‘એવા સંત હરિને પ્યારા રે’
૧૯૭૫. અટલાદરા. તા. ૧૬/૨ના રોજ સ્વામીશ્રીના સાંનિધ્યમાં ઊજવાનારી વસંત પંચમીનો લાભ લેવા ઘણા હરિભક્તો ઊમટી પડતાં ઉત્સવના આગલા દિવસથી જ ઉતારા ચિક્કાર ભરાઈ ગયેલા. તે હરિભક્તો પૈકીના એક શ્રી હર્ષદભાઈ દવેનો ઉતારો મંદિરના કૂવાની નજીકમાં જ હતો. તેઓના આ ઉતારાની પાસે આવેલા બાથરૂમમાં જ સ્વામીશ્રી માટે સ્નાનની વ્યવસ્થા સેવકે ગોઠવેલી. સ્વામીશ્રી શૌચવિધિ કરવા ગયા તે દરમ્યાન આ બાથરૂમને સાવરણો ફેરવીને સેવકે સ્વચ્છ પણ કરી રાખેલું; પરંતુ આ પૂર્વતૈયારીથી અજાણ હર્ષદભાઈ એ જ બાથરૂમમાં સ્નાન કરવા પ્રવેશ્યા. ત્યાં જ સેવક આવી ગયા અને બોલ્યા, “ઝટ બહાર નીકળો. સ્વામીશ્રી નહાવા આવે છે.”
આ સાંભળતાં જ હર્ષદભાઈ તરત બહાર આવી ગયા, પણ આ દૃશ્ય જોઈ સ્વામીશ્રી તત્ક્ષણ પાછા વળી ગયા અને મંદિરના ભંડકિયા પાસે આવેલી ખુલ્લી ચોકડીમાં નળ નીચે સ્નાન કરવા બેઠા. એક યુવક દ્વારા શરીર લૂછવાનું વસ્ત્ર અહીં લઈ આવવાનો સંદેશો પણ સેવકને પહોંચાડી દીધો.
જ્યારે સેવક કટકો લઈને પાસે આવ્યા ત્યારે તેઓને ઠપકો આપતાં સ્વામીશ્રીએ કહ્યું, “તારો પ્રમુખ તે વળી કોણ મોટો થઈ ગયો છે? ભાન પડે છે કે કેવી રીતે બોલાવવા? કોણ હરિભક્ત છે તેનો તો વિચાર કરો...”
સૌ સ્વામીશ્રીની સુવિધા સચવાય તે માટે ચિંતિત રહેતા, પણ સ્વામીશ્રીને તો ભક્તોની સગવડ સાચવવાનું જ તાન રહેતું. ‘નાના મોટા ભજે જે હરિને, તેને પોતાના કરતાં જાણે સારા રે... એવા સંત હરિને પ્યારા રે...’ સમા ગુરુ હતા તેઓ!
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૧૬]
