એક વખત, શ્રીજી મહારાજ મધરાત્રીએ છૂપીને એકલા ચાલી નીકળ્યા. સવારે જાગતાં પાર્ષદો અને શ્રીજીના સખાઓને ખબર પડી કે મહારાજ એકલા જ ચાલી નીકળ્યા છે. બ્રહ્માનંદ સ્વામી અને સુરા ખાચર મહારાજને ખોળવા સાબદા થયા. મહારાજ તો ચાલીને લીમલી ગામે પહોંચ્યા. અહીં સગરામ વાઘરીનું ઝૂપડું હતું.
સગરામ નીચ જાતી હોવા છતાં મુક્તાનંદ સ્વામી દ્વારા સત્સંગ થયો. સત્સંગનો રંગ લાગ્યા પછી તો એનું શુદ્ધ જીવન બ્રાહ્મણોને પણ શરમાવે તેવું થઈ ગયું. ગરીબ હોવા છતાં પડી વસ્તુ પર પોતાની નજર ન જાય અને કોઈની વસ્તુ લેવાનો સંકલ્પ પણ ન થાય એવો સગરામ મહારાજના માળાના મણકામાં આવી ગયો. સગરામને ઘણા વખતથી એક સંકલ્પ રહી ગયેલો કે મહારાજ તેના ઝૂપડામાં પધારે. પણ જ્યાં સંકલ્પ થાય અને બીજો સંકલ્પ થાય કે મહારાજને વળી ઝૂપડામાં કેવી રીતે પધરાવવા? ક્યા કીડી અને ક્યાં કૂંજર?
મહારાજ તો ભક્તના ભાવના ભૂખ્યા હતા. એટલે જ સગરામનો સંકલ્પ પૂરો કરવા જ એકલા ચાલી નીકળેલા. મહારાજે ઝૂપડીનુ બારણું ખખડાવ્યું. સગરામે ખોલ્યું અને જોયું તે ભગવાન સાક્ષાત્ પોતાના આંગણે આવી પહોંચેલા. એના આનંદનો પાર ન રહ્યો. મહારાજ કહે, “ઝર કરીને અમને સંતાડો. એક સાધુ અને એક કાઠી અમારા પીછે પડ્યા છે.”
સગરામ કહે, “હું તમને ક્યાં સંતાડું? મારા ઝૂપડામાં સંતાવાની જગ્યા નથી. પણ મારા ભાઈ શાદુલના ઘરમાં કોઠી છે તેમાં સંતઈ જાવો.” મહારાજ વાડને ઓળંગીને શાદુલના ઘર તરફ જતાં હતા ત્યાં તેમની એક મોજડી નીકળી ગઈ. સગરામે ભગવાનના ચરણારવિંદની પ્રસાદીના મોજડી જાણી તે મોજડી લઈ લીધી અને મહારાજને કહ્યું, “તમારી બીજી મોજડી પણ આપો, નહીં તો હું બધાને કહી દઈશ કે તમે અહીં છૂપાયા છો.” આમ મહારાજની બંન્ને મોજડીઓ સગરામે લઈ લીધી.
બ્રહ્માનંદ સ્વામી અને સુરા ખાચર મહારાજની ભાળ કાઢતાં અહીં આવી પહોંચ્યા. સગરામને પૂછ્યું, “અમને ખાતરી છે કે મહારાજ અહીં જ પધાર્યા છે. અમને કે’ કે મહારાજ ક્યાં સંતાઈ ગયા છે?” સગરામ કહે, “મારા ઘરમાં નથી. ખાતરી કરવી હોય તો જોઈ લ્યો.” બ્રહ્માનંદ સ્વામીએ તપાસ કરી પણ નાની ઝૂપડીમાં મહારાજ જોયા નહીં. પછી તો બ્રહ્માનંદ સ્વામી શાદૂલના ઘરમાં તપાસ કરવા ગયા. બધે જોયું પણ મહારાજ મળ્યા નહીં. સુરા ખાચર અને બ્રહ્માનંદ સ્વામી વિચક્ષણ હતા અને શાદુલને કહ્યું, “શાદુલ, મહારાજની સુવાસ તારા ઘરમાં આવે છે. નક્કી મહારાજ અહીં જ છે.”
આમ, બ્રહ્માનંદ સ્વામી અને સુરા ખાચરે બહાર ખાટલો ઢાળીને વાટ જોવા લાગ્યા કે મહારાજ કેટલું છૂપીને રહેશે? મહારાજને પણ ઢાંકેલી કોઠીમાં અકળામણ થવા લાગી. શ્વાસ લેવો વસમો પડ્યો. ત્યાં તો સગરામ અને શાદુલનાં ઘરવાળાં દાતરડાં લઈને ખેતરે જવા તૈયારી કરી. મહારાજ કહે, “અમે પણ તમારા ખેતરે આવીએ. અમને દાતરડું આપો.” કોઠીમાં સ્ત્રીનાં વસ્ત્રો હતાં તે મહારાજે પહેરી લીધાં અને બાઈ સાથે ચાલવા માંડ્યાં. બહાર નીકળ્યા ત્યારે સુરા ખાચરને ત્રણ બાઈ જોઈને નવાઈ લાગી. ભાઈઓને પૂછ્યું, “આ તમારાં ઘરવાળાં સાથે ત્રીજી બાઈ કોણ છે?”
શાદુલ કહે, “ત્રીજી બાઈને પતિ નથી.” આ સાંભળી મહારાજે બુરખો કાઢી અને હસવા લાગ્યા.
બ્રહ્માનંદ સ્વામીએ આ દિવ્ય લીલા ભાળીને કીર્તનની કળીઓ સરી પડી. તેમાં બ્રહ્માનંદ સ્વામી લખે છે કે ‘ધન્ય તમારી છાતલડી’. ભક્તના મનોરથ પૂરા કરવા સ્ત્રીનાં વસ્ત્ર પહેરી શકે તે ભગવાન સીવાય કોણ કરી શકે? અને કોણી એવી હિંમત પણ ચાલે?
