વચનામૃત નિરૂપણ

લોયા ૧૨

વાઘાખાચરે પૂછ્યું જે, “સંપૂર્ણ થયા કેમ કહેવાય?” ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા જે, “આત્મા ને પરમાત્મા બેનું જ્ઞાન થાય, ને છઠ્ઠો નિશ્ચય કહ્યો છે એવો થાય ત્યારે પૂરું થયું કહેવાય. ને એ વાત તો વક્તા જો નિર્દોષ હોય ને વિશ્વાસ હોય તો થાય તેવું છે, નીકર દાખડો કરતાં ભગવાનની દૃષ્ટિ થાય ત્યારે કાળાંતરે સમજાય.”

[સ્વામીની વાતો: ૫/૨૧૧]

 

પ્રશ્ન: “અક્ષરરૂપ થવું તેમાં દેહ કેવી રીતે નડે છે? અને દેહભાવ ટાળવો કેમ?”

યોગીજી મહારાજ કહે, “લોયાના ૧૨મા વચનામૃત પ્રમાણે પોતાને જ અક્ષર માને. ‘હું ગુણાતીત થયો, પછી મારે દેહભાવ ક્યાંથી હોય?’ આ સમજણ કરવાની છે. દેહભાવ કાઢી આત્મભાવ કરવો. તે સમાગમથી થાય. પછી બધાને ગુણાતીત જ દેખે. મહાસાગરમાં બેઠો હોય તે જળ જ દેખે. મુખ્ય મુદ્દો એ કે સત્પુરુષમાં જોડાઈએ તો દેહભાવ નીકળે. સંબંધવાળા સૌમાં દિવ્યભાવ રાખવો. ‘એ કરીને આવ્યા છે ને આપણે કરવાનું બાકી છે’ એમ સમજવું, તે દેહભાવ ગયો. આજ્ઞાએ કરીને દુકાને બેસો તેમાં દેહભાવ નથી; કારણ અંતઃકરણ શુદ્ધ છે.”

[યોગીવાણી: ૨૫/૩૩]

 

યોગીજી મહારાજ કહે, “સોળ આની સત્સંગ એટલે શું? પ્રથમ તો નાહવું, ધોવું, પૂજાપાઠ કરવા, પવિત્રપણે રહેવું તે ચાર આના સત્સંગ. પણ તેમાં ઇન્દ્રિયો ચોરી કરી જાય. દસે ઇન્દ્રિયો જ્યારે સાચે માર્ગે ચાલે ને કોઈ વિષયને આકારે ન થાય, ત્યારે આઠ આના સત્સંગ. ચાર અંતઃકરણ – મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, તેમાં મન ભગવાનનો ઘાટ કર્યા કરે, બુદ્ધિ ભગવાનનો નિશ્ચય કરે, અહંકાર ‘હું ભક્ત છું’ એમ અહંપણું ધરે અને ચિત્ત ભગવાનનું ચિંતવન કરે, તો એ ચાર વાનાં સિદ્ધ થાય અને ત્યારે બાર આના સત્સંગ થયો કહેવાય. સોળ આના સત્સંગ કેવી રીતે થયો કહેવાય? લોયાના ૧૨મા વચનામૃતમાં મહારાજે તેનું રૂપ કર્યું છે: ‘અષ્ટાવરણેયુક્ત એવાં જે કોટાનકોટિ બ્રહ્માંડ જેના રોમમાં રહ્યાં છે, એવું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે તેને નિર્વિકલ્પ નિશ્ચય કહીએ.’ એમ મહારાજે કહ્યું. હવે આઠ આવરણ પાર અક્ષરધામ, એ રૂપે આપણે રહેવાનું છે, ને પછી ભગવાનને અખંડ ધારવા ત્યારે સોળ આના સત્સંગ થયો, નિશ્ચય પૂરો થયો.”

[યોગીવાણી: ૧૯/૨૪]

 

તા. ૨૮/૫/૧૯૫૯, રાજકોટમાં અદાની દેરીએ વાર્ષિક યુવાસંમેલનમાં યોગીજી મહારાજ કહે, “ભગવાનનું ધામ ગુણાતીત છે, જીવને ગુણાતીત કરવા છે. જીવદશામાંથી બ્રહ્મદશામાં દાખલ કરવા એ સિદ્ધાંત. ગુણાતીત કૉલેજમાં દાખલ થઈ ગયા. ગરીબને શેઠ થવું હોય તો કેમ પ્રયત્ન કરવો? પણ શેઠને ઘરે જન્મ લે તો શેઠ થઈ જાય. તેમ આપણે ગુણાતીત કેમ થવું? તે ગુણાતીત આપણા શેઠ છે. તેને ઘરે જન્મ લઈ લેવો, તો ગુણાતીત થઈ જાય. એનો ખુલાસો લોયા-૧૨ના વચનામૃતમાં છે. ગુણાતીતરૂપ, ધામરૂપ પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે એમ મહારાજ કહે છે. નિર્વિકલ્પ નિશ્ચય માગીએ છીએ, પણ વર્તીએ નહીં તો શું કામનું? સોળ આની સત્સંગ શું? લોયા ૧૨ વચનામૃત સિદ્ધ કરે. પછી બધાયનો મહિમા સમજાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૫૫૯]

 

કોઈકે પ્રશ્ન પૂછ્યો, “ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કેમ દૃઢ થતો નથી?”

યોગીજી મહારાજ કહે, “સંતસ્વામી ઉત્તર કરશે.”

સંતસ્વામી કહે, “દેશકાળ સારા હોય ને ઉત્તમ અનુભવી વક્તા હોય ને ઉત્કૃષ્ટ શ્રદ્ધાવાળો જીવ હોય તો દેહ છતાં જ થઈ જાય.”

ત્યારે યોગીજી મહારાજ કહે, “યથાર્થ ઉત્તર થયો, પણ તેનું રહસ્ય શું સમજ્યા? તે કહો.” પછી પોતે જ બોલ્યા, “શાસ્ત્રીજી મહારાજ જેવા પુરુષ મળ્યા ને જાણ્યા તે તો સમજાયું; પણ તેમને મન સોંપાયું નહીં તેથી મોટો અંતરાય રહી ગયો ને કસર રહી જાય છે. માટે સમ્યક્ પ્રકારે જો ગુરુચરણે મન સોંપાય, તો મોટાપુરુષ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય દૃઢ કરાવી દે તેમાં શંકા નથી. પછી તેને અખંડ કેફ વર્તે; શાંતિ, સુખ ને આનંદના જ ફુવારા ઊડે; ને પ્રકૃતિપુરુષ સુધીનું કાર્ય નમાલું બની જાય, તે સામી દૃષ્ટિય ન કરે, તેવા કરી દે. મન ન સોંપે તો સ્થિતિ ક્યાંથી થાય. માટે મોટા પાસેથી આ ઉત્તમ વાત દૃઢ કરી લેવાની છે. આ જ્ઞાનમાર્ગ એટલે સંતને વચને જ પ્રવૃત્તિ કરવાની ને જાણપણું રાખી વર્તવું, એ અઘરું છે. તો ખબરદાર થઈ મંડી પડવું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૩૯]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ