બાજંદ રાજાની વાત આ પદમાં આવે છે તેનું આખ્યાન યોગીજી મહારાજ તેમની આગવી શૈલીમાં નીચે પ્રમાણે કરતા.
શેખ બાજંદ
બલક બુખારાના શેખ બાજંદ ચક્રવર્તી બાદશાહ હતા. ૯૯૯ ઊંટ ઉપર તો તેમનું બબરચીખાનું-રસોડું હાલે. એક વખત બાજંદ રાજા પલટન લઈ જતા હતા. પોતે ઘોડા ઉપર બેઠેલા. આગળ-પાછળ તેમનો મોટો રસાલો ચાલે. ૯૯૯ ઊંટનું બબરચીખાનું પણ આગળ હાલે. આગળ જતાં રસ્તો સાંકડો આવ્યો. રસ્તામાં એક ઊંટ આજારી (માંદું) હતું તે મરી ગયું. રસ્તો સાંકડો હોવાથી બધું લશ્કર અટકી ગયું. બાદશાહે પુછાવ્યું, “રસ્તા બંધ કેમ?”
સિપાઈએ કહ્યું, “બાદશાહ સાહબ, રસ્તા વચ્ચે ઊંટ મર ગયા હૈ.”
બાદશાહે વૈભવ-વિલાસમાં જ દિવસો કાઢેલા. તેથી મરવાનું શું વસ્તુ છે તે જાણે નહીં. તેથી તેણે પૂછ્યું, “ક્યા મર ગયા?”
એમ કહી દીવાનને લઈ જાતે જોવા ગયા. ઊંટના મડદાને જોઈ કહે, “ઈસમેં ક્યા મર ગયા હૈ? પૂંછ હૈ, પાવ હૈ, સબ હૈ, મર ક્યાં ગયા?”
દીવાનજીએ કહ્યું, “બાદશાહ સાહબ, ઈસમેં સે રુહ (આત્મા) નિકલ ગયા.”
બાદશાહને દેહમાં આત્મા જેવી કોઈ વસ્તુ છે તેની ખબર જ નહોતી. તેણે આશ્ચર્ય સાથે પૂછ્યું, “હમ ભી ઐસા?” દીવાનજીએ કહ્યું, “હાં, તુમ બી ઐસા.”
બાજંદ રાજાને જ્ઞાન થયું કે: “આ ઊંટની જેમ એક દિવસ આ દેહને મૂકીને ચાલ્યા જવાનું છે.” આ વાતની એને એકદમ ચોટ લાગી ગઈ. શેખ બાજંદ બધો રસાલો પડતો મૂકી ત્યાં જ ફકીરી લઈ નીકળી પડ્યા. તેમને સંસાર ઉપર વૈરાગ્ય ઊપજ્યો. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે:
ઊઠી ન શકે ઊંટિયો, બહુ બોલાવ્યો બાજંદજી,
તેને દેખી ત્રાસ ઊપજ્યો, લીધી ફકીરી છોડ્યો ફંદજી,
જનની જીવો રે ગોપીચંદની.
રાજપાટ, વૈભવ અને ૯૯૯ ઊંટનું રસોડું વગેરે બધું જ છોડી શેખ બાજંદ આત્માના જ્ઞાન માટે નીકળી પડ્યો. તેણે કુંભારને ત્યાંથી એક માટીનું પાટિયું (હાંડલું) લીધું. શેર લોટ માય તેટલું હતું. તેમાં ચોખા રાંધે. દિશાએ જવાનું પાણી પણ તેમાં જ લે. સ્નાન પણ તેનાથી જ. પાણી પણ તેમાં જ પીવાનું. રાત્રે ઝાડ નીચે સૂવે તે હાંડલીનું જ ઓશીકું કરે. ચક્રવર્તી બાદશાહ હતા છતાં સારા વિષયમાં આવો વૈરાગ્ય થઈ ગયો.
એક દિવસ હાંડલીમાનું અનાજ જમીને તેનું ઓશીકું કરીને શેખ બાજંદ સૂતા હતા. ઊંઘમાં હાંડલી ઉપરથી માથું હેઠું પડી ગયું. એક કૂતરો ત્યાં ફરતો હતો. તેને હાંડલીમાં અનાજની સુગંધ આવી. કૂતરાએ સૂંઘવા હાંડલીની અંદર માથું નાંખ્યું. હાંડલીમાં તેનું માથું ફીટ બેસી ગયું. કૂતરો કાઢવા ગયો પણ નીસરે નહીં. આ અવાજમાં શેખ બાજંદ જાગી ગયા. કૂતરો ભાગ્યો.
કૂતરાને ભાગતો જોઈ બાજંદ રાજાને જ્ઞાન થયું કે: “અહોહો! મારું ૯૯૯ ઊંટનું બબરચીખાનું એક કૂતરો ઉપાડી ગયો!” બાજંદ રાજાને જરાય દુઃખ ન થયું. તેમને થયું: “જમવા હાંડલી પણ શું કામ રાખવી? હવે તો કર પત્તર ને ઉદર ઝોળી!”
સંત તો વૈરાગ્યવાળા ગણાય. જો તે ફંદમાં પડે, તો તેનો વૈરાગ્ય ગયો. વૈરાગ્યવાળાને ખાન-પાન વગેરે પદાર્થોમાંથી આસક્તિ નીકળી જાય છે.
[યોગીજી મહારાજની બોધ કથાઓ - વાર્તા ૪૧૩]
