કીર્તન મુક્તાવલી
ઇતિહાસ
(૧) કોડે આનંદ ઘેર શ્રીજી પધાર્યા
આ. સં. ૧૮૬૫માં જેતલપુરમાં શ્રીજી મહારાજે મહાયજ્ઞ આદર્યો હતો. મહારાજે દેશ દેશમાં ફરતા સંતોને યજ્ઞ માટે બોલાવી લીધા હતા. બાઈ-ભાઈ ભક્તો ગામની જનતા સાથે બધા જ યજ્ઞમાં વિવિધરૂપે જોડાવા લાગ્યાં. લોકોનો ઉત્સાહથી જોઈને જેતલપુરની એક વેશ્યાને પણ સેવામાં જોડાવા અને પુણ્યની અધિકારી બનવા ઇચ્છા થઈ. પરંતુ લોકો તેનો તિરસ્કાર કરતા હતા, તેને લીધો મહારાજ પાસે જવામાં ઘણો સંકોચ થતો હતો. ભગવાનને પતિત પાવન સમજીને હિંમત કરીને તે શ્રીહરિની સભામાં પહોંચી ગઈ અને સેવાની માગણી કરી. દયાળુ મહારાજે તેણે ઘઉં દળવા આપ્યા તે જાતે જ તે વેશ્યાએ આખી રાત જાગીને મહારાજનું નામ રટણ કરતાં કરતાં ઘઉં દળ્યા.
મહારાજ ગંગામાને ઘેર જમીને મહોલમાં પધાર્યા ત્યારે ગણિકા મહારાજને દળેલા ઘઉં અર્પણ કરવા આવી પહોંચી. મહારાજે જાણ્યું કે ગણિકાએ પોતાના હાથે આખી રાત જાગીને ઘઉં દળ્યા છે એટલે પ્રસન્ન થઈને કહ્યું કે આજ સુધી તેં જે કાંઈ પાપ કર્યાં છે તે બળી ગયાં અને હવેથી શુદ્ધ જીવન જીવીને જન્મ સાર્થક કરી દેજે. ગણિકાને અતિ આનંદ થતાં જ મહારાજને પૂછી લીધું કે તમો મારા આવાસે ન પધારો? મહારાજે તરત સંમતિ આપી.
થોડા દિવસો પછી ગણિકાને ત્યાંથી એક માણસ આવ્યો. પાર્ષદે મહારાજને કહ્યું, “કાલે જે ગણિકા આવી હતી તેના તરફથી આ માણસ આવ્યો છે.”
મહારાજે તેને બોલાવ્યો. તેણે કહ્યું, “મહારાજ! આજે આપ અમારી બાઈને ત્યાં પધારવાના છો એટલે તેડવા આવ્યો છું.”
મહારાજ તરત જ ઊઠ્યા. મુક્તાનંદ સ્વામીને કહ્યું, “સ્વામી! તૈયાર થાઓ. કાલે ગણિકા આવી હતી તેના ઘેર આપણે જવાનું છે.”
મહારાજનાં આ વચનથી ત્યાં બેઠેલા સૌને લાગ્યું કે ભક્તિ એ કાંઈ કેવળ ભદ્ર પુરુષોનો જ ઈજારો નથી હોતો. ભગવાન તો પતિતો કે ક્ષુદ્રોની ભક્તિમાં વધુ રાચે છે, કારણ કે તેમનું અંતર તેમના ભ્રષ્ટ જીવનના પરિતાપથી નિર્મળ થઈ ગયું હોય છે. તેમાંથી ભક્તિનો સ્રોત વિશેષ ભાવથી વહે છે. ગરીબોમાં, અજ્ઞાનીઓમાં જગતનું પાપ હોતું નથી. તેથી તેમની ભક્તિનો ભાવ નિર્મળ હોય છે.
ગણિકાએ પોતાનો આવાસ ધોઈને સંપૂર્ણ સ્વચ્છ કરી નાખ્યો હતો. દીવાલો ઉપર પણ રાતોરાત ચૂનો લગાવી દીધો હતો. વાસણો ચાંદીનાં નવાં જ તૈયાર રાખ્યાં હતાં. બ્રાહ્મણ પાસે શુદ્ધ રીતે અનેક પ્રકારની વાનગીઓ તૈયાર કરાવી હતી. બેઠકખંડમાં નવા ગાલિચા ઉપર રેશમી ગાદલાં બિછાવી દીધાં હતાં. નવો પલંગ પણ મશરૂનાં ગાદલાં, ગાલમશુરિયાં, રેશમી ધડકી વગેરેથી સજ્જ-તૈયાર કરી દીધો હતો. ઝરૂખામાં શ્રીહરિની આતુર નયને તે વાટ જોતી ઊભી હતી: “આજે મારો નાથ પધારશે, આજે મારા કંકણનો સદાનો રક્ષક આવશે. મને હેતથી બોલાવશે. પણ હું કેમે કરીને તેમની સામે જોઈ શકીશ?” આવા આવા વિચારોથી તેના ગાલ ઉપર શરમની લાલીમા પથરાઈ ગઈ!
એટલામાં તો શ્રીહરિ દેખાયા, સાથે સંતો પણ દેખાયા. તેની છાતી ધડકવા લાગી: અરે પ્રભુ! તમે એક પતિતાને ત્યાં, એક ગણિકાને ત્યાં પધાર્યા! આટલો બધો ભાવ બતાવ્યો! મારા જીવનમાં એવા એક પણ પુણ્યકર્મની મને ઝાંખી થતી નથી કે આપ સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ મારું આંગણું પાવન કરો! આપની આટલી બધી કૃપા હું કેમે કરીને જીરવી શકીશ! હું ગાંડી તો નહિ થઈ જઉં ને!
શ્રીહરિ પધાર્યા. સંતો નીચી દૃષ્ટિ રાખી કીર્તન ગાતાં ગાતાં શ્રીહરિની સાથે તેના આવાસમાં દાખલ થયા. ગણિકાએ શ્રીહરિ તથા સંતોનું પૂજન કરવા એક બ્રાહ્મણને બોલાવ્યો હતો, તેને પણ સ્નાન કરાવ્યું હતું. રેશમી પીતાંબર પહેરવા આપ્યું હતું. તે બ્રાહ્મણે વિધિપૂર્વક શ્રીહરિની કેસરમિશ્રિત ચંદન, કંકુ, અક્ષત, ફૂલહાર વગેરે ઉપકરણોથી પૂજા કરી. પછી સંતોની પણ પૂજા કરી. પછી શ્રીહરિ સમક્ષ અનેક પ્રકારનાં મેવા, મીઠાઈઓ, ફળો વગેરેના થાળ મૂક્યા, રૂપિયા ભરીને ચાંદીનો થાળ મૂક્યો. શ્રીહરિએ તેમાંથી થોડું અંગીકાર કર્યું, પ્રસાદી સંતોને આપી.
બ્રહ્માનંદ સ્વામી આ બધી જ લીલા કુતૂહલપૂર્વક જોઈ રહ્યા હતા. શ્રીહરિ જાણે પોતાને ઘેર જ પધાર્યા હોય તેવી રીતે બ્રાહ્મણ પૂજારીને સૂચના આપ્યે જતા હતા! ચકની પાછળ રહી ગણિકા અશ્રુપૂર્ણ આંખે શ્રીહરિની આ અતિ અલૌકિક લીલાનાં દર્શન કરી રહી હતી. બ્રહ્માનંદ સ્વામીથી સહેજ પુછાઈ ગયું, “મહારાજ! આ ગણિકાનું પણ કલ્યાણ કરશો ને?”
મહારાજ હસીને બોલ્યા, “સ્વામી! તમારા જેવું જ કલ્યાણ!”
બ્રહ્માનંદ સ્વામીને આ સાંભળી આશ્ચર્ય થયું! મહારાજે કહ્યું, “સ્વામી! તેના અંતરના ભાવો અમે જાણીએ. તમારી દૃષ્ટિ બહારના સાધન ઉપર હોય.”
આ સાંભળી સ્વામીની આંખો ભીની થઈ ગઈ. શ્રીહરિની કેટલી કૃપા! કેવા દયાળુ! આજે તો અક્ષરધામ બક્ષિસ આપી દેવા જ પધાર્યા છે! શ્રીહરિ અંતરના ઊંડાણનો ભાવ જોઈને જ પ્રસન્ન થાય છે. શ્રીહરિ ક્રિયાસાધ્ય નથી, કૃપાસાધ્ય છે.
થોડી વારે શ્રીહરિ ઊઠ્યા. સંતોને કહ્યું, “તમે બધા અહીં બેસો. અમે તેના આવાસમાં પગલાં કરીને આવીએ.” એમ કહી શ્રીહરિ તેના આવાસમાં ઉપર ગયા. ગણિકા પણ તેમની સાથે ગઈ. શ્રીહરિ બધે જ ફર્યા. તેના શયનખંડમાં પણ પધાર્યા. અહીં સુંદર સેજ શણગારીને બિછાવી હતી. શરમાતી, સંકોચાતી ગણિકાએ શ્રીહરિ તરફ એક દૃષ્ટિ નાખી. એ દૃષ્ટિમાં વિકાર ન હતો પરંતુ શ્રીહરિના પ્રસંગથી પાવન થવાનો ભાવ હતો. શ્રીહરિ બધે જ ફરીને નીચે પધાર્યા. સંતોને કહ્યું, “સંતો, ચાલો હવે ઉતારે જઈએ.”
શ્રીહરિ સંતો સાથે મોહોલમાં પધાર્યા. મુક્તાનંદ, બ્રહ્માનંદ આદિ સંતોને શ્રીહરિના સ્વરૂપની દૃઢ નિષ્ઠા હતી. તેમના સ્વરૂપમાં સંપૂર્ણ દિવ્યભાવ હતો. તેમની દરેક ક્રિયા, ચરિત્ર તેમને દિવ્ય જ દેખાતાં. કુબ્જાને ઘેર ભગવાન કૃષ્ણ પધાર્યા અને ઉદ્ધવજી નિઃસંશય રહી બહાર બેસી રહ્યા. એ પ્રસંગનું રહસ્ય તેમણે ઘૂંટી ઘૂંટીને પીધું હતું. શ્રીકૃષ્ણની ગોપીઓ સાથેની રાસલીલા, ચીરહરણલીલા, આ લીલાનું આધ્યાત્મિક રહસ્ય તેમના અંતરમાં ઊતરી ગયું હતું. શ્રીહરિનાં સમગ્ર ચરિત્રો કેવળ કલ્યાણકારી જ છે એવી ભાવનાની દૃઢ ગાંઠ તેમના અંતરમાં સ્થિર થઈ ગઈ હતી. એ ભાવનાથી જ તેમણે શ્રીહરિની લીલાનાં પદો રચ્યાં છે.
મહારાજે ગણિકાના આવાસે પધારી તેના મનોરથ પૂરા કર્યા - તે આ લીલાનું પદ મુક્તાનંદ સ્વામી બનાવ્યું છે.
‘ભગવાન સ્વામિનારાયણ - ભાગ ૨’ની પાદટીપમાં ગણિકાનું નામ ‘નાથી’ હતું તેવો ઉલ્લેખ છે. અન્ય સ્વામિનારાયણ સંપ્રદાયના પૂસ્તકોમાં નામ ‘લક્ષ્મીબાઈ’ અને ‘હીરા’ હતું તેવો પણ ઉલ્લેખ મળે છે. તેણે પોતે જ ઘઉં દળ્યા હતા, તે પ્રતિતી કરાવવા માટે મહારાજે તેના હાથ બતાવવા કહ્યું હતું. તેના હાથમાં ઘઉં દળવાથી ફોલ્લા થયા હતા તે જોઈને સર્વને પ્રતિતી થઈ.
[ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨]
History
(1) Koḍe ānand gher Shrījī padhāryā
In Samvat 1865, Shriji Maharaj commenced a grand yagna in Jetalpur. He called the sadhus who were traveling far and wide for the yagna. The men and women of the village involved themselves in some way. Seeing everyone’s enthusiasm, a prostitute of the village also wished to join by serving in some way and gaining merit. However, everyone discriminated against her. She hesitated to go near Maharaj. One day, with a determined mind, she made her way to the front of the assembly and asked for some sevā. Compassionate Maharaj gave her grains to grind. The prostitute stayed up the whole night to grind the grains herself.
When Maharaj arrived at Gangama’s house to eat, the prostitute brought the flour there. Maharaj knew that she had stayed up the whole night to grind the grains. He was pleased and said that whatever sins she had committed up to now were destroyed. He told her to keep her conduct pure from now on to fulfill her birth to attain liberation. The prostitute really wished Maharaj would bless her house. She asked and Maharaj gave his consent.
A few days later, someone from the prostitute’s house came to fetch Maharaj. Maharaj told Muktanand Swami to get ready as they were to visit the prostitute’s house.
The prostitute had cleansed her house completely. She applied lime on the walls overnight. She had new silver utensils ready. She had a brahmin prepare pure food for Maharaj. In the guest room, she placed new cushioned pillows and a new cot with silk-cushioned mattress. She waited for Maharaj to arrive, looking out from the balcony.
She saw Maharaj approaching and her joy knew no bounds. The sadhus, with their gaze downward, entered her house while singing kirtans. She had a brahmin do Maharaj’s pujan. Maharaj advised the brahmin on how to proceed with the pujan as if he had come to his own house. The prostitute observed all this from behind a curtain while Brahmanand Swami observed all this with curiosity. A question came out of his mouth, “Maharaj, will you redeem this prostitute?”
Maharaj laughed and said, “Her liberation will be equal to your liberation!”
Brahmanand Swami was surprised. Maharaj added, “Swami, I know what feelings she has in her heart. Your vision is only on the external means.”
Hearing this, Brahmanand Swami’s eyes teared up. What compassion! After a while, Maharaj got up and told the sadhus to stay put. He blessed each room of the prostitute’s house with his holy feet. The prostitute also went along with Maharaj, showing the rooms of her house. They also went to her bedroom. Then, Maharaj departed back to his residence with the sadhus. The sadhus who accompanied Maharaj saw total divinity in Maharaj’s actions. They did not have any doubts when Maharaj went with the prostitute to bless the rooms of her house.
Muktanand Swami wrote this kirtan from the perspective of the prostitute to capture the joy she must have felt in being redeemed of her sins.
In the footnote of ‘Bhagwan Swaminarayan: Part 2’, it is mentioned that this prostitute’s name was Nāthi. Other literature of the Swaminarayan Sampraday mention her name as Lakshmibai or Hirā. Moreover, it is heard that others could have doubted she ground the grains herself. To show them, Maharaj asked her to show her hands. Seeing blisters on her hands everyone realized she did grind the grains herself.
[Bhagwan Swaminarayan: Part 2]