીર્તન રચીને ગાયું. આ કીર્તનના શબ્દોએ દાદા ખાચરને લગ્ન કરવાથી નિરુત્સાહ કરી દીધા. મહારાજે સાધુઓને વિનંતી કરવી પડી કે તેઓ આવા (વૈરાગ્યના) કીર્તનો ન ગાય.
