home share

કીર્તન મુક્તાવલી

નિરૂપણ

(૧) છાંડી કે શ્રીકૃષ્ણદેવ ઔર કી જો કરું સેવ

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

નવેમ્બર ૧૭, ૧૯૭૫. બોચાસણ. ચંદ્રગ્રહણની સભામાં પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ બાદ સંતોએ ઉપાડેલી કીર્તન-ભક્તિમાં મુક્તાનંદ સ્વામી રચિત કીર્તન ‘છાંડી કે શ્રીકૃષ્ણ દેવ, ઓર કી જો કરું સેવ...’નું ગાન થયું. તેના આધારે પુનઃ બ્રહ્મરસ વહાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે:

“એક જ ધણીની સેવા થાય. તેના જાણીને, એનો મહિમા સમજીને બીજાની થાય. પણ જે પતિવ્રતાની ટેક રાખવાની છે તે એક ઠેકાણે, બીજે ન થાય. ‘બીજુંયે સારું છે ને આયે બરાબર છે’ એવો વિચાર જીવમાં ન આવવો જોઈએ. આપણે કલ્યાણ બધેથી મનાય નહીં. બધેથી માને તો બગડે. તેમાં કાંઈ સુખ ન આવે, શાંતિ ન થાય. શાસ્ત્રીજી મહારાજ મળ્યા એ જ, બીજી વાત નહીં. એ સ્વરૂપ એક જ ચાલ્યું આવે છે, એમાં બીજું કંઈ છે નહીં. બધા સરખા, ‘સબ સબળિયા’ જેવું થઈ જાય એ રીત નથી.

“પ્રાગટ્યપણું જે ગુણાતીત સ્વરૂપ દ્વારા ચાલ્યું એ પ્રમાણે સમજી, આપણે એ રીતે જ કલ્યાણના ભાવથી એમાં જોડાઈએ. પણ બધી વસ્તુ સરખી સમજીને, બધેથી આપણું કલ્યાણ થાય તો પછી એક ગુણાતીતની વિશેષતા શું સમજ્યા? પાંચસો સંતો હતા મહારાજને. પાંચસો સંતો દ્વારા કાર્ય નથી કર્યું? એમના દ્વારા સત્સંગ થયો છે પણ છતાંય ગુણાતીત દ્વારા મહારાજનું પ્રગટપણું. ગુણાતીત દ્વારા જે મહારાજનો મહિમા એ બીજા દ્વારા નહીં. શાસ્ત્રીજી મહારાજના બધાય શિષ્યો પણ યોગીજી મહારાજ દ્વારા જે કાર્ય થયું એ વસ્તુની આપણે વિશેષતા છે.

“ભગતજી મહારાજના બધા શિષ્યો, બધા જ ચઢિયાતા જ હતા કે ન હતા? વિજ્ઞાનદાસ સ્વામી, પુરુષોત્તમ સ્વામી, સ્વામી (શાસ્ત્રીજી મહારાજ) ને મહાપુરુષદાસ સ્વામી – કેટલા જબરજસ્ત! ભગતજી પુરુષોત્તમ સ્વામીને બ્રહ્મર્ષિ કહેતા ને અંતર્યામીપણું પણ તેઓ બતાવતા. તેમાં કોઈ જોડાયા? શાસ્ત્રીજી મહારાજ એ શાસ્ત્રીજી મહારાજ! બધાયને એ વિશેષતા કે શાસ્ત્રીજી મહારાજ દ્વારા જ મહારાજ છે. એ પ્રમાણે સૌ જોડાયા.

‘કૃષ્ણ બિન અન્ય જેહી, ઈષ્ટ જાણી નમું તેહી; ફોર ડારો શિર મેરા, મુશલ પ્રહાર સે...’ તમારા સિવાય જો મારું માથું બીજે નમી જાય તો ફોડી નાંખજો. શેનાથી? મુશલ-સાંબેલું લઈને રમકાવી દેજો, બરાબર... એકના ચાર થઈ જાય પણ મારું માથું બીજે ન નમે. બીજે નહીં એટલે (મોક્ષદાતા છે) એ ભાવથી. બાકી બધાને નમસ્કાર કરવા એ વાંધો નથી, પણ આ એક ભાવ તો ન બદલાવો જોઈએ. સૌને ‘જય સ્વામિનારાયણ’ કહેવા પડશે. એમાં કંઈ આપણું જતું નથી. મહિમા જેનો જેટલો છે તે સમજવાનો છે. પણ કલ્યાણ એક જ ઠેકાણેથી આપણે ઇચ્છવાનું છે. પામવાની વસ્તુ એક જ છે.

“તમારા સિવાય બીજે સહેજ પ્રતીતિ આવી જાય કે: ‘આય બરાબર છે, અહીંયાં પણ આપણું કલ્યાણ થઈ જાય એવું છે,’ તોય પતી ગયું. એટલી પ્રતીતિ તમારા સિવાય આવે તો મને કેવો જાણજો? શ્વપચ, લબાડ, નીચથી અધિક નીચ જાણજો. સહેજ બીજે પ્રતીતિ આવી તો લબાડ થયો કે ન થયો? પછી એની વાત શું સાંભળવી? એને શું કાન ધરવા? લબાડ જોડે આપણે શું બેસવાનું? બીજે પ્રતીતિ હોય અથવા કરાવતો હોય તો પછી લબાડ જ જાણવો.

“આપણા જે ભગવાન, ઇષ્ટદેવ એને વિષે જ આપણને સહેજ કાંઈ દૃષ્ટિફેર કરાવતો હોય તો એ લબાડ છે. એથી આનંદ પામવા જેવું, સુખ પામવા જેવું કાંઈ નથી. શાસ્ત્રીજી મહારાજનો જે સિદ્ધાંત હોય તે ભંગ થતો હોય તેને વિષે સહેજ પણ પ્રતીતિ શેની આવે? આ તો સિદ્ધાંત તોડવાની વાત છે ને! શાસ્ત્રીજી મહારાજે દાખડો કર્યો છે, એની અંદર આપણે ગમે એવી સમજણો ઊભી કરાવી દઈએ અને ગમે તેમ કરીને આખો સત્સંગ ચૂંથવો અને સત્સંગમાં વિક્ષેપ કરવો એનો અર્થ શું? આવો સરસ-દિવ્ય સત્સંગ ચાલી રહ્યો હોય ત્યારે આપણે મનધારી બધી વાતો ઊભી કરીને, ગમે તેમ કરવું એનો અર્થ શું? એવા માણસથી આપણે ચેતવું.

“મુક્તાનંદ સ્વામીનું ચાર લીટીનું કીર્તન છે. ચાર લીટીમાં કેટલું બધું કહે છે! મારાથી જો બીજે માથું નમે તો માથું ફોડી નાંખવું, હાથ સેવા કરે તો હાથ કાપી નાંખવા, મારાથી બીજું ધ્યાન થાય તો છાતી ચીરી નાંખજો અને બીજે પ્રતીતિ આવી જાય તો શ્વપચ ને લબાડથી પણ અધિક નીચ મને જાણજો, એમ મુક્તાનંદ સ્વામી કહે છે. એટલે મહિમાનો અતિરેક ન થવો જોઈએ. મહિમા જેટલો છે તે રીતે આપણે સમજવો. પણ મહિમાના અતિરેકમાં પછી કેટલુંય વધારે પડતું થઈ જાય છે. સ્વામી કહે,

‘સમજણ વિનાના સાંગલા, પિંજણ પબેડા થાય;

રસ જાય કૂંડીમાં, ને ચિચોડો ચહ ચહ થાય.’

“પછી એમાં સુખ ન આવે. છાશ-બાખડા જેવું લાગે. ‘આ છે કે તે છે, પેલા છે કે આ છે?’ એમાંથી ઊંચા ન આવીએ. ભાઈ! આ જ છે. પછી બીજું શું જોવું, શું માનવું?

“આ તો શાસ્ત્રીજી મહારાજે આપણને ચોખ્ખી સમજણ આપી છે, પણ પછી મનસ્વી રીતે ગોઠવીએ તો ક્યાં પહોંચશો? એક ગુણાતીત દ્વારા મહારાજનું પ્રગટપણું છે. મહારાજનું પ્રગટપણું છે, છે ને છે – ગુણાતીત સંત દ્વારા. સીધી ને સટ વસ્તુ છે. પછી વાંકીચૂંકી કરવાની જરૂર શી? તે માથાકૂટ શું? શાસ્ત્રીજી મહારાજ પછી કોણ? જોગી મહારાજ પ્રગટ થઈ ગયા એની મેતે. સૌએ જોયા ને સૌએ અનુભવ્યા. એમાં પહેલેથી પંચાત શી? જે વખતે સ્વામી હતા તે વખતે સ્વામીને સેવી લીધા, પતી ગયું. સર્વ પ્રકારે, સર્વ ભાવે કરીને એ સ્વરૂપમાં – ઉત્સવ, સમૈયા, કીર્તન, ભક્તિ, સેવા દ્વારા રાજીપો લઈ લેવાનો. એ વસ્તુ પતી ગઈ. પછી ‘એના પછી કોણ?’ એ માથાકૂટ કરવાની જરૂર શી? જે છે તેને અત્યારે પૂજી લો. પછી જે થશે તે થશે. તેની તમારે શી પંચાત? પાછળના એની મેળે પાછળથી કૂટી લેશે, એને નથી ગોતતા આવડતું? એને કંઈ આપણે ગોતી આપવાનું છે? તે ગોતી લેશે.

“મહિમાનો અતિરેક પણ ન થવો જોઈએ. મહિમા જેટલો છે તેટલો કહીએ તો સમાસ થાય. ‘આ તો સાક્ષાત્ શ્રીજીમહારાજ છે’ એવા શબ્દોય પણ સ્વામી માટે ન કહેવા જોઈએ. મહારાજના સાક્ષાત્ અખંડ ધારક ગુણાતીત એ રીતની જ વાત થાય. એ દ્વારા મહારાજનું પ્રગટપણું છે, એમાં અણુએ અણુમાં મહારાજ છે. ‘સંત તે સ્વયં હરિ’ એમ ન કહ્યું?

“કેટલાય યુવકો (નગરયાત્રામાં) ‘ઉપર-નીચે, આજુ-બાજુ (પ્રમુખ સ્વામી... પ્રમુખસ્વામી)...’ એમ ગાય છે. આ પણ એક જાતની અજ્ઞાનતા, મૂર્ખાઈ છે. સમજ્યા વગરની વાત છે. એનાથી ફાયદો શું? એનાથી સમાસ શું? એનાં કરતાં મહારાજનાં કીર્તન ‘સર્વે સખી જીવન જોવાને ચાલો રે...’ ગાતા હોય તો કેવું સારું લાગે?! ઉપર-નીચે બધે જ મહારાજ છે. મહારાજની જ ધૂન ગાવ, ભજન ગાવ. આ તો ગાંડાની જેમ કૂદાકૂદ કરે. આ રીત નથી, આ પ્રથા નથી. મહારાજની પ્રથા છે તે પ્રથા પ્રમાણે ચાલો તો સમાસ થશે.

“પ્રગટનો મહિમા સમજવાનો છે પણ કૂદાકૂદ કરવાની નથી. એ જ સાક્ષાત્ શ્રીજીમહારાજ, પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા એ શબ્દો આપણે વાપરવાની રીત નથી. એ જ પૂર્ણ પુરુષોત્તમ શ્રીજીમહારાજને અખંડ ધારી રહ્યા છે, એ સર્વ પ્રકારે એની અંદર રૂંવાડે રૂંવાડે છે, એના થકી અખંડ ભગવાનનું સુખ આવે છે, એ બરાબર. પણ આ જ સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણ છે તો થઈ રહ્યું. પછી ધોકંધોકા. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ‘હું ચિરંજીવી છું.’ એમ ગુણાતીત દ્વારા આપણને મહારાજનું સાક્ષાત્ સુખ આવે છે. એ સમજ્યા એમાં બધું આવી ગયું. પતિવ્રતાનો ભાવ પણ આપણે એ રીતે રાખવાનો છે. એમાં ફેર નથી કરવાનો. શાસ્ત્રીજી મહારાજે એવો સિદ્ધાંત સમજાવ્યો છે કે પૂર્વાપર કાંઈ બાધ ન આવે. આજે શું, કરોડો વર્ષ થાય તોય બાધ ન આવે.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૧૧૩]

Nirupan

(1) Chhānḍī ke Shrī Krishṇadev aur kī jo karu sev

Sadguru Muktanand Swami

November 17, 1975. Bochasan. During the lunar eclipse sabhā, the sadhus sang the kirtan ‘Chhāndi ke Shri Krishnadev, aur ki jo karu sev...’. Pramukh Swami Maharaj explained the words of the kirtan:

“One can serve only one - their master. Understanding others as related to their master, one can serve others. But the vow of fidelity is kept toward only one and nowhere else. ‘Others are good and this is also good.’ (i.e. all gurus are the same) - one should not have this type of thought enter their jiva. We cannot believe liberation is everywhere. If one understands this way, then one is ruined and one will not be happy nor at peace. Believe in Shastriji Maharaj, nothing else. That is the the form that continues today.

“The manifestation (of Maharaj) is through the form of the Gunatit that continues today - with this understanding, we attach ourselves to that form. If we understand all to be the same and believe liberation can be found elsewhere, then what have we understood to be so special about the Gunatit guru? Did (Maharaj) not work through the 500 sadhus? Satsang has grown through them; however, Maharaj is present through the Gunatit only. The greatness of Maharaj through the Gunatit is not through anyone else. Shastriji Maharaj had many devotees, but what is special is what he accomplished through Yogiji Maharaj.

“Bhagatji Maharaj’s disciples were each better than the other. Vignandas Swami, Purushottam Swami, Shastriji Maharaj, and Mahapurushdas Swami - how great were they. Bhagatji used to call Purushottam Swami brahmarshi and Purushottam Swami showed he was omniscient. Did any attach to (Purushottam Swami)? But Shastriji Maharaj was Shastriji Maharaj. Everyone understood him to be special and realized Maharaj was present though him. Everyone attached to him with that understanding.

‘Krishna bin anya jehi, ishta jāni namu tehi, for dāro shir mero mushal prahār se...’ If my head bows to anyone other than you, then smash my head. With what? With a pestle. My head will become four pieces but it will not bow to anyone else. ‘Not bow to anyone else’ means not to bow to anyone else understanding them to be the granter of liberation. Otherwise, to bow to everyone else is not wrong. But this one sentiment should not change. We will have to bid everyone ‘Jay Swaminarayan.’ We should understand everyone’s greatness as to their limit (without over exaggerating). But we should wish for our liberation from only one place (i.e. Gunatit Sant).

“If one has the thought: ‘This is also good. We can be liberated here as well.’ Then it is all over. If one develops this type of realization, then what should others think of me? Low caste, wretched, lowest of the low.

“If anyone shows our God, our Isthadev in a different light (lower light), then he is low. How can we attach ourselves to someone who goes against the principles of Shastriji Maharaj? This is about breaking our principles. Shastriji Maharaj endeavored to establish our principles; what is the point in raising differences in opinion and understanding against his principles? What is the reason for conjuring up our own understanding in satsang when such divine satsang has been established? We should be cautious meeting people like this.

“This kirtan only has four lines. But how much has Muktanand Swami said in these four lines! If my head bows to anyone else, then smash my head. If my hands serve someone else, then cut my hands off. If my heart beholds someone else, then slash my chest open. If I understand anyone else to be the granter of liberation, then understand me to be the lowest of the low. Moreover, understand others’ greatness as it is but do not over-exaggerate. On the basis of understanding others’ greatness, we tend to exaggerate...”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3/113]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase