વચનામૃત ઇતિહાસ

કારિયાણી ૧

વચનામૃત કારિયાણી ૧ અને કારિયાણી ૨ – આ બંને વચનામૃતમાં નિશ્ચય સંબંધી પ્રશ્નોત્તરી જોવા મળે છે.

વચનામૃત કારિયાણી ૧માં પ્રથમ ભૂધરાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે, “ભગવાનનો નિશ્ચય થાય છે તે અંતઃકરણમાં થાય છે કે જીવમાં થાય છે?”

આ જ વચનામૃતમાં નિત્યાનંદ સ્વામી પણ પૂછે છે, “ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય તે કેમ જણાય ને અંતઃકરણમાં નિશ્ચય હોય તે કેમ જણાય ને જીવમાં નિશ્ચય હોય તે કેમ જણાય?”

વચનામૃત કારિયાણી ૨માં સ્વયં શ્રીજીમહારાજ પરમહંસોને પ્રશ્ન પૂછે છે, “એકની બુદ્ધિ તો એવી છે જે, જે દહાડાથી સત્સંગ કર્યો હોય તે દહાડાથી ભગવાનનો તથા સંતનો અવગુણ આવે ખરો પણ રહે નહીં, ટળી જાય. પણ એમ ને એમ ગુણ – અવગુણ આવ્યા કરે પણ સત્સંગ મૂકીને કોઈ દિવસ જાય નહીં. શા માટે જે એને બુદ્ધિ છે તે એમ જાણે જે, ‘આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી અને મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી,’ એમ સમજાણું હોય માટે સત્સંગમાં અડગપણે રહે છે. અને એકની તો એવી બુદ્ધિ છે જે, સંતનો અથવા ભગવાનનો કોઈ દિવસ અવગુણ જ આવતો નથી. અને બુદ્ધિ તો બેયની સરખી છે અને ભગવાનનો નિશ્ચય પણ બેયનો સરખો છે; પણ એકને અવગુણ આવ્યા કરે છે ને એકને નથી આવતો, તે જેને અવગુણ આવે છે તેની બુદ્ધિમાં શો દોષ છે?”

શ્રીહરિચરિત્રામૃતસાગર મુજબ વચનામૃત કારિયાણી ૧ અને વચનામૃત કારિયાણી ૨નો ઉલ્લેખ આ ગ્રંથના પૂર-૨૩ અને તરંગ-૪૫ થી ૪૮માં કરવામાં આવ્યો છે. તો પૂર-૨૩ના તરંગ-૪૪માં એટલે કે આ બંને વચનામૃતોના ઉલ્લેખ થયાના પૂર્વના તરંગમાં તે પ્રશ્નોના કારણભૂત પ્રસંગ નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે:

શ્રીહરિ બહુ દિવસ સારંગપુર રહ્યા. તે વખતે દીનાનાથ ભટ્ટ ચાર માસ શ્રીહરિની સાથે રહ્યા હતા. પંદર વર્ષથી તેમને સત્સંગનો યોગ હતો અને શ્રીહરિને ભગવાન જાણતા હતા તો પણ ઉથડકપણું વર્તતું હતું. તેથી અંતરમાં ઉદ્વેગ રહેતો. કોઈને વાત કહેતા નહીં. ત્યારે શ્રીહરિ તેમના અંતરની વાત જાણી અને સ્વપ્નમાં દર્શન દીધાં. પ્રથમ શ્રીહરિરૂપે પ્રગટ થયા, પછી નરનારાયણની બે મૂર્તિઓ રૂપે થયા. શંખચક્રાદિક આયુધ, મુગટ તથા વસ્ત્ર-આભૂષણોએ યુક્ત મંદ હાસ્ય કરતા ઉદ્ધવ અને નારદજી સાથે ભગવાનની તપોમૂર્તિનાં દર્શન થયાં. અને નારાયણે વિપ્રને કહ્યું, “શ્રીહરિની મનુષ્યરૂપ મૂર્તિ ફાવે તેમ ચરિત્ર કરે તો પણ બધા અવતારના કારણ છે એમ માનવું. ભવબ્રહ્માદિક એમના ઐશ્વર્યનો પાર પામે તેમ નથી. એમની આગળ અમારું શું લેખું?” એમ નારાયણે કહ્યું ત્યારે ભટ્ટની મતિ નિઃસંશય થઈ. પછી શ્રીહરિને સવારમાં પગે લાગી બધી વાત કહીને બોલ્યા, “હવે બધા કુતર્ક મટી ગયા છે.” ત્યારે શ્રીહરિ ભટ્ટને કહે, “અમે કહીએ તેમ કરે તે અમને ગમે છે... અમને અમાયિક જાણીને ગાય છે, તેની મતિ શુદ્ધ થાય છે ને સત્સંગની વાતની રુચિ થાય છે...”

દીનાનાથ ભટ્ટે જ આ વિગત શ્રીજીમહારાજને જણાવી છે. તેથી તે શ્રીહરિની સમીપે રહેતા પરમહંસોના ધ્યાનમાં પણ આવી છે. તેથી તેના આધારે વચનામૃત કારિયાણી ૧ અને વચનામૃત કારિયાણી ૨માં ભગવાનના નિશ્ચયનો વિષય છેડાયો હોય તેમ માલૂમ પડે છે.

[હરિચરિત્રામૃતસાગર: ૨૩/૪૪-૪૮]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ