વચનામૃત ઇતિહાસ

ગઢડા મધ્ય ૪૬

શ્રીજીમહારાજ આ વચનામૃતમાં જણાવે છે, “આ સંસારને વિષે જે સત્પુરુષ હોય, તેને તો કોઈક જીવને લૌકિક પદાર્થની હાણ-વૃદ્ધિ થતી દેખીને તેની કોરનો હર્ષ-શોક થાય નહીં અને જ્યારે કોઈકનું મન ભગવાનના માર્ગમાંથી પાછું પડે ત્યારે ખરખરો થાય છે. કાં જે થોડાક કાળ જીવવું ને એનો પરલોક બગડશે. માટે એને મોટી હાણ થાય છે... અને વળી જે એકાંતિક ભક્ત છે તેને દેહે કરીને મરવું એ મરણ નથી, એને તો એકાંતિક ધર્મમાંથી પડી જવાય એ જ મરણ છે. તે જ્યારે ભગવાન કે ભગવાનના સંત તેનો હૃદયમાં અભાવ આવ્યો ત્યારે એ ભક્ત એકાંતિકના ધર્મમાંથી પડ્યો જાણવો... માટે પંચમહાપાપ થકી પણ ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ લેવો એ મોટું પાપ છે.”

શ્રીજીમહારાજનાં આ વચનોનું બારીકાઈથી નિરીક્ષણ કરતાં આંબા શેઠનો પ્રસંગ નજર સામે તરી આવે છે. શ્રીજીમહારાજે આ વચનામૃત ઉદ્‌બોધ્યું છે તે જ અરસામાં આંબા શેઠ શ્રીજીમહારાજમાં આવેલા મનુષ્યભાવને કારણે સત્સંગમાંથી પાછા પડી ગયેલા.

શ્રીજીમહારાજ વાસુદેવનારાયણના ઓરડે ચાલતી કથામાં જીવુબા, લાડુબા વગેરેને દર્શન આપી નિંબતરુ નીચે જતા હતા ત્યાં સામેથી પંચાળાનાં અદીબા આવ્યાં. મહારાજ તેમને ખભે હાથ મૂકી બે પગથિયાં નીચે ઊતર્યા. અદીબા તો આ સ્પર્શથી રોમાંચિત થઈ ગયાં. પંચાળામાં મહારાજે પરણ્યાની રઢ લેવારૂપી જે મનુષ્યચરિત્ર કર્યું હતું તે વખતે અદીબા મહારાજ સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયેલાં. પણ એ તો શ્રીહરિની કેવળ લીલા હતી. તેથી અદીબાનો તે વખતનો ભગવાનનો સ્પર્શ પામવાનો અધૂરો સંકલ્પ આ રીતે શ્રીજીમહારાજે પૂરો કર્યો.

પરંતુ આ દૃશ્ય ગઢાળીના આંબા શેઠે જોયું અને તેઓને ભગવાનના સ્વરૂપમાં મનુષ્યભાવ આવી ગયો. તેઓને થયું: “આ ભગવાન? જુવાન સ્ત્રીને ખભે હાથ મૂકે અને વળી સ્ત્રીઓના સ્પર્શ વર્જ્ય છે એવો ઉપદેશ કરે તે ભગવાન?” તેઓ તરત જ પોતાના ગામ ગઢાળી પરત ફરી ગયા. રોજ ગઢાળીથી ગઢડા વહેલી સવારે આવી જનારા આંબા શેઠ પાંચ-છ દિવસ દેખાયા નહીં.

તેથી મહારાજે પૂછ્યું, “આંબો સુકાયો છે કે શું?” એમ સાનમાં વાત કરી મુક્તાનંદ સ્વામીને ગઢાળી મોકલ્યા. અહીં પહોંચી મુક્તાનંદ સ્વામીએ સઘળી હકીકત જાણી આંબા શેઠને સમજાવ્યા. સ્વામીની વાતોથી શેઠને સત્ય સમજાતાં તેઓ તરત જ શ્રીજીમહારાજ પાસે પહોંચ્યા અને કહ્યું, “પ્રભુ! મને માફ કરો. ફરી આપના સ્વરૂપમાં આવો મનુષ્યભાવ ન આવે તેવી કૃપા કરો.”

[ભગવાન સ્વામિનારાયણ – ભાગ ૪/૪૨૩-૪૨૯]

આમ ક્ષમા યાચીને શેઠે શ્રીજીમહારાજને ગઢાળી આવવા આમંત્રણ આપ્યું. સાથે પચાસ સાધુને લઈને આવવાનો આગ્રહ કર્યો. મહારાજે શેઠની વાત કબૂલ રાખી. આંબા શેઠ તૈયારી માટે નીકળી ગયા. આ બાજુ શ્રીજીમહારાજે ગઢાળી આવવા સભામાં સાગમટે આમંત્રણ આપ્યું તો પાંચસોનો સંઘ તૈયાર થઈ ગયો.

શ્રીજીમહારાજને આટલા સંતો-હરિભક્તો સાથે આવેલા જોઈ આંબા શેઠ મૂંઝાઈ ગયા. તેઓએ મહારાજને કહ્યું, “અમે ઘરના દસ જણા છીએ. તેની ગણતરી કરીને પહેલાં અમને લાડવા અને ગાંઠિયા આપી દો. પછી તમારે જે રીતે પીરસવું હોય તે પીરસજો.” શેઠ પુનઃ મનુષ્યભાવની જાળમાં સપડાયા. તેમણે પોતાના કુટુંબીઓની રસોઈ જુદી તારવી લીધી. બાકીની રસોઈમાંથી શ્રીજીમહારાજે પાંચસો સંતો-ભક્તોને જમાડ્યા. મહારાજ વિદાય થયા ત્યારે રસોઈ જમતાં પહેલાં હતી તેટલી ને તેટલી શેઠે જોઈ. તેઓને પોતાની ભૂલ-અવિવેક માટે દુઃખ થયું. ફરી મહારાજની માફી માંગી અને મનમાં દૃઢ ગાંઠ વાળી કે: “ભગવાનનો કોઈ રીતે અવગુણ લેવો નથી. તે જે કરે તે યોગ્ય જ છે.”

મનુષ્યભાવ અને દિવ્યભાવ વચ્ચે ઝોલાં ખાતાં આંબા શેઠના આ બંને પ્રસંગો વચનામૃત ગઢડા મધ્ય ૪૬ના ઉદ્‌બોધનના અરસામાં જ બનેલા છે. કારણ કે આ બંને પ્રસંગોના વર્ણન પછી તરતા જ ઉલ્લેખ મળે છે, “ગઢપુરમાં વસંતનો ઉત્સવ કરવાની તૈયારી દાદાખાચરે શરૂ કરી. એટલામાં સુંદરિયાણાથી સમાચાર આવ્યા કે હિમરાજ શેઠ ધામમાં પધાર્યા છે. તેથી આષાઢી સં. ૧૮૮૦ના માઘ માસના પડવે મહારાજ સંઘ સાથે સુંદરિયાણા જવા નીકળ્યા.”

[ભગવાન સ્વામિનારાયણ – ભાગ ૪/૪૩૦, ૪૩૧]

આ પ્રસ્થાનની બિલકુલ પૂર્વમાં જ આંબા શેઠના જીવનમાં ઉપરોક્ત ઘટનાઓ બની છે તે સાંપ્રદાયિક ગ્રંથો તપાસતાં સ્પષ્ટ થાય છે. એટલે કે આંબા શેઠના આ પ્રસંગો સં. ૧૮૮૦ના પોષા માસના વદ પક્ષમાં બન્યા હશે; અને આ વચનામૃત પણ સં. ૧૮૮૦ની પોષ વદ એકાદશીનું જ છે. તેથી નક્કી થાય છે કે આંબા શેઠના સત્સંગમાંથી પડવાના પ્રસંગ આધારે જ શ્રીજીમહારાજે આ પ્રમાણે ઉપદેશ કર્યો છે.

આના પરથી એ પણ ખ્યાલ આવે છે કે વચનામૃતના શબ્દો એ કેવળ ઠાલો ઉપદેશ નથી, પણ તેમાં એક-એક ભક્તની પીડાનું શોધન અને સમાધાન છે.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ