વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૨૮

મધ્યનું અઠ્ઠાવીસમું વચનામૃત વંચાવી ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જે, “જીવમાં ભૂલ્ય આવે પણ અનેક જુક્તિથી તેને ભગવાનના માર્ગમાં રાખવો, પણ પાડી નાખવો નહીં, એ જ મોટાની મોટાઈ છે. ને આ વચનામૃતમાં મહારાજે પોતાનો સ્વભાવ કહ્યો છે તેનો ભાવ પણ આવો છે.” એવી ઘણી જ મહિમાની વાતું કરી.

[સ્વામીની વાતો: ૫/૩૪૩]

 

ગુણાતીતાનંદ સ્વામી કહે, “તમે કહો છો જે, ‘કે’જો,’ તે હું તો કહું જ. તે સભામાં કહ્યું, નીકર છેલ્લી બાકી ઇતિહાસ કથા કહું, પણ જીવમાંથી ડંખ કાઢી નાખું. માટે સાધુને સેવવા ને એનું ઘસાતું ન બોલવું.” તે ઉપર મધ્યના અઠ્યાવીસમા વચનામૃતની વાત વિસ્તારીને કરી.

[સ્વામીની વાતો: ૬/૧૩૪]

 

ગઢડા મધ્ય પ્રકરણનું ૨૮મું વચનામૃત વંચાતું હતું. તેમાં વાત આવી, “જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન-કર્મ-વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે. અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે.” તે સાંભળી યોગીજી મહારાજ એકદમ બોલ્યા, “ગુણાતીતનો દ્રોહ કરે ને પછી મહારાજની આરતી ઉતારે, તે મહારાજ આરતી અંગીકાર કરતા હશે? ગુણાતીત જે ભગવાનના ઉત્તમ ભક્ત, એમના દ્રોહથી તો જીવનું સત્યાનાશ નીકળી જાય, જીવ જડ-સંજ્ઞાને પામી જાય. પછી એકલા શ્રીજીમહારાજની ગમે એટલી પૂજાવિધિ, શાસ્ત્રવિધિ પ્રમાણે ઠાઠમાઠથી કરે, પણ મહારાજને તે અંગીકાર કરવી ગમતી નથી. જેમ દીકરાને ધોલ મારે ને બાપની આરતી ઉતારે, તે બાપ કેમ સ્વીકારે? ન જ સ્વીકારે.”

[યોગીવાણી: ૧૫/૧૨]

 

તા. ૧૧/૬/૧૯૬૨, મુંબઈ. બપોરની કથામાં યોગીજી મહારાજે વાત કરી, “મહારાજે કહ્યું – હું તો ભક્તનો ભક્ત છું. તે ખરેખરા ભક્ત કોને કહેવાય? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ હોય તો ખરા?”

ત્યારે પ્રશ્ન થયો, “ખરેખરા શું?”

સ્વામીશ્રી કહે, “તમારા દીકરાના પગ ધોઈ અમે પી જઈએ, એ ખરેખરા ભક્ત. એ પ્રમાણે ભગવાનના ભક્તનો મહિમા છે. ભગવાનના ભક્તનો જેને અભાવ આવ્યો છે તે મોટા હતા તો પણ પદવી થકી પડી ગયા છે. જે કંઈ રૂડું થાય છે, તે સેવાથી જ થાય છે. ભગવાન પગચંપી કરવાથી રાજી ન થાય. શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા, એના શિષ્યને રાજી કરે તો રાજી થઈ જાય. માનત સ્વામી લોટો લઈને રાત્રે પાણી પાવા નીકળે. દરેકને પાય. ભક્તની સેવા કરે તે ભગવાનની થઈ ગઈ. ભક્તની સાથે રહે ને સેવા ન કરે તો ભગવાન રાજી ન થાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૩૫૬]

 

તા. ૧૭/૧/૧૯૬૩, ગોંડલ. યોગીજી મહારાજ સભામંડપમાં બિરાજી પત્રો લખી રહ્યા હતા. સામે કેટલાક જ્ઞાની હરિભક્તો પણ બેઠા હતા. એક હરિભક્તે કહ્યું, “મધ્યનું તેરમું વચનામૃત વાંચો.”

સ્વામીશ્રીએ પત્ર લખતાં ઊંચું જોઈને કહ્યું, “મધ્યનું ૨૮મું વચનામૃત વાંચો. તેમાં મુદ્દો આવે છે.” એમ કહી જાતે કહેવા લાગ્યા, “તે મુદ્દો તે શું જે, શ્રીજીમહારાજ સમજાવે છે કે જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન, કર્મ, વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૩૦]

 

તા. ૧૬/૧/૧૯૫૮ના સવારે ૭:૪૫ વાગે ગઢડા મધ્ય ૨૮મું વચનામૃત વંચાવી યોગીજી મહારાજ બોલ્યા, “આ વચનામૃતમાં મહારાજે કહ્યું છે: ‘ભગવાનના ભક્તનો અભાવ ન આવવા દેવો ને અવગુણ ન લેવો.’ અભાવ, અવગુણ તે શું? ક્યાંથી આવતા હશે? અંતરમાંથી આવે છે કે બહારના સંગથી આવે છે?”

પછી પોતે જ ઉત્તર કર્યો, “અભાવ એટલે કોઈક હરિભક્તથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય, અગર કાંઈ થોડું બન્યું હોય, તેનો ફજેતો કરે અને વિસ્તારથી બીજાને સંભળાવે, એનું નામ અભાવ; અને જે એમ કરે તેને એ હરિભક્ત દીઠો ન ગમે અને આંટી પડે. હવે અવગુણ એટલે કાંઈ દોષ ન હોય ને આઘુંપાછું ન કરતો હોય, તેનામાં પણ દોષ કહે તે અવગુણ.

“આસુરી જીવના હૃદયમાં તો અભાવ, અવગુણ વસેલા જ હોય; અને બીજાને તો આવે અને ટળી જાય, એ મનની અસ્થિરતા છે. કોઈનું વાંકુ સાંભળે તો પંડે જોયું ન હોય તો પણ હૈયામાં ગરી જાય; અને ઝાઝો કુસંગ કરે તો હડકાયા કૂતરાની લાળથી જેમ હડકવા ચાલે અને મોત થાય, તેમ જીવ નાશ પામે, એટલે આસુરીભાવને પામી જાય.

“મોટાપુરુષ એક વાર કહે, ‘આ નિર્દોષ છે’ અને એ વચન જો મનાઈ જાય, તો એમ કરતે કરતે બુદ્ધિ સ્થિર થઈ જાય, દિવ્યભાવ આવે અને સેવા કરવી ગમે. પણ મોટાપુરુષ ચાર-પાંચ વાર કહે ને કરે, તેમાં શું વળે? મોટાનો મત એ જ છે અને શ્રીજીમહારાજે પણ પાને પાને કહ્યું છે જે, અભાવ અવગુણમાં પડશો નહીં. પછી આપણને જોવાનો અધિકાર જ નથી. મહારાજ પંડે પણ જોતા નથી. માટે એ બારી જ બંધ કરવી. આ જો જીવનદોરીનું વચનામૃત છે. દોરી તૂટે તો મોત થશે. જેમ નાડી તૂટે તો દેહનું મોત થાય છે, તેમ આ જીવનું મોત સમજવું.

“જ્યાં સુધી સાધનનું બળ છે ત્યાં સુધી અભાવ-અવગુણ રહ્યા કરે છે. જો મહારાજનું બળ હોય તો અભાવ-અવગુણ આવે જ નહીં. કોઈ વધારે જમતો હોય અને આપણે ત્યાગ રાખતા હોઇએ તો તે ના જોવું.

“મહારાજ કહે – જો કોઈ અમારી અખંડ ભક્તિ કરતો હોય, પણ જો કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલતો હોય, તો એવા ભક્ત ઉપર હેત રાખવા જાઉં, ભેટવા માટે અંતર ઊભરાઈ આવે, તો પણ એમ થાય જે, ‘જવા દે, ટાઢે કોઠે બલા છે! શું મોઢું જોઉં!’ એટલો બધો અભાવ અમને આવી જાય છે. કોઈ કાન ભરવા આવે તે હું ન સાંભળું, પણ હું જાતે જોઉં અને તે પણ ઝાઝા દિવસ સુધી, ત્યારે અવગુણ આવે છે.

“આપણે તો નાના-મોટા જોયા સિવાય સેવા કરવા મંડી પડવું. મહારાજે સેવા જ બતાવી છે. ઉકાખાચરની જેમ સેવાનું વ્યસન પાડી દેવું. વ્યસન નહીં પડે ત્યાં સુધી સેવા ગમશે નહીં. મનના ભુક્કા બોલાવવા, ત્યાં સુધી મંડી પડવું. મરજી જાણીને એક વાર કહ્યે મંડી પડે તે ઉત્તમ. તો ધામમાં જ બેઠો છે. અમારી પાસે જ છે. એમ મહારાજ કહે છે. વૈતરું ન કરવું, પણ સેવા કર કર કરવી. એ અખંડ રાજીપાનું સાધન છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૩૨૮]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ