વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૧૧

ગુણાતીતાનંદ સ્વામી કહે, “સમાધિથી નિર્ગુણ ન થયા ને જ્ઞાનથી નિર્ગુણ થયા.” ત્યારે ચતુર્ભુજદાસજીએ પૂછ્યું જે, “સંતને ને ગૃહસ્થને સરખા નિર્ગુણ કેમ કહ્યા?” ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો જે, “એક તો નાગો બાવો હોય તેને સમુદ્ર તરવો હોય ને ઉચાળાવાળાને પણ સમુદ્ર તરવો હોય તો બેયને વહાણનું કામ પડે, મરને કૌપીન પણ ન પે’રતો હોય પણ સમુદ્ર તરાય નહીં. માટે વહાણમાં નાગો બાવો બેસે ને ઉચાળાવાળો ગૃહસ્થ બેસે, તેને તો બાયડી હોય, છોકરાં હોય, ભેંસ હોય, રેંટિયો હોય, તે બધુંય સમુદ્ર બરાબર તરે. ને તે વિના તો દ્રવ્યને અડતા ન હોય, અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય પાળતા હોય, ને મહાત્યાગી હોય પણ ભગવાન ન મળ્યા હોય તો તેનું કલ્યાણ ન થાય ને માયાને ન તરે ને ગૃહસ્થનું કલ્યાણ થાય ને માયાને તરે.” પછી મધ્યનું અગિયારમું વચનામૃત વંચાવીને વાત કરી જે, “ગૃહસ્થમાત્ર આ વચનામૃત સમજે તો અંતરે શાંતિ રહે ને આ વાત અટપટી છે.” ત્યાં દૃષ્ટાંત દીધું જે, “ભોગાવાની રેતીમાં ચૈત્ર મહિનાના તાપમાં ઢૂંઢિયો બેઠો હોય તેને દેખીને એમ જાણે કે આનું કલ્યાણ થાશે પણ એનું કલ્યાણ નહીં થાય, ને ગૃહસ્થ હોય તેને બાયડી હોય, આઠ છોકરાં હોય, સોળ હળ હોય, સોળ ભેંશું હોય, એ આદિક હોય, તેને દેખીને એમાં જાણે જે આનું કલ્યાણ નહીં થાય, પણ તેને ભગવાન મળ્યા છે તો એ બધાયનો મોક્ષ થાશે. આ વાત તો જેમ કોઈકને ઘી ખાધાથી રોગ થયો હોય ને પાછો ઘી ખવરાવીને મટાડે તેવી છે. તે બીજાને સમજાય નહીં, મહારાજને જ સમજાય, ને એ પ્રશ્નનો ઉત્તર પણ મહારાજથી જ થાય, બીજાથી થાય નહીં. એના એ રજોગુણ, તમોગુણ ને સત્ત્વગુણ તેથી નરકમાં જવાય ને એના એ ગુણથી મોક્ષ થાય.” તે ઉપર શ્લોક બોલ્યા જે, ‘આમયો યેન ભૂતાનામ્ ।’

આમયો યેન ભૂતાનાં જાયતે યશ્ચ સુવ્રત! । તદેવ હ્યામયં દ્રવ્યં ન પુનાતિ ચિકિત્સિતમ્ ॥ એવં નૃણાં ક્રિયાયોગાઃ સર્વે સંસૃતિહેતવઃ । ત એવાત્મવિનાશાય કલ્પન્તે કલ્પિતાઃ પરે ॥ ભાવાર્થ‌: જે ઘી ખાવાથી રોગ થાય છે, તે જ ઘી આયુર્વેદનાં ઓષધો સાથે, વૈદ્યના માર્ગદર્શન અનુસાર અનુપાનરૂપે લેવામાં આવે, તો તે ઘી રોગનો નાશ કરે છે. તેવી જ રીતે સાંસારિક ક્રિયાઓ મનુષ્યોનું અધઃપતન કરનાર છે, પરંતુ તે જ ક્રિયાઓ પરમાત્માની સેવામાં આવી જાય તો મોક્ષ આપનાર બને છે. (ભાગવત: ૧/૫/૩૩-૩૪)

[સ્વામીની વાતો: ૪/૬૦]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ