વચનામૃત ઇતિહાસ

ગઢડા મધ્ય ૪૮

આ વચનામૃતના વર્ણનમાં આવે છે, “... સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાનના અંગની ગરબીઓ જે, ‘વંદું સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ...’ એ ગાવતા હતા. પછી જ્યારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘બહુ સારાં કીર્તન ગાયાં.’”

સદ્‌ગુરુ પ્રેમાનંદ સ્વામીને આ પદરચનાની પ્રેરણા મળી અને શ્રીજીમહારાજે તેઓની પ્રશંસા કરી તેના મૂળમાં રહેલો ઇતિહાસ આ મુજબ છે:

શ્રીજીમહારાજ ગઢડામાં બિરાજમાન હતા ત્યારે શંખલપુરનો દેવી ભક્ત બ્રાહ્મણ વિજયશંકર તેઓ પાસે આવેલો. કપાળે સિંદૂરની આડ હતી, હાથમાં ત્રિશૂળ હતું, માથે લાલ રંગનો રૂમાલ બાંધ્યો હતો. તેણે મહારાજને નમસ્કાર કરીને કહ્યું, “મહારાજ! તમે તો ભગવાન છો પણ આપ જો આજ્ઞા કરો તો મારી દેવીનો એક ગરબો સંભળાવું.”

મહારાજે તેને સંમતિ આપી. તે વખતે તેણે આ પ્રકારે ગરબો ગાયો:

મા તું પાવાની પટરાણી કે, કાળી કાળિકા રે લોલ;

મા તારો ડુંગરડે છે વાસ કે, ચડવું દોહ્યલું રે લોલ.

માડી તારા મુખની મરોડતા જોઈ, હરાણો ગર્વ ચંદનો રે લોલ;

માડી એ મુખડું જોવા કાજ, આવે છે કુંવર નંદનો રે લોલ...

વિજયશંકરની ગાવાની હલકથી, ગરબાના ઢાળથી શ્રીજીમહારાજ પ્રસન્ન થયા. તેને શિરપાવ અપાવ્યો. પછી મહારાજે પ્રેમાનંદ સ્વામીને કહ્યું, “સ્વામી! સાંભળ્યોને માતાજીનો ગરબો? ઢાળ સુંદર છે, ગાવાની હલક પણ સુંદર હતી. માતાજીનો મહિમાં પણ કેવો ગાયો! તમે એ ઢાળની ગરબી બનાવો.”

પ્રેમાનંદ સ્વામીએ મહારાજની આ આજ્ઞા શિરે ચઢાવી. બીજે દિવસે મહા વદ ૧૪ના રોજ શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાં ઉગમણા દ્વારની ઓસરીએ બિરાજમાન હતા. તે વખતે પ્રેમાનંદ સ્વામીએ સૂર છેડ્યો:

વંદું સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ;

જેને ભજતાં છૂટે ફંદ, કરે ભવ પારને રે લોલ...

એક પછી એક એમ આઠ પદ પ્રેમાનંદ સ્વામીએ ગાયાં. તે સાંભળી શ્રીજીમહારાજ બોલેલા, “બહુ સારાં કીર્તન ગાયાં...”

[ભગવાન સ્વામિનારાયણ – ભાગ ૪/૪૩૬]

પ્રેમાનંદ સ્વામીએ લખેલાં આ આઠ પદો આજેય રોજ રાત્રે ચેષ્ટાગાનમાં સૌ સંતો-ભક્તો ગાય છે.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ