ભવબંધન કાપનારી ભક્તિનું સ્વરૂપ
ઉનામાં શ્રી સત્સંગીજીવની કથામાં શાસ્ત્રીજી મહારાજે ભાલચંદ્ર શેઠે પૂછેલા ચાર પ્રશ્નોનું અદ્ભુત નિરૂપણ કર્યું અને ભક્તિના પ્રસંગોનું વિવરણ કરતાં જણાવ્યું:
“મહારાજ ધરમપુરથી ગઢડે પધાર્યા એટલે મહારાજના વિયોગમાં પંદર દિવસ પછી કુશળકુંવરબાઈએ દેહત્યાગ કર્યો. પૂજા ડોડિયાને મહારાજ ધામમાં ગયા તે ગળે પાણી જ ઊતર્યું નહિ અને દેહ મૂકી દીધો. આવો સ્નેહ હરિભક્તોને અને સંતોને મહારાજને વિશે હતો. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તચિંતામણિમાં પરમહંસોના મહારાજ પ્રત્યેના તે સ્નેહનું વર્ણન કર્યું છે.
“માટે જ્યારે ભગવાન સાથે આવી પ્રીતિ થાય, ત્યારે દેહના ભાવ ટળી જાય અને પછી તો અખંડ એમ જ વર્તે કે -
‘વિસાર્યો નવ વીસરે, નંદનંદન નટવરવેશ;
એનાં ચરિત્ર સંભારતાં, તનશુધ ન રહે લવલેશ.’
– ઉદ્ધવગીતા
“પરંતુ ભગવાનના સ્વરૂપમાં જે સત્પુરુષ અખંડ જોડાઈ ગયા હોય, તેમના પ્રસંગથી જ મુમુક્ષુને ભગવાન પ્રત્યે આવી પ્રેમલક્ષણા ભક્તિ પ્રગટ થાય છે. તે સિવાય કેવળ વાતો કર્યે તો તે ન થાય.
“મુક્તાનંદ સ્વામીએ તેથી જ લખ્યું છે કે -
‘પ્રેમ ન નીપજે દેશ-વિદેશે, પ્રેમ ન હાટ વેચાયે રે;
પ્રેમીના પાસંગમાં જે કોઈ આવે, તે જન પ્રેમી થાય રે.
પ્રેમી જનને વશ પાતળિયો.’”
[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧/૧૯૮]
