વચનામૃત નિરૂપણ

પંચાળા ૭

સંવત ૧૯૧૯, હુતાશનીનો સમૈયો કરવા વડતાલથી સાધુ વિષ્ણુપ્રસાદદાસજી તથા હરિસ્વરૂપદાસજી, હરિપ્રસાદદાસજી વગેરે જૂનાગઢ આવ્યા હતા. ગુણાતીતાનંદ સ્વામીએ આ સમૈયામાં વર્તમાનકાળે મહારાજનો શો અભિપ્રાય છે અને સિદ્ધાંત છે તે સમજાવતાં કહ્યું, “મોરે તો મહારાજનો અનેક પ્રકારનો રાજીપો હતો અને પ્રથમના પ્રકરણમાં ગોળા ખાવા, ટાટ પહેરવાં, કૂતરું બોલતું ન સંભળાય એટલે છેટે રહેવું, ભણવું, મંદિરો કરવાં ઇત્યાદિક અનેક પ્રકારનો રાજીપો હતો અને વર્તમાનકાળે શેમાં રાજીપો છે? તો નટની માયાના વચનામૃતમાં ભગવાનનું સ્વરૂપ નિર્દોષ કહ્યું છે તેવી રીતે મહારાજનું સ્વરૂપ સમજવું ને તેવી રીતે સંતનું સ્વરૂપ પણ સમજવું ને ભગવાનની આજ્ઞા પાળવી ને રૂડા સાધુનો સંગ રાખવો, તો તેની ઉપર મહારાજ રાજી, રાજી ને રાજી જ છે.”

[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૭૫]

 

પંચાળાનું સાતમું વચનામૃત વંચાવીને ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી, “આ પ્રગટ ભગવાનને નિર્દોષ સમજ્યેથી કાંઈ કરવું બાકી રહેતું નથી. ને ચમત્કાર જણાય તો શેખજીની પેઠે જીરવાય નહીં, ગાંડું થઈ જવાય. માટે કસર જેવું રાખ્યું છે. ભગવાનને નિર્દોષ સમજ્યાથી નિર્દોષ થઈ રહ્યો છે ને દોષ જણાય છે તે તત્ત્વના દોષ છે ને નિર્દોષ તો એક ભગવાન જ છે. ને દેશકાળ તો ભગવાનને ના લાગે, જીવને તો લાગે; કારણ કે પ્રારબ્ધ કર્મે દેહ છે તે ખોટા પ્રારબ્ધનો થર આવે ત્યારે દેશકાળ લાગે પણ ઉપાસ્ય મૂર્તિને નિર્દોષ સમજ્યાથી, એ દોષે રહિત થઈ રહ્યો છે.”

[સ્વામીની વાતો: ૫/૧૨૪]

 

યોગીજી મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો, “દેહ છતાં બ્રહ્મરૂપ કેવી રીતે થવાય?”

ત્યારે યોગીજી મહારાજ કહે, “પંચાળા ૭માં કહ્યું કે અક્ષરધામ ભગવાનનું સ્વરૂપ છે, ‘ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ્’ મુજબ ગુણાતીત મૂળ અક્ષર – પરમ સત્ય સ્વરૂપ છે અને મહારાજ તો વ્યતિરેક, પરના પર રહે છે. તેના સ્વરૂપનો એટલે ગુણાતીતનો મહિમા જાણીએ ત્યારે જ જેવો છે એવો યથાર્થ મહારાજનો મહિમા સમજાય. ગુણાતીતના સંગે બ્રહ્મરૂપ થાય ત્યારે જ પરબ્રહ્મની સેવાનો અધિકારી બને.”

[યોગીવાણી: ૨૫/૪૩]

 

યોગીજી મહારાજ કહે, “ભગવાન જ્યારે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે, ત્યારે નર-નાટક કરે છે. પંચાળા ૭ પ્રમાણે. તેમાં પણ આપણે નટના સ્ત્રી-છોકરાં થઈ જઈએ તો એ માયા કળાય, પણ સભાજન થઈએ તો એ માયા કળાય નહીં. તેમ ભગવાન કે મોટાપુરુષના સંબંધી થઈએ, તો જ આપણે ભગવાનનું સ્વરૂપ જેવું હોય તેવું ઓળખી શકીએ. તે સિવાય તો ઓળખાય જ નહીં.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૦૯]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ