વચનામૃત ઇતિહાસ

વરતાલ ૧૪

આ વચનામૃતના પ્રશ્ન અને ઉત્તર, બંનેમાં નવીનતા સમાયેલી છે. પ્રશ્ન પૂછનાર છે વડોદરાના વાઘમોડિયા રામચંદ્ર. તેઓ વિષે સાંપ્રદાયિક ગ્રંથોમાં આ રીતે ઉલ્લેખ મળે છે:

વડોદરાના રામચંદ્ર વૈદ્યને ડાકોરની પૂનમનો નિયમ હતો. પુત્ર ન હતો. તેથી પૂનમનો નિયમ રાખ્યો. હતો. તે શ્રીગૌડ વિપ્ર હતા. ગરીબની મફત દવા કરતા. ઉમરાવો નાડી જોયાના સો રૂપિયા આપતા. એવી નિત્ય તેમની ઘણી આવક હતી. પોતે ઉદાર હોવાથી દર મહિને પોતાની નાતના વિપ્રોને જમાડતા, દસ-બાર વિદ્યાર્થીને વૈદું ભણાવતા. ડાકોરમાં વિપ્રની હવેલીમાં ઊતરતા, ડાકોરમાં રહે તેટલા દિવસ દરરોજ રણછોડજીના બે વખત દર્શન અચૂક કરતા.

રણછોડજીની સમીપમાં બે ઓરડી હતી. તેમાં અધર્મઘટિત કામ થતું તેમના જોવામાં આવ્યું. તેથી અભાવ આવ્યો. પરિક્રમા કરવાની તેમણે બંધ કરી ને તાવ આવ્યો તેથી મુકામ પર આવ્યા. અગાશીમાં બેસી માળા ફેરવતા હતા ત્યાં આકાશવાણી થઈ, “ભગવાનનો તમારે ખપ હોય તો સ્વામિનારાયણ પ્રગટ ભગવાન છે. શ્રીનગર (અમદાવાદ) મંદિરમાં તેમના સંતો રહે છે તે તમને તેમનું સ્થાન બતાવશે.”

તેથી સાથેનાં મનુષ્યોને રજા દઈને સવારમાં બે-ત્રણ જણને સાથે લઈ, ઘોડે બેસી શ્રીનગરના મંદિરમાં આવીને સંતનાં દર્શન કર્યાં. અને કહ્યું, “લોકો જ્યાં ત્યાં દોડે છે પણ બધો લાભ અહીં છે.” એમ વિચાર કરી સંત સમીપે આવ્યા.

નિત્યાનંદમુનિ હતા તેને વૈદ્યે કહ્યું, “તમને જે ભગવાન મળ્યા છે તે મને મળે તેમ કરો.” ચાર-પાંચ દિવસ વૈદ્ય ત્યાં રહ્યા. સંતોએ ગઢપુર સુધી મુકામ કરવાના ગામ લખી આપ્યા. વૈદ્ય ગઢપુર આવ્યા. શ્રીહરિનાં દર્શન કર્યાં. શ્રીફળ અને રૂપિયો હાથ જોડી પગે લાગી મૂક્યા ને બોલ્યા, “મને નિયમ ધરાવો.” શ્રીહરિએ નિયમ ધરાવી તે સંબંધી વાત કરી.

પાંચ દિવસ વૈદ્ય ગઢપુરમાં રહ્યા. એક દિવસ વૈદ્યે રસોઈ કરાવીને શ્રીહરિ તથા સંતોને જમાડી પૂજા કરી. સંતની પણ પૂજા કરી વસ્ત્ર ઓઢાડ્યાં. પછી ચાલવાની રજા લીધી. શ્રીહરિએ ભજનાનંદ અને જયાનંદ વર્ણીને વડોદરા સુધી વૈદ્યની સાથે મોકલ્યા.

[હરિચરિત્રમૃતસાગર: ૨૨/૧૦૮-૧૧૧]

અહીં વૈદ્યના વૃત્તાંત પરથી જણાય છે કે તેઓ મુમુક્ષુ છે. પવિત્ર જીવન જીવનારા છે. કર્ણોપકર્ણ એવું સાંભળવા મળે છે કે તેઓ જે એક દુરાચારી મનુષ્યને ઓળખતા હતા તેને સત્સંગમાં આવતાં સમાધિ થયેલી. તેથી વૈદ્ય વિચારમાં પડી ગયા કે: “આ વ્યક્તિ વર્ણાશ્રમનો એકેય ધર્મ પાળતી નથી. છતાં તેને સમાધિ કેવી રીતે થઈ?” કારણ કે યમ-નિયમ તો સમાધિનાં આઠ સોપાનમાં પ્રથમ બે પગથિયાં છે. તેનું જ જેના જીવનમાં ઠેકાણું ન હોય તેને સમાધિ કેવી રીતે થઈ શકે?”

પરંતુ ઇતિહાસ એવું કહે છે કે એ દુરાચારીને લોકોએ ગામ બહાર તગેડી મૂકેલો. તેથી તે વગડામાં ઝૂંપડું બાંધીને રહેતો. એક વાર મહારાજના પરમહંસોને કોઈ વેરાગીએ મારેલા. તે ઘવાયેલા સંતોની સેવા આ વ્યક્તિએ કરેલી. તે સેવાના પ્રતાપે તેનાં પાપમાત્ર નાશ થઈ ગયેલાં અને તેને સમાધિ થયેલી.

આ વચનામૃતમાં શ્રીજીમહારાજ આ જ ઉલ્લેખ કરતાં કહે છે, “ધર્મશાસ્ત્રને વિષે જે વર્ણાશ્રમના ધર્મ કહ્યા છે તે થકી જે બાહ્ય વર્તતો હોય તેને સર્વ લોક એમ જાણે જે, ‘આ કુપાત્ર માણસ છે.’ અને તે કુપાત્રને ભગવાન કે ભગવાનના સંતનો જો હૈયામાં ગુણ આવે તો એને એ મોટું પુણ્ય થાય છે. અને વર્ણાશ્રમના ધર્મ લોપ્યા હતા તેનું જે પાપ લાગ્યું હતું તે સર્વે નાશ થઈ જાય છે અને તે જીવ અતિશય પવિત્ર થઈ જાય છે. માટે એને ભગવાનના સ્વરૂપમાં ચિત્ત ચોંટે છે ત્યારે સમાધિ થઈ જાય છે.”

આમ, આ વચનામૃતમાં પુછાયેલા પ્રશ્નની અને પ્રશ્ન પૂછનારની પાર્શ્વભૂમિકા આ રીતે મળે છે.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ