આ કીર્તન રચનાની પાછળનો પ્રસંગ ‘પુરુષોત્તમ બોલ્યા પ્રીતે’માં ઉલ્લેખાયો છે, જે આ રીતે શ્રીજીમહારાજનાં વચનો અંતરમાં ધારીને મુક્તાનંદ સ્વામીએ રચ્યાં છે:
સરધારમાં શ્રીહરિએ મુક્તમુનિને ઉદ્દેશીને એકાંતમાં વાત કરતાં કહ્યું, “અમારું વચન જે માને છે તેને ક્યારેય લેશ પણ દુઃખ આવતું નથી. જેમ જરાસંધે અપાર રાજાઓનાં પુર કબજે કર્યાં હતાં, પરંતુ જે શ્રીકૃષ્ણના શરણમાં આવ્યા તે સૌની રક્ષા તેમણે કરી. તે રીતે જે મારો વિશ્વાસ રાખે છે, તેની હું રક્ષા કરું છું. તેનાં પાપમાત્ર ટાળી દઉં છું, એમાં સંદેહ રાખવો નહીં. હું ધર્મનો લાલ છું; જ્યાં ધર્મ ત્યાં મારો નિવાસ છે. જે મારાં વચન પાળે છે તેની સંગે હું નિવાસ કરું છું. મારા ભક્તોને મારા પ્રાણ કરીને માન્યા છે. હું મારા ભક્તને સદાય આધીન રહું છું. ભક્ત મને ભક્તિએ કરીને બાંધી લે છે. જે જન મારી સાથે પ્રીતિ કરે છે તેનાથી કોટિ ગણી પ્રીતિ હું તેની સાથે કરું છું. જે નિષ્કપટપણે વર્તે છે તેની સાથે મારી પ્રીત ક્યારેય ટળતી નથી. જેનામાં રંચ માત્ર કપટ દેખ્યું તો તે મારી સાથે પ્રીતિ કરવા જાય તોપણ મારે તેની સાથે પ્રીતિ થતી નથી. આ મારો સહજ સ્વભાવ છે તે મેં આજે કહી દેખાડ્યો.”
શ્રીહરિની આ વાણીને સાંભળી મુક્તમુનિએ પોતાની હિતકારી માની અને મનમાં દૃઢ નિર્ધાર કર્યો કે શ્રીહરિને ગમીએ તેવા થવું છે. પોતાની મરજીનો ત્યાગ કરી શ્રીહરિની મરજી મુજબ કરવું છે. જ્યારે શ્રીહરિને તન, મન, પ્રાણ અર્પણ કર્યાં ત્યારે હવે પોતાનું છાનું શું રહ્યું? મુક્તમુનિએ આ પ્રસંગ પર આઠ પદ ‘એસી ભક્તિ કરો મન મીતા’ વગેરે બનાવ્યાં છે.
[પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, પૃ. ૪૩૭]
શ્રીહરિચરિત્રામૃતસાગરનાં મૂળ વચનો: रक्षा में करूँ तेह, रखे विश्वास जो मोर हि । इनमें नहि संदेह, पाप मात्र दिये छोरि के ॥ में हूँ धर्म के लाल, धर्म तिहाँ निवास मोर । जो वचन देहु रहे पाल, तब तेहि संग निवास करूँ ॥ मोरे भक्त हैं मोरे ही प्राना । तिनकुं तेसे करि में माना ॥ भक्त के मैं सदा आधिना । भक्त मोय तेहि बाँधि के लिना ॥ मो संग प्रीति करे जन कोई । तिन सें कोटि गनि करू सोई ॥ निष्कपट जो तेहि रहावे । तिन सें मेरी प्रीत न जावे ॥ रंच भर कपट देखुं में तामे । तो कबु न प्रीति रहे यामे ॥ एसो है मेरो सहज स्वभावा । सो तुमकुं सब कहि देखावा ॥ सुनि के मगन भये हरि वानी । मुनिवर लिये हित सो आनी ॥ निज मन में मुनि किन निरधारा । अपने एसो करनो निरधारा ॥ ज्युं हरि मरजी तैंसे करना । आप कि मरजी त्याग हि करना ॥ जब हरिकुं दिये तन मन प्राना । अपनो क्या अब रखना छाना ॥ मुक्तमुनि तेहि पर जोई । आठ पद बनाये सोई ॥ ऐसि भक्ति करो मन मिता । जाकर तरत होउ पुनिता ॥ (૩/૬૦/૧૫-૨૨)
અહીં આઠમાંથી છ પદો ઉપલબ્દ છે: ઐસી ભક્તિ કરો હો મન મીતા, ઐસી ભક્તિ કરો મન મેરાં, કનક કામની મેં અધિક ભામનિ, જબ લગી ત્રિયાં વસે મનમાંહી, નારી નયન શર જબ લગી લાગે, નારી પિશાચા વાકી મત કરો આશા.
