વચનામૃત ઇતિહાસ

કારિયાણી ૯

શ્રીજીમહારાજ આ વચનામૃતમાં પ્રશ્ન પૂછે છે, “જેને એવી મલિન રીસ હોય કે જેની ઉપર આંટી પડે તે સંગાથે આંટી મૂકે જ નહીં, પાડાની પેઠે રીસ રાખ્યા જ કરે. એવો જે હોય તેને તે સાધુ કહીએ કે ન કહીએ?”

આ પ્રશ્નનો ઇતિહાસ આ રીતે પ્રાપ્ત થાય છે:

બ્રહ્મમુનિને એક દિવસ શ્રીહરિએ કહ્યું કે તમે મુક્તમુનિની સાથે અબોલા કર્યા છે એમ સાંભળ્યું છે... સત્સંગમાં તમે બે બહુ મોટા છો. મુક્તમુનિ સાંજ-સવાર નિત્ય તમને પગે લાગવા આવે છે પણ તમે બોલતા નથી. તો ગુરુનો શો અભાવ આવ્યો તે કહો. તમારી સમજણ તો બહુ ભારે છે. મોટા મોટા રાજાઓ પણ તમને માનતા હતા ત્યારે કંચનનો વરસાદ તમારા પર થતો. કન્યા આપવા જ્ઞાતિના લોકો પાછળ ફરતા, પરંતુ સાંસારિક સુખને ઝેર જેવાં માની, પિંડ-બ્રહ્માંડને અસત્ય સમજી સત્સંગ કર્યો, છતાં પણ તમને વિક્ષેપ થયો તે આશ્ચર્યની વાત છે, તેનું કારણ સમજાતું નથી.

ત્યારે નિર્વિકારાનંદ બોલ્યા, “વાસુદેવાનંદમુનિ જે બ્રહ્મમુનિના લહિયા હતા તેમને બ્રહ્મમુનિ સાથે નહીં બનવાથી એકડમલ થઈ જવાના હતા. ત્યારે મુક્તમુનિએ તેમને વાત કરીને બ્રહ્મમુનિના ગુણ દેખાડ્યા, પણ તેમના માન્યામાં આવ્યું નહીં. ત્યારે છેવટે મુક્તમુનિએ કહ્યું, ‘તમે ઉદાસીનતા છોડીને અમારી પાસે રહો.’ ત્યારે તે મુક્તમુનિ પાસે રહ્યા. તેથી બ્રહ્મમુનિને ખોટું લાગ્યું એટલી વાત હું જાણું છું.”

ત્યારે શ્રીહરિ બ્રહ્મમુનિને કહે, “તમે સમજુ થઈ આ શું કર્યું? તમે સત્સંગમાં મોટા છો. મોટાનો દોષ કહેવો તે પણ વિચારવા જેવું છે. જેને મોટા જાણે તેને માન મેલીને નમાય નહીં તો નરકમાં પડી ચૂક્યા એમ જાણવું.”

ત્યારે બ્રહ્મમુનિ હાથ જોડીને બોલ્યા, “આપ સાચું કહો છો... મુક્તમુનિ સમાન કોઈ સમર્થ સંત નથી. પણ મારો દેહ છૂટવાનો હતો ત્યારે હરિભક્ત બાઈઓએ આયુષ્ય આપી હતી. તે કોઈ બાઈના દોષે કરીને મારે આવો વિક્ષેપ આવી ગયો...” એમ કહી સંત-હરિભક્તોના દેખતાં (બ્રહ્મમુનિએ) મુક્તમુનિની પ્રાર્થના તથા દંડવત્ કર્યા.

[હરિચરિત્રામૃતસાગર: ૨૩/૩૩-૩૫]

શ્રીહરિલીલામૃતમાં પણ આ પ્રસંગનો વિગતવાર ઉલ્લેખ કરેલો છે. શ્રીજીમહારાજે બ્રહ્માનંદ સ્વામીને મીઠી ટકોર કરી કે મુક્તાનંદ સ્વામી તો તમારા અને અમારા પણ ગુરુ છે. તેમ છતાં તમે આવી રીસ રાખી અને સાત દિવસ સુધી તેમના દર્શન કરવા કે પગે લાગવા ગયા નહીં! ત્યારે જીવુબા આ વાર્તાલાપ સંભાળીને પોતાના ઓરડામાંથી બોલ્યા કે તમારા સાધુ પણ આવી રીતે ચેલા માટે માથાકૂટ કરે છે?! ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કહ્યું કે મહારાજ! એમાં મારો વાંક નથી. હું તો સત્સંગમાં રાંક સમાન છું, પરંતુ હું જ્યારે માંદો થયો હતો ત્યારે સૌએ પોતપોતાની આવરદામાંથી સાત દિવસ મને આપ્યા હતાં. તે કોઈ વઢકારી બાઈની આયુષ્યના આ સાત દિવસ મેં ભોગવા લાગે છે, કે જેથી મારી બુદ્ધિમાં આવો બગાડ થયો અને ઈર્ષ્યાનું ઝાડ ઉપજ્યું.

[હરિલીલામૃતમ્: ૭/૪૭]

આમ, બ્રહ્માનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામી સાથે સાત દિવસ રાખેલી આંટીના સંદર્ભમાં શ્રીજીમહારાજ બ્રહ્માનંદ સ્વામીને જ આ વચનામૃત કારિયાણી ૯માં પ્રશ્ન પૂછે છે, “જેને એવી મલિન રીસ હોય... તેને તે સાધુ કહીએ કે ન કહીએ?”

અલબત્ત, અહીં એક વાતની નોંધ લેવી જોઈએ કે બ્રહ્માનંદ સ્વામીનો આ પ્રસંગ શ્રીહરિચરિત્રામૃતસાગર અને ભગવાન સ્વામિનારાયણના વિસ્તૃત જીવનચરિત્રમાં સારંગપુર પ્રકરણનાં વચનામૃતો પૂરાં થયાં પછી તરત જ મૂકવામાં આવ્યો છે. અર્થાત્ આ પ્રસંગ સં. ૧૮૭૭ના ભાદરવા માસના શુક્લ પક્ષના ઉત્તરાર્ધમાં બનેલો હોવો જોઈએ. જ્યારે વચનામૃત કારિયાણી ૯ની ઉદ્‌બોધન તિથિ સં. ૧૮૭૭ની કાર્તિક સુદ પંચમી છે. એટલે કે બનેલી ઘટનાના લગભગ પોણા બે મહિના બાદ શ્રીજીમહારાજ તે પ્રસંગના સંદર્ભમાં વચનામૃત કારિયાણી ૯માં પ્રશ્ન પૂછી રહ્યા છે તેવું થયું. તો શ્રીજીમહારાજે આ પ્રસંગના આધારે સદ્‌બોધ આપવામાં વિલંબ શાથી કર્યો હશે? તે પ્રશ્ન ઊઠવો સ્વાભાવિક છે.

ઉત્તરમાં એક કારણ જડે છે – શ્રીજીમહારાજની સ્વાભાવિક પ્રકૃતિ. મહારાજે જ વચનામૃતમ ગઢડા મધ્ય ૨૮માં કહ્યું છે, “... જ્યારે જેમાં રાજી થયાનો કે કુરાજી થયાનો સ્વભાવ બહુ દિવસ સુધી જોઉં છું ત્યારે રાજીપો ને કુરાજીપો થાય છે. પણ કોઈના કહ્યા-સાંભળ્યા થકી કોઈની ઉપર રાજીપો કે કુરાજીપો થતો નથી.”

આ પરથી એવું તારણ બાંધી શકાય કે શ્રીજીમહારાજે બ્રહ્માનંદ સ્વામીના આ પ્રસંગને જોયા-સાંભળ્યા પછી થોડા સમય સુધી વિચાર કર્યો હોય અને તે બાદ વચનામૃત કારિયાણી ૯માં તેને નિમિત્ત બનાવી સદુપદેશ આપ્યો હોય. તે કારણે ઘટના અને તેના આધારે અપાયેલા ઉપદેશ વચ્ચે આટલો સમયગાળો વ્યતીત થઈ ગયો હોય.

બીજું કારણ એમ પણ હોઈ શકે કે શ્રીજીમહારાજને સારંગપુરથી કારિયાણી પધારવાનું નિમિત્ત દિવાળી-અન્નકૂટના ઉત્સવો છે. આવા સપરમા દિવસોમાં બે સદ્‌ગુરુ વચ્ચેના સંઘર્ષને નિમિત્ત બનાવી જાહેરમાં ઉપદેશ આપવામાં કોઈ પણ શાલિન વ્યક્તિનું મન માને નહીં. તો સત્સંગની રૂડી રીતના પ્રવર્તક શ્રીજીમહારાજ આવી ભૂલ કરે જ કેવી રીતે? તેથી તેઓએ દિવાળી-અન્નકૂટના ઉત્સવો પૂર્ણ થઈ ગયા બાદ, હરિભક્તોનો મોટો સમુદાય વીખરાઈ ગયા બાદ આ વાત ઉપાડી હશે. તે કારણે ઘટના અને તેના આધારે અપાયેલા ઉપદેશ વચ્ચે આટલો સમયગાળો વ્યતીત થઈ ગયો હોય.

પરંતુ બ્રહ્માનંદ સ્વામીનો જીવનપ્રસંગ વચનામૃત કારિયાણી ૯ના નિમિત્તરૂપે રહેલો છે તેવો સર્વસામાન્ય સાંપ્રદાયિક મત છે.

[હરિચરિત્રામૃતસાગર: ૨૩/૩૩]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ