વચનામૃત ઇતિહાસ

કારિયાણી ૫

વચનામૃત કારિયાણી ૫ સં. ૧૮૭૭ની દિવાળીના પૂર્વ દિવસનું વચનામૃત છે. આ વર્ષના દિવાળીના ઉત્સવે ગોપાળાનંદ સ્વામી પણ વડોદરાથી પધાર્યા હતા. તે વખતે તેઓ સાથે શ્રીજીમહારાજે કરેલી એક બેઠકનું (મીટિંગનું) વર્ણન આ રીતે પ્રાપ્ત થાય છે:

મહારાજે રતનજીને કહ્યું, “રતનજી! તમે જાઓ અને ગોપાળાનંદ સ્વામીને એકલાને બોલાવી લાવજો.”

થોડી વારે સ્વામી આવ્યા ત્યારે મહારાજે શુકમુનિને કહ્યું, “તમે બહાર જાઓ.” એટલે શુકમુનિ તરત જ ઊઠ્યા.

તે વખતે નિષ્કુળાનંદ સ્વામી દાડિયા પાસે ચોકડી અને કૂંડી ટિપાવતા હતા. તેમને લાગ્યું કે સ્વામીને ખાસ બોલાવીને મહારાજ વાત કરવા માગે છે એટલે કંઈક રહસ્યની વાત હશે. તેથી તે એકદમ કામ પડતું મૂકીને ઓરડીમાં આવી ગયા. તેમને જોઈને મહારાજે કહ્યું, “સ્વામી! તમે દાડિયા ઉપર નજર રાખો, નહીં તો કામ બરાબર થશે નહીં.” એટલે નિષ્કુળાનંદ સ્વામી ઊઠ્યા અને બંદોબસ્ત કરીને પાછા આવ્યા. ત્યારે મહારાજે ફરી કહ્યું, “સ્વામી! જાતે દેખરેખ વગર કામ બરોબર થાય નહીં. માટે ઊઠો અને કામ બરાબર કરાવો.”

નિષ્કુળાનંદ સ્વામી સમજી ગયા. મહારાજે બારણું બંધ કરાવ્યું. પછી તેઓએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું, “સ્વામી! અમે અક્ષરધામમાંથી અમારું અક્ષરધામ અને તમો બધા મુક્તોને લઈને અહીં આવ્યા છીએ તેનો હેતુ જાણો છો?” પછી શ્રીજીમહારાજે કહ્યું, “સાંભળો, અમે છ હેતુ લઈને પૃથ્વી ઉપર આવ્યા છીએ. તે તમને આજે કહેવા માટે બોલાવ્યા છે.” આમ કહી શ્રીજીમહારાજે પોતાના અવતાર ધર્યાનું પ્રયોજન ગોપાળાનંદ સ્વામીને જણાવેલું.

[ભગવાન સ્વામિનારાયણ – ભાગ ૪/૨૩૨]

ઉપરોક્ત પ્રસંગના વર્ણન બાદ તરત જ, વચ્ચે એક પણ અન્ય વાક્ય સિવાય સીધું જ સં. ૧૮૭૭ના કારિયાણીના દીપોત્સવનું વર્ણન શરૂ થાય છે. એટલે કે શ્રીજીમહારાજે પોતાના અવતાર ધર્યાનું પ્રયોજન જણાવ્યું તે દિવાળીનો પૂર્વદિન – એટલે કે આ વચનામૃતના ઉદ્‌બોધનનો – સં. ૧૮૭૭, આસો વદિ ચૌદશનો હોવો જોઈએ. આમ, વચનામૃત કારિયાણી ૫ની પ્રસ્તાવના સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામી સાથે શ્રીજીમહારાજે કરેલી ગોષ્ઠિમાં સમાયેલી છે. વચનામૃત કારિયાણી ૫નું મૂળ તે વાર્તાલાપમાં નિહિત થયેલું દેખાય છે.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કરિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ