વિ. સં. ૧૮૬૨, મહા સુદ ૫. ગઢપુરમાં વસંત પંચમીના મંગલ દિનના પ્રભાતનું વાતાવરણ વસંત ઋતુના આગમનથી ખીલી ઊઠ્યું હતું. સંતો અને હરિભક્તો પ્રાતઃકાળમાં વહેલા ઊઠી દાદા ખાચરના દરબારમાં વસંતનો ઉત્સવ ઊજવવા વિવિધ સેવાઓમાં પરોવાઈ ગયા હતા. શ્રીહરિ સમક્ષ તેમની ભક્તિ અદા કરવા સુંદર સુમધુર ફૂલોથી ટોપલે ટોપલાં ભરતા હતા. અમુક સંતો વસંતનાં કીર્તનો રચતા હતા.
મુક્તાનંદ સ્વામી પ્રભાતમાં ધ્યાન કરી રહ્યા હતા. આ અવસરની મધુર સુવાસ તેમના ઉતારામાં પહોંચી અને તેમનું ધ્યાન તૂટ્યું. અચાનક યાદ આવ્યું કે મહારાજે આગલ્યા દિવસે વસંત ઊજવવા ફૂલો મગાવ્યાં હતાં. બધા સંતો અને હરિભક્તોને સેવા કરતા જોઈ મુક્તાનંદ સ્વામીને પણ અંતરમાં આ સેવામાં જોડાવાની ઇચ્છા થઈ. પરંતુ સત્સંગની મા સમાન અને સદ્ગુરુ હોવાને કારણે કોણ તેમને આવી સેવામાં જોડાવા દે? સ્વામી આ વિચારમાં ખોવાઈ ગયા.
આ વિચારમાં જ સ્વામીનું હૃદય ભાવભીનું થઈ ગયું અને શબ્દ ઊભરાઈ આવ્યા. ઝાડનાં લીલાં પલ્લવ પાંદળાં, પંખીઓનાં કીલ કીલ કલરવથી વાતાવરણ, આવાં દૃશ્યો નિહાળી સ્વામી ગાવા લાગ્યા, જે આ કીર્તનરૂપે શબ્દો માનવા મળે છે.
