મુંબઈમાં જ્ઞાનસત્ર
રવિવાર, તા. ૨૭-૭-’૫૨. સવારે મુંબઈ પધાર્યા. ભૂલેશ્વરમાં શેઠ ભગવાન કલ્યાણની વાડીમાં સંતોનો ઉતારો હતો... સ્વામીશ્રી સૌને કથામૃતમાં રસ-તરબોળ કરતા. તેમની વાતોનો સાર આ હતો:
“મોટાપુરુષ કે હરિભક્તોનો અભાવ એટલે દેશકાળ લાગ્યો સમજવો. દેહનો અનાદર, દૃઢ આત્મનિષ્ઠા, પંચવિષયમાં વૈરાગ્ય અને માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ – આ ચાર વાનાં સિદ્ધ થાય તો અભાવ ન આવે. ભગવાનના ભક્તને વિશે સુહૃદપણું એ જ સર્વ સાધનમાં શ્રેષ્ઠ સાધન છે. ભગવાન અને મોટાપુરુષને વિશે નિર્દોષબુદ્ધિ રાખવી.
“પોતાને બ્રહ્મરૂપ માની ભગવાન રાખવા. ભર્યા રહેવું પણ ઠાલા ન રહેવું. મારી સાથે ભગવાન છે, ચાલે છે, ખાય છે, બેઠા છે, એવી અખંડ સ્મૃતિ રહે તો અંતરમાં શાંતિ રહે.
“ભગવાનના ભક્તની તત્ત્વે સહિત ઓળખાણ કરવી, મરીને જેને પામવા છે એ જ બેઠા છે. ભગવાનનો આશરો અચળ રાખવો, તો સોડ્યમાં રોટલા આવશે. માટે ટેક ન મૂકવી. તે ઉપર કીર્તન છે:
‘ટેક ન મેલે રે, તે મરદ ખરા જગમાંહીં,
ત્રિવિધ તાપે રે, કેદી’ અંતર ડોલે નાહીં...’
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧]
