વચનામૃત ઇતિહાસ

ગઢડા મધ્ય ૫૩

આ વચનામૃતમાં ઉપદેશ વહાવતાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે, “જ્યારે હૃદયને વિષે મોહ વ્યાપે ત્યારે એ જીવને પોતાનો અવગુણ તો સૂઝે જ નહીં... અને એમ સમજે જે, આ મોટા પુરુષ છે અથવા ભગવાન છે પણ આટલું ઠીક કરતા નથી. માટે એવાં જે પરમેશ્વર તેનાં ચરિત્રને વિષે ને તે ભગવાનની જે સમજણ તેને વિષે જે દોષ દેખે છે તેને વિમુખ ને અધર્મી જાણવો અને સર્વે મૂર્ખનો રાજા જાણવો.”

ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતમાં ભગવાનને વિષે દોષ પરઠનારાની રીતસર ઝાટકણી કાઢતાં દેખાય છે. ભગવાનનાં ચરિત્રોમાં કુતર્ક કરનારાની હજી હાંસી ઉડાવતા હોય તેમ તેઓ આ વચનામૃતમાં કહે છે, “... જીવમાત્રને પોતાના ડહાપણનું અતિશય માન હોય પણ એમ વિચારે નહીં જે, મને મારા જીવની ખબર નથી, જે આ શરીરમાં જીવ રહ્યો છે તે કાળો છે કે ગોરો છે? કે લાંબો છે કે ટૂંકો છે? એની કાંઈ ખબર નથી તોપણ મોટા પુરુષ હોય અથવા ભગવાન હોય તેને વિષે પણ ખોટ્ય કાઢે... પણ એ મૂર્ખો એમ નથી જાણતો જે, એ ભગવાન તો અનંતકોટિ બ્રહ્માંડને વિષે રહ્યાં એવા જે જીવ ને ઈશ્વર તેને જેમ હથેળીમાં જળનું ટીપું હોય ને તેને દેખે તેમ દેખે છે.”

હળવા આક્રોશ સાથે અહીં શ્રીજીમહારાજ આવા જીવની પામરતા પર વેધક કટાક્ષ કરી રહ્યા છે, પરંતુ આ સઘળા ઉપદેશનો ઉપક્રમ જો તપાસીએ તો ખ્યાલ આવે તેમ છે કે ઉપરોક્ત વચનોમાં ડોકાતી તેઓની કડક અભિવ્યક્તિ યોગ્ય છે.

વચનામૃત ગઢડા મધ્ય ૫૩મું સં. ૧૮૮૦ની વૈશાખ સુદ પંચમીનું છે. આ અરસામાં જે પ્રસંગ ગઢડામાં બન્યો હતો તે આ. મુજબ છે:

કારિયાણીના દરબાર વસ્તા ખાચર શ્રીજીમહારાજનો સમાગમ કરવા ગઢડા આવેલા. અહીં એક વાર જીવાખાચરે વસ્તાને કહ્યું, “હાલો અમારી ડેલીએ. ત્યાં ઉતારો કરજો.” ત્યારે મહારાજે કહ્યું, “અહીં આવ્યા છે તે અમારી ભેગા જ ભલે રહ્યા.” પણ જીવાબાપુના અતિ આગ્રહથી વસ્તા ખાચર મહોબત મૂકી શક્યા નહીં. તેઓએ મહારાજને કહ્યું, “મહારાજ! બાપુનો આગ્રહ છે એટલે મોટી ડેલીએ ઉતારો કરવા જાઉં છું. પછી પાછો આવી જઈશ.” એમ કહી વસ્તા ખાચર નીકળી ગયા. મહારાજ બોલ્યા, “હવે વસ્તા ખાચર નહીં આવે.”

“એમ કેમ કહો છો?” મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું.

મહારાજે કહ્યું, “જીવા ખાચર અને બુઢા ધાધલના શબ્દોથી તે પાછા પડી જશે. અમારા સ્વરૂપની દૃઢતા તૂટશે. અમારો અભાવ આવશે...”

અને બન્યું પણ એમ જ. જીવા ખાચર અને બુઢા ધાધલે પછી તો શ્રીજીમહારાજ વિરુદ્ધના જે ઝેરના શબ્દો વસ્તાની મનોભૂમિમાં વાવ્યાં કે વસ્તા ખાચર બીજે દિવસે શ્રીજીમહારાજને મળ્યા સિવાય જ કારિયાણી ભેગા થઈ ગયા, પરંતુ તેઓની રહી-સહી મુમુક્ષુતા જોઈ શ્રીજીમહારાજ તેઓને સત્ય સમજાવવા સામે ચાલી કારિયાણી ગયા. વસ્તાને પોતાની ભૂલ સમજાઈ. તેઓ કરગર્યા, “મહારાજ! મારો અપરાધ માફ કરો. મને આશીર્વાદ આપો કે આપના સ્વરૂપમાં ક્યારેય મનુષ્યભાવ ન આવે.” દાદા ખાચરે પણ કહ્યું, “વસ્તા! બુઢા જેવા એક નમાલા માણસના શબ્દો ઉપર તને મહારાજમાં મનુષ્યભાવ આવ્યો.” આમ, વસ્તાને સાચી વાત સમજાવી શ્રીજીમહારાજ પુનઃ ગઢડા આવી ગયા.

[ભગવાન સ્વામિનારાયણ – ભાગ ૪/૪૫૬-૪૬૨]

ઉપરોક્ત પ્રસંગનો બનવાકાળ ગઢડા મધ્ય ૫૩ના અરસાનો જ છે તેનો સબળ પુરાવો એ છે કે સં. ૧૮૮૦ના ચૈત્ર સુદ નવમીનો સમૈયો શ્રીજીમહારાજે વરતાલમાં કર્યો હતો તેવો ઉલ્લેખ આ પ્રમાણે મળે છે:

હરિનવમીનો સમૈયો ધામધૂમથી થયો. પછી મહારાજે વરતાલ મંદિરના કામ માટે બ્રહ્માનંદ સ્વામીને તથા શિલ્પીને બોલાવ્યા... તેઓને બધી ભલામણ કરી વરતાલથી નીકળતાં શ્રીજીમહારાજે કહ્યું, “પ્રતિષ્ઠા કરવા જેટલું કામ થઈ જાય એટલે અમને ખબર આપજો.” એ પ્રમાણે કહી મહારાજ વરતાલથી નીકળ્યા અને માર્ગમાં અનેક સ્થળે રોકાતાં-રોકાતાં ગઢપુર પહોંચ્યા...

[ભગવાન સ્વામિનારાયણ – ભાગ ૪/૪૫૧]

અહીં ચૈત્ર સુદ નવમી બાદ વરતાલથી નીકળી વચ્ચે રોકાતાં-રોકાતાં ગઢપુર જતાં શ્રીજીમહારાજને દસ-પંદર દિવસ તો લાગ્યાં હોય તે સમજી શકાય તેમ છે. એટલે કે ચૈત્રના વદ પક્ષના પણ ઉત્તરાર્ધમાં તે ગઢડા પહોંચ્યા હશે. મહારાજના ગઢડા પહોંચ્યાના થોડા દિવસોમાં જ વસ્તા ખાચર ગઢપુર આવે છે તેવું વર્ણન સંપ્રદાયના ગ્રંથોમાં છે. એટલે કે વસ્તા ખાચર ચૈત્ર ઊતરતાં કે ચડતા વૈશાખે ગઢડા ગયા હશે અને તેઓ જીવાખાચરના કુસંગનો ભોગ બન્યા હશે. માટે વચનામૃત ગઢડા મધ્ય ૫૩ની ઉદ્‌બોધન તિથિ વૈશાખ સુદિ પંચમીના અરસામાં જ આ પ્રસંગ બનેલો તે પાક્કે થાય છે. તેથી તેના આધારે આ વચનામૃતમાં શ્રીજીમહારાજ ભગવાનના સ્વરૂપમાં આવતા મનુષ્યભાવ, આવા કુસંગની વાતો કરનારાની પામરતા વગેરેને વખોડી રહ્યા છે કે જેથી ભવિષ્યમાં કોઈ આવી જાળમાં ફસાય નહીં.

આમ, વચનામૃત ગઢડા મધ્ય ૫૩ ઉપસંહાર છે, જેનો ઉપક્રમ ઉપરોક્ત પ્રસંગથી શરૂ થયો છે.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ