વચનામૃત ઇતિહાસ

ગઢડા પ્રથમ ૭૪

“દાદા! જાણે છે? બાપુ જીવાખાચર હવે છેલ્લો દાવ રમી રહ્યા છે. તારો ગરાસ તેમને ઝૂંટવી લેવો છે. તારા દરબારમાં તેમને પોતાના નેજા ફરકાવવા છે. તમને સૌને ભૂંડા હાલે રઝળતા કરી દેવા છે... મુક્તાનંદ સ્વામી! બાપુ જીવાખાચરે બે હજાર માણસો ભેગા કર્યા છે. મોટું ધિંગાણું થવાનું છે. એ બહાને ભાવનગરથી આરબો બોલાવ્યા છે. કાલે તો તે આંહી હલ્લો કરશે. કદાચ દાદાના ભાગનાં ગામોનો પણ કબજો લઈ લ્યે!”

હજી તો શ્રીજીમહારાજ આ પ્રમાણે વાત કરી રહ્યા હતા ત્યાં તો મેઘજી અને હસન હાંફતાં-હાંફતાં આવ્યા અને કહેવા લાગ્યા, “મહારાજ! ગજબ થઈ ગયો! લક્ષ્મીવાડીમાં આપણો આખો શેરડીનો વાઢ કોઈએ સળગાવી દીધો છે. બધું ભડકે બળે છે.”

સોમલા ખાચરે પણ અવગતની આ એંધાણીમાં ટાપશી પૂરતાં કહ્યું, “મહારાજ! દરબારગઢની ડેલીએ કાઠીઓ તથા આરબોનું ટોળું હોકારા ને પડકારા કરે છે. માટે ઝટ હુકમ કરો.”

શ્રીજીમહારાજે આદેશ આપ્યો, “સોમલા! તમને સૌને અમારા આશીર્વાદ છે. સમરાંગણમાં પટા ખેલતાં શત્રુઓનાં માથાં તમારી તલવારોના ઝાટકાથી ટપોટપ ઊડવા માંડશે. માટે કરો કંકુના. કદાચ સો-બસોનાં માથાં વધેરાઈ જાય તો પણ દાદા ખાચરની રક્ષા માટે ઓછું છે.”

[ભગવાન સ્વામિનારાયણ – ભાગ ૪/૧૯૪-૯૬]

વચનામૃત ગઢડા પ્રથમ ૭૪માં શ્રીજીમહારાજે ઉચ્ચારેલા શબ્દો “... આ દાદા ખાચરને થોડું જ આપત્કાળ જેવું આવ્યું હતું, તેમાં પણ જેનું અંતઃકરણ જેવું હશે તેવું સૌનું જણાણું હશે...”ની પૂર્વભૂમિકા ઉપરોક્ત પ્રસંગ છે. દાદા ખાચરના કાકા જીવા ખાચરે દાદાની જમીન ઉચાપત કરી જવા જે પેંતરો રચેલો તેને શ્રીજીમહારાજે પોકળ સાબિત કરી દીધેલો. પરંતુ આ ઘટનાચક્ર ફર્યું તે દરમ્યાન કેટલાય સંતો-ભક્તોના મન ચકડોળે ચઢી ગયા હશે કે: “સત્સંગમાં આવું કેમ?” આ વિચારવમળને શમાવવા શ્રીજીમહારાજે વચનામૃત ગઢડા પ્રથમ ૭૪માં સામેથી જ વાતનો ઉપાડ કર્યો, “જેને જેટલો વૈરાગ્ય હોય અને જેને જેટલી સમજણ હોય તે તો જ્યારે કોઈક વિષયભોગની પ્રાપ્તિ થાય અથવા જ્યારે કોઈક આપત્કાળ આવી પડે ત્યારે કળાય પણ તે વિના કળાય નહીં અને ઝાઝી સંપત કે આપત આવે એની શી વાત કહેવી? પણ આ દાદા ખાચરને થોડું જ આપત્કાળ જેવું આવ્યું હતું, તેમાં પણ જેનું અંતઃકરણ જેવું હશે તેવું સૌને જણાણું હશે...”

આમ, વચનામૃત ગઢડા પ્રથમ ૭૪નું પગેરું દાદા ખાચર પર આવેલી આફત સુધી પહોંચેલું જણાય છે. વચનામૃત ગઢડા પ્રથમ ૭૪ના આ ઘર સુધી પહોંચતાં એક વિશેષતા એ નજરે ચઢે છે કે બે હજારનું સૈન્ય હલ્લો બોલાવવા રીડિયારા કરતું હતું છતાં શ્રીજીમહારાજ કહે છે, “... થોડું જ આપત્કાળ જેવું આવ્યું હતું...” આ વચનો પરથી ખ્યાલ આવે છે કે આ વચનામૃતમાં તેઓએ ઉદ્‌બોધેલી ભગવાનના કર્તાહર્તાપણાની સમજણ તેઓના જીવનમાં સારવાર ઊતરેલી હતી.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ