કીર્તન મુક્તાવલી
પ્રસંગ
(૧) કથા કહું એક યુગપુરુષની સંત પરમ હિતકારીની
હદ વાળી ગુરુભક્તિની
સંવત ૧૯૪૨. શાસ્ત્રીજી મહારાજ મુંબઈથી સારંગપુર પહોંચ્યા બાદ તેઓને પગમાં ‘વા’ની બીમારી વળગેલી. તેથી લગભગ એક મહિના સુધી તેઓ સારંગપુરમાં રોકાયેલા. અહીં શાસ્ત્રીજી મહારાજનાં દર્શન, કથા અને અવકાશ મળે તો સેવાનો પણ કંઈક લાભ લેવાની ઇચ્છાથી ગામોગામના હરિભક્તો ઉમટતા હતા.
આ સમુદાયમાં પુરુષોત્તમપુરાના તુલસીભાઈ પણ આવેલા. તેઓ શાસ્ત્રીજી મહારાજને મળ્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજ સહેજે જ બોલેલા, “જો નારાયણ સ્વામી સારંગપુર આવે અને ભક્તચિંતામણિની કથા સંભળાવે તો શરીર સારું થઈ જાય.”
આ સમાચાર તુલસીભાઈએ તેઓ જ્યારે અટલાદરા આવ્યા ત્યારે સંધ્યા સમયે સ્વામીશ્રીને જણાવ્યા. તે સાંભળી સ્વામીશ્રી ખભે પોટલું અને માથે રાતને લઈને જોડિયા સંત સાથે સારંગપુર જવા નીકળી પડ્યા. તે સમયે વર્ષાની હેલીએ માઝા મૂકી હતી. વરસાદનું જોર પુષ્કળ હતું, પરંતુ તે સ્વામીશ્રીના પ્રબળ વેગને ખાળી શકે તેમ નહોતું.
‘સૌરાષ્ટ્ર મેલ’ સવારે ત્રણ વાગ્યે વડોદરા આવતો હતો. તેમાં બેસીને અમદાવાદ પહોંચવાની નેમ રાખી સ્વામીશ્રી ઘોડાગાડી દ્વારા સ્ટેશન પર તો સમયસર પહોંચી ગયા. ટ્રેન પણ નિર્ધારિત સમયે આવી ગઈ, પરંતુ તેમાં પાર વિનાની ગિરદી. વળી, વરસાદને કારણે ડબ્બાઓના દરવાજા પણ બંધ. સ્વામીશ્રી પહેલેથી ડબ્બા જોતાં જોતાં છેલ્લા ડબ્બા સુધી ગયા. વળી, પાછા છેલ્લા ડબ્બાથી છેક આગળ સુધી આવ્યા, પણ કોઈ બારણું ખોલે નહીં.
એટલામાં તો ટ્રેનને ઊપડવાની વ્હીસલ વાગી. તે સમયે સ્વામીશ્રીએ આગળ આવનારી અનેક હાડમારીઓને ગળે લગાડવાનો નિર્ણય કરી લીધી અને એન્જિન પછીના ત્રીજા ડબ્બાના ફૂટબોર્ડ પર લટકી ગયા. જેમ જેમ મુસાફરી આગળ વધતી ગઈ તેમ તેમ મુશ્કેલીઓ પણ વધતી ચાલી. જાણે મુસાફરી અને મુશ્કેલી ટ્રેનના બે પાટાની જેમ સમાંતર ચાલવા લાગી.
વરસાદની સખત ઝડીઓ સ્વામીશ્રીની એકવડી કાયાને ભીંજવવા લાગી. ટ્રેનની ગતિને પાછી પાડ્યા-પછાડવાના ઇરાદા સાથે ચડી આવ્યો હોય તેમ સુસવાટાબંધ ફૂંકાતો પવન સ્વામીશ્રીના કૃશ શરીરને ધ્રુજાવવા લાગ્યો. એન્જિનના ડબ્બામાંથી ઊડતી કોલસાની ઝીણી ભૂકી સ્વામીશ્રીની આંખોને ભરવા લાગી. આકાશમાંથી ઉતરતા ચંદ્ર-તારાનાં તેજને તો વાદળાંઓએ ક્યારનાય ઢાંકી દીધેલાં; તેથી ઉપર તો કાળું ડીબાંગ જ હતું. ધરતીમાતાય કાળી ચાદર ઓઢીને નિરાંતે સૂઈ ગયેલાં, તેથી આસપાસ પણ અંધકાર ફરી વળેલો. તેમાં ટ્રેનના પાટા નીચેથી પસાર થતી ભરવેગ ભરપૂર નદીઓ વાતાવરણની વિકરાળતાને વધુ વકરાવતી જતી હતી.
ચોમેર ફરી વળેલા આવા બિહામણા માહોલમાં એક સોહામણા સંત ટ્રેનના દરવાજાના સળિયાને પકડીને લટકતાં-પલળતાં આગળ ધસી રહેલા. તેઓની આ વિકટ પરિસ્થિતિ અને ઉત્કટ ગુરુભક્તિને લખવા-આલેખવા ત્યાં કોઈ હાજર નહોતું. કદાચ જો હોત તો પણ તે શું કરત? તેનાય કાળજા અને કલમને થંભાવી દે એવી ક્ષણોનો કાફલો પસાર થઈ રહેલો.
સ્વામીશ્રીને એકબાજુ ફૂટબોર્ડની પાતળી પટ્ટી પર પગને મજબૂત રાખવાનો હતો, તો બીજી બાજુ સળિયો પકડેલા હાથની પકડ ઢીલી ન પડે તે જોવાનું હતું; તો ત્રીજી બાજુ વરસાદમાં પલળીને વજનદાર થઈ ગયેલાં કપડાં અને ઝોળીનો ભાર ખમતાં શરીરને સંતુલિત રાખવાનું હતું. એ મધરાતે મુસીબતોના આવા તો કૈંક મોરચા એકસાથે ખૂલી ગયેલા. તેમાં એક અણનમ યોદ્ધાની જેમ સ્વામીશ્રી આગળ વધી રહેલા. મોં પર સતત વાગી રહેલા વરસાદ કે આંખોને સતત ભરી રહેલી કોલસાની ભૂકીમાં રાહત મેળવવા હાથને મોં પર ફેરવવા માટે કે આંખો ચોળવા માટે પણ હલાવી શકાય તેમ નહોતું. એકની એક સ્થિતિમાં ઝાઝી વાર રહેવાને કારણે જકડાઈ જતા પગને પણ હલવાની પરવાનગી આપી શકાય તેમ નહોતું. બસ, જે બની રહ્યું હતું તેને એકધારું સહન જ કર્યે જવાનું હતું, સતત સો-સવાસો કિલોમીટર સુધી!
આ રીતે હાડમારીનો પહાડ ઓળંગીને સ્વામીશ્રી અમદાવાદ પહોંચ્યા ત્યારે ખબર પડી કે આ તો માત્ર પર્વતમાળાનું એક શિખર ઓળંગાયું છે. પડકાર ફેંક્તી કૈંક આફતો હજીયે સામે મોં ફાડીને ઊભી હતી.
સ્વામીશ્રીને અમદાવાદથી ધોળકા-ધંધુકા તરફ જતી ગાડીમાં બેસવાનું હતું. ટિકિટ પણ એ રીતની હતી. તેથી સૌરાષ્ટ્ર મેલમાંથી ઊતરીને નાની ગાડીના પ્લેટફૉર્મ ઉપર ગયા, પણ વરસાદને કારણે જમીનોનું ધોવાણ થઈ જતાં તે ગાડી બંધ કરવામાં આવી હતી. તેથી પાછા સૌરાષ્ટ્ર મેલમાં જ બેસીને સુરેન્દ્રનગર જઈ, ત્યાંથી ભાવનગર જતી ટ્રેન દ્વારા બોટાદ ઊતરીને સારંગપુર પહોંચવાનું નક્કી કર્યું. વરસાદને કારણે ગાડીઓનાં સમયપત્રકો ખોરવાઈ ગયેલાં. તેથી સૌરાષ્ટ્ર મેલ હજી ઊભો જ હતો. તેમાં સ્વામીશ્રી બેસી ગયા અને મુસાફરી આગળ ધપી.
અમદાવાદથી સ્વામીશ્રીને બેસવાની જગ્યા તો મળી ગઈ પણ ટિકિટની ઉપાધિ ઊભી થઈ. સ્વામીશ્રી પાસે ટિકિટ તો હતી પણ તે બીજી ટ્રેન અને બીજા માર્ગની હતી. તેથી ઇન્સ્પેક્ટરે ટિકિટ અંગે રકઝક કરી અને રકમ ભરી દેવા અંગે વાત કરી, ત્યારે સ્વામીશ્રીએ તેઓને ઊભી થયેલી કટોકટી સમજાવતાં કહ્યું, “વરસાદને લઈને સોમનાથ મેલ કેન્સલ થયો અને અમારા ગુરુ બહુ બીમાર છે. એટલે અમારે ઉતાવળ હોવાથી આ ગાડીમાં બેસી ગયા છીએ.”
સાથેના એક મુસાફરે પણ કહ્યું, “આ સાધુ પૈસા ન રાખે.”
આ સાંભળી ટિકિટ ચેકરને થયું કે: “આ કોઈ ખુદાબક્ષ મુસાફરો નથી.” તેને સ્વામીશ્રીની વાત યોગ્ય જણાઈ. વાત કરતાંય સ્વામીશ્રીના બોલમાંથી નીતરતી નિર્દોષતાની ઇન્સ્પેક્ટરના મન પર ઘેરી અસર થઈ. તેણે આગળની મુસાફરી માન્ય રાખી. સ્વામીશ્રી માંડ માંડ બોટાદ સુધી પહોંચ્યા. બપોરના લગભગ સાડા ત્રણ વાગ્યા હતા, પરંતુ વાદળઘેરું વાતાવરણ સાંજના સાત વાગ્યાનો અનુભવ કરાવી રહેલું.
તેમાંય અભિમન્યુના સાતમા કોઠા જેવી પરિસ્થિતિ તો હવે આવી! બોટાદથી સારંગપુર જવા વાહનની વાત તો વીસરી જ જવી પડે, પણ ચાલતાંય રસ્તા સૂઝે નહીં એવી રીતે આભ ફાટીને વચ્ચોવચ પડેલું. ચારેકોર જળબંબાકાર દિશાઓ પગલું ભરનારને આખેઆખા ગળી જવા તૈયાર જ ઊભેલી.
આ સમયે સારંગપુરના હનુમાનજી મંદિરથી વશરામભાઈ એક સિગરામ લઈને કોઈ સંતોને લેવા આવેલા, પણ તે સંતો આવ્યા નહોતા એટલે તેઓએ કહ્યું, “આમાં પોટલાં મૂકી દો.” તેથી સ્વામીશ્રીએ તેમાં પોટલાં મૂકી દીધાં, પણ ગાડે બેસવામાં કંઈક ખટરાગ થાય તેમ હોવાથી સ્વામીશ્રીએ ચાલવાનું શરૂ કર્યું.
તે વખતે બોટાદથી સારંગપુર આવવા માટે હાલ જે પાકી સડક છે તે રસ્તો નહોતો, પણ મૃગલીવાવે થઈને બીડમાંથી રસ્તો આવતો હતો. ગાડાં-ડમણિયાં ત્યાંથી જ આવ-જા કરતાં. તે રસ્તે સ્વામીશ્રી પાણી ડહોળતાં ડહોળતાં ચાલવા લાગ્યા. વોકળાનાં પાણી છાતી અને ગળાને ડુબાડતાં પૂરપાટ વહી રહ્યાં હતાં. “હવે પછીના પગલે નીચે શું આવશે? જે આવશે તે આપણને તારશે કે મારશે?” – જેવી કોઈ જ અટકળો કરવાનો અર્થ નહોતો, કારણ કે સઘળું અનિશ્ચિત જ હતું. તેમાં સ્વામીશ્રી કેવળ શાસ્ત્રીજી મહારાજના વિશ્વાસે પગલું માંડી રહ્યા હતા.
તેઓની ભક્તિથી પ્રસન્ન થઈને જ જાણે ભગવાને એક ભરવાડને ત્યાં મોકલ્યો અથવા તો કહો ને કે ભગવાન જ ભરવાડ વેશે ત્યાં હાજર થઈ ગયા. તે ભરવાડે સ્વામીશ્રીને કહ્યું, “ચાલો, હું તમને પાર ઉતારું.” આમ કહી તેણે સ્વામીશ્રીને પોતાની લાકડીનો છેડો પકડીને પોતાની પાછળ પાછળ આવવાનું કહ્યું. આ રીતે દોરતો દોરતો તે સ્વામીશ્રીને ઠેઠ સારંગપુર સુધી લઈ આવ્યો. ગામ આવતાં જ તેણે કહ્યું, “હવે હું જાઉં.” એમ કહી તે ગામમાં પ્રવેશી ગયો.
ગામમાં પણ મંદિર નજીક વહેતી ફલ્ગુ પુરજોરમાં હતી. તેના વેગને કારણે મંદિરના દરવાજાની દીવાલ પડી ગયેલી. તેથી સ્વામીશ્રીએ બીજી અનુકૂળ જગ્યાએથી મંદિરમાં પ્રવેશ કર્યો અને સીધા જ શાસ્ત્રીજી મહારાજ પાસે પહોંચ્યા.
શાસ્ત્રીજી મહારાજ ખાટલા પર સૂતા હતા. તેઓનાં દર્શનથી જ સ્વામીશ્રીને તો ‘क्लेशः फलेन पुनर्नवतां विधत्ते ।’ ફળની પ્રાપ્તિ થતાં જ વેદના વીસરાઈ જાય તેમ અહીં સુધી પહોંચવામાં પડેલો ભીડો કપૂરની જેમ ઓગળી ગયો. તેઓ ભીના લૂગડે જ દંડવત્ કરવા લાગ્યા.
પોતાના પ્રાણ સમાન સ્વામીશ્રીને જોતાં જ શાસ્ત્રીજી મહારાજ પણ ખાટલામાંથી બેઠા થઈ ગયા અને પૂછ્યું, “આવા વરસાદમાં તું ક્યાંથી?”
“આપની મરજી હતી એટલે અવાયું.” સ્વામીશ્રીએ એક જ વાક્યમાં ગુરુભક્તિ નિચોવી નાંખી. એ ઉત્તરમાં પોતે વેઠેલી પારાવાર તકલીફોનો એક હરફ સુધ્ધાં નહોતો. સ્વમહત્તાને સદા શૂન્ય રાખીને ગુરુની મહત્તાને જ આગળ ધરવાનું તેઓના કણકણમાં હતું.
શાસ્ત્રીજી મહારાજ પણ “આવો મહિમા હોય તો કામ થઈ જાય...” કહેતાં ઊભા થઈ ગયા અને સ્વામીશ્રીનાં લૂગડાં ભીનાં હતાં છતાં તેઓને પ્રેમપૂર્વક એ રીતે ભેટ્યા કે જાણે હમણાં જ તેઓ સ્વામીશ્રીમાં સમાઈ જશે.
સારંગપુરમાં નારણદા’ આવી ગયા એટલે શાસ્ત્રીજી મહારાજને તો જાણે આનંદના ઓઘ વળ્યા! સ્વામીશ્રી પણ શાસ્ત્રીજી મહારાજની સેવામાં એકાકાર થઈને પરોવાઈ ગયા. વખતોવખત કથાનાં પ્રકરણો પણ સ્વામીશ્રી પાસે શાસ્ત્રીજી મહારાજ વંચાવતા.
થોડા દિવસોમાં પારાયણની પૂર્ણાહુતિ થતાં સૌ હરિભક્તો વીખરાયા પણ શાસ્ત્રીજી મહારાજ ‘વા’ની બીમારીને કારણે સારંગપુરમાં જ રોકાયા.
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧/૭૨]
Prasang
(1) Kathā kahu ek yugpurushnī sant param hitkārīnī
Went Beyond the Border in His Devotion for the Guru
Samvat Year 1942. Shastriji Maharaj arrived in Sarangpur from Mumbai to rest for one month because he was suffering from arthritis of the feet. Many devotees came from other villages for the opportunity to have darshan and listen to discourses. Tulsibhai from Purushottampura also came. When he met Shastriji Maharaj, Shastriji Maharaj said, “If Narayan Swami (Pramukh Swami Maharaj) comes to Sarangpur and reads the Bhaktachintamani, I will get better.”
When Tulsibhai went to Atladra, he conveyed Shastriji Maharaj’s message to Swamishri Pramukh Swami Maharaj in the evening. At once, Swamishri grabbed his belongings and left for Sarangpur with his accompanying sadhu. It was raining heavily, yet this did not hinder Swamishri.
The Saurashtra Mail train arrived in Vadodara at 3am. Planning to reach Amdavad on this train, Swamishri went to the station via a horse carriage. The train arrived on time but it was overcrowded and the doors were closed because of rain. Swamishri went from the first car to the last looking for space. Then, he went back to the first car but no one would open the door. The train was ready to depart. Swamishri was determined to reach Shastriji Maharaj. He held on to the door handle and stood on the foot-board of the third car from the engine. While the train moved forward, Swamishri became drenched in the rain and shivered in the wind. The embers coming from the coal-burning engine also got into his eyes during the pitch dark night. Maintaining his foot on the foot-board while ensuring his grip does not loosen from the door handle and carrying the weight of his belongings that became heavier as they got wet, Swamishri endured for 100-150 kilometers and reached Amdavad.
From Amdavad, Swamishri was to take the train to Dholaka-Dhandhuka as according to his ticket. However, because of the heavy rains, this route was disconnected. So, he took the Saurashtra Mail train to Surendranagar. Swamishri decided to reach Sarangpur via Botad which was on the way to the train going to Bhavnagar. Swamishri took this train and marched forward. However, his ticket was for a different train and a different route. The ticket inspector hassled Swamishri to pay for the fare. Swamishri tried to explain that he sat on this train because of his rush to get to Sarangpur to meet his guru who was sick. Other passengers supported Swamishri and said this sadhu does not keep money. The inspector believed Swamishri and let him stay on board.
At 3:30 pm, Swamishri reached Botad. The rain clouds covered the earth making it pitch dark. It was impossible to find any vehicles traveling to Sarangpur, while walking there in darkness was out of the question. At this instance, Vashrambhai of the Hanuman Mandir of Sarangpur came to get another sadhu with a horse carriage. However, that sadhu did not arrive, so he said to Swamishri, “Put your belongings in here.” Swamishri put his belonging in the carriage, however, he decided to walk instead of sit in the carriage lest someone causes trouble (question why a sadhu sat in a carriage). The complete road that exists today was not laid out at this time. He came across a lake where the water reached the chest area. Pleased with his guru bhakti thus far, Bhagwan sent a shepherd who said he would help Swamishri cross. Swamishri held his stick and walked forward all the way to Sarangpur.
In Sarangpur, the Falgu River was overflowing, causing the mandir gate wall to crumble. Swamishri entered the mandir from another entrance and went straight to Shastriji Maharaj, who was sleeping on his cot. In the first darshan of his guru, all of Swamishri’s troubles he experienced melted away. He prostrated before Shastriji Maharaj. Shastriji Maharaj sat up and asked, “How did you come in this rain?”
Swamishri’s only reply was, “I was able to come because of your wish.” He did not utter a single word of the troubles he endured. Shastriji Maharaj said, “If one has this level of mahimā, then one will accomplish all of their tasks.” He then embraced Swamishri, even though he was wet. Shastriji Maharaj was overjoyed seeing Swamishri, while Swamishri immediately joined in serving his guru.
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 1/72]