સ્વામીશ્રીએ ધર્મધુરા ધારણ કરી. ત્યાર બાદ ચાતુર્માસ દરમ્યાન ગોંડળ પધાર્યા હતા. એક દિવસ મને બોલાવીને યોગીજી મહારાજની રીતે જ કંઈક સેવા હોય તો કાઢી રાખવા સૂચના આપી. અને કહે, “હરિભક્તોની સંખ્યા ઘણી છે. કોઈ સેવા હોય તો લાવો.”
આથી મેં ઘઉં વીણવાની સેવા માટે આયોજન કરી દીધું. સભામંડપમાં લાંબા પટ્ટે ઘઉં પાથરી દીધા. જેથી એક જ પટ્ટાની સામસામા બેસીને સૌ ઘઉં વીણી શકે. સ્વામીશ્રી સ્વયં રજાઈ પાથરેલી તેના પર બેસી ઘઉંમાંથી કાંકરા વીણવા લાગ્યા. આ જોઈને જે જે આંટાફેર મારતા હતા તેઓ પણ આવી આવી ને બેસી ગયા.
સ્વામીશ્રીએ એક હરિભક્તને કહ્યું, “હવે વચનામૃત વાંચો...” એક તરફ વચનામૃત વંચાય, સ્વામીશ્રીની મૂર્તિનાં દર્શન થાય, ને સૌ પોતપોતાની સેવા પણ સુંદર રીતે કરે. સ્વામીશ્રીના આરામનો સમય થયો એટલે કેટલાક સંતો-ભક્તો કહે, “બાપા! હવે આરામમાં પધારો.” સ્વામીશ્રી ઘઉંનો ઢગલો બતાવી કહે, “હવે આટલા જ છે. તે ભેળાભેળું વીણાઈ જાય ને? બેઠા છીએ…” પરંતુ સૌ સંતોએ આરામ માટે ઘણો આગ્રહ કર્યો, એનું મુખ્ય કારણ એ હતું કે સ્વામીશ્રી સમયસર આરામમાં પધારે તો સાંજે સાડા ત્રણ વાગે ગોંડળી નદીના અક્ષરઘાટમાં સૌ સ્નાન કરવા જવાના હતા તેમાં સ્વામીશ્રી પણ પધારી શકે અને સૌને વિશિષ્ટ લાભ મળે. સ્વામીશ્રીને આ વાતનો ખ્યાલ આવતાં કહે, “વાંધો નહીં, સાંજે પણ આવીશું. અત્યારે ઘઉં વીણાઈ જવા દ્યો.”
અંતે ઘઉં સાફ થઈ ગયા. સભા વિખરાઈ. સ્વામીશ્રી મોડા આરામમાં પધાર્યા હતા. છતાં સંતોની વિનંતીને ધ્યાનમાં લઈ સમયસર સ્નાન માટે ઘાટમાં પણ પધાર્યા અને ખૂબ લાભ આપ્યો. સંતોએ ‘સખી ના’વા પધાર્યા મહારાજ રે’ એ કીર્તન ઝીલાવ્યું. સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજને બોટમાં પધરાવી જળ ઝિલાવ્યું ને પોતે પણ બોટમાંથી ગોંડળીમાં સ્નાન માટે કૂદી પડ્યા. આ બધી લીલા એવી આનંદકારી અને પ્રેરક બની રહી કે સેવા-સમય અને લાડીલા સંતોનાં મન - બધું સાચવીને સ્વામીશ્રીએ દિવ્ય આનંદ કરાવી દીધો.
[જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧/૫૬-૫૭]
