વચનામૃત ઇતિહાસ

સારંગપુર ૯

આ વચનામૃતમાં શ્રીજીમહારાજે સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, “સ્થાન તે કેને કહીએ?” તો તેના ઉત્તરમાં પણ ધર્મનું જ પ્રતિપાદન કરતાં શ્રીજીમહારાજે જણાવ્યું, “ચાર વર્ણ અને ચાર આશ્રમ તેને જે પોતપોતાનો ધર્મ તેને સ્થાન જાણવું... માટે ગમે તેવો આપત્કાળ પડે ને અમે આજ્ઞા કરીએ તો પણ તમારે પોતાના ધર્મમાંથી ચળવું નહીં... માટે સર્વને પોતાના ધર્મમાં રહ્યા થકા જેટલી પૂજા થાય તેટલી કરવી એ અમારી આજ્ઞા છે.”

વચનામૃત સારંગપુર ૧૦ના પ્રારંભમાં પણ શ્રીજીમહારાજે ધર્મી-અધર્મી એ બે પ્રકારના માણસોની વાત કરી છે.

આમ, વચનામૃત સારંગપુર ૯ના સમાપન અને વચનામૃત સારંગપુર ૧૦ના પ્રારંભમાં શ્રીજીમહારાજે ધર્મમાં દૃઢ રહેવાનું અતિશય પ્રતિપાદન કરેલું છે. તેના કારણભૂત ઇતિહાસ કંઈક આવો મળે છે:

મહારાજે વિચાર કર્યો કે સત્સંગનું બંધારણ હવે દૃઢ થઈ ગયું છે. ચારે દિશામાં સત્સંગ પાંગર્યો છે. સંતો પણ દેશ-પરદેશમાં સત્સંગ પ્રસારણ અર્થે ફરે છે. પરંતુ સત્સંગના હિતાર્થે સંતોને નિયમની દૃઢતા વિશેષ ને વિશેષ જો થતી રહેશે તો જ સત્સંગના પાયા પાતાળે જશે. નહીં તો આખી ઇમારત કડડભૂસ કરતી હેઠી પડશે અને ફક્ત નિર્જીવ ખોખા સમાન સત્સંગ રહેશે. તેથી તેઓએ પ્રેમાનંદ સ્વામીને ‘વર્તમાન-વિવેક’નો ગ્રંથ રચવા આજ્ઞા કરી તેમ જ હરિભક્તોએ પણ પાળવા અંગેનો પત્ર લખાવ્યો. તેમાં ધર્મ તથા અધર્મના સર્ગની સવિસ્તર વાત લખાવી.

આ નિયમોની દૃઢતા થતી જ રહે, તેનું જાણપણું કદી ચૂકાય નહીં તે માટે જ્યારે સંતોની પંક્તિમાં મહારાજ પીરસવા પધારતા, ત્યારે મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીએ વર્તમાન સંબંધી રચેલાં પદોમાંથી એક એક પદ સંતોએ અચૂક બોલવું તેવો નિયમ તેમણે કર્યો હતો. તે પદ સંતો બોલે પછી જ મહારાજ પીરસવાની શરૂઆત કરતા...

ઉપરોક્ત વર્ણન બાદ તરત જ ગ્રંથોમાં લખાયું છે:

ખાંભડાના હરિભક્તોના આગ્રહથી મહારાજ સારંગપુરથી નીકળી કુંડળ થઈને ખાંભડા પધાર્યા. અહીં હરિભક્તોને ઉપદેશ આપી સાંજે પાછા સારંગપુર પધાર્યા.

[ભગવાન સ્વામિનારાયણ – ભાગ ૪/૨૧૮]

આમ, શ્રીજીમહારાજ કુંડળ-ખાંભડા પધાર્યા ત્યારે ધર્મ-નિયમના પાયા ઊંડા ધરબવાના પ્રયત્નો ચાલી રહેલા. તેથી આ બંને ગામના વચનામૃતમાં શ્રીજીમહારાજે ધર્મપાલનની વાત કરી છે. એટલું જ નહીં, સારંગપુર આવી ગયા બાદ વચનામૃત સારંગપુર ૧૨માં: “સાધુને વિષે કયા કયા ગુણ અખંડ રહે છે ને કયા ગુણ આવે જાય એવા છે?” તેના ઉત્તરમાં પણ સ્વધર્મપાલનનું પ્રતિપાદન જોવા મળે છે.

વચનામૃત સારંગપુર ૧૩માં પણ “... ધર્મની પ્રવૃત્તિનું જે કારણ તે પણ શાસ્ત્ર જ છે અને જેણે શાસ્ત્ર કોઈ દિવસ સાંભળ્યાં જ નથી એવા જે અજ્ઞાની જીવ તેમને વિષે પણ મા, બહેન, દીકરી અને સ્ત્રી તેની વિગતિરૂપ જે ધર્મની મર્યાદા તે આજ સુધી ચાલી આવે છે. તેનું કારણ પણ શાસ્ત્ર જ છે... માટે જેને શાસ્ત્રના વચનનો વિશ્વાસ હોય તે ધર્મમાંથી પણ કોઈ કાળે ડગે જ નહીં.” દ્વારા ધર્મપાલનનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.

વચનામૃત સારંગપુર ૧૪માં પણ “... પતિવ્રતા સ્ત્રી હોય તે... પતિવ્રતાનો ધર્મ રાખ્યાની બીકે અતિશય મનમાં ખટકો રાખીને કોઈ પુરુષ સાથે હસીને તાળી લે નહીં... તેને તો તમે મૂળગી ખોટ્ય બતાવો છો. અને વળી, જેમ કોઈક સ્ત્રી પોતાને મનમાં આવે તે પુરુષ સાથે તાળિયો દેતી ફરે ને પતિવ્રતાનો ધર્મ પાળવાનો ખટકો ન રાખે તેને તો તમે શ્રેષ્ઠ બતાવો છો, એ તે શું તમારી એવી અવળી સમજણ છે કે કેમ છે?...” દ્વારા શ્રીજીમહારાજ ધર્મપાલનની જ મહત્તા બતાવે છે.

આમ, વચનામૃત સારંગપુર ૯ થી સારંગપુર ૧૪ સુધી લગભગ દરેક વચનામૃતમાં શ્રીજીમહારાજ ધર્મનું પ્રતિપાદન કરતા આવ્યા છે. તેઓનાં આ ઉપદેશવચનોના મૂળમાં આ અરસામાં તેઓએ લખાવેલો ‘વર્તમાનવિવેક’ ગ્રંથ, તેઓએ હરિભક્તોને લખાવેલો ધર્મસંબંધી પત્ર તથા પીરસતાં પહેલાં ધર્મની દૃઢતા કરાવતાં પદોનું ગાન કરવાનો આગ્રહ વગેરે પ્રસંગો જણાય છે. સંપ્રદાયમાં તે સમયે ધર્મપાલનમાં દૃઢતાની વાત પર ઝોક હતો. તેથી તે સમયગાળા દરમ્યાન ઉદ્‌બોધાયેલ વચનામૃત સારંગપુર ૯માં અને અન્ય વચનામૃતોમાં પણ તેની અસર ઝિલાયેલી જોવા મળે છે.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ