વચનામૃત નિરૂપણ

ગઢડા અંત્ય ૨

ગુણાતીતાનંદ સ્વામી કહે, “સંત છે ત્યાં નિયમ છે, ધર્મ છે, જ્ઞાન છે. ને સંત છે ત્યાં અનંત ગુણ છે અને ભગવાન પણ ત્યાં જ છે ને તેથી જીવ પવિત્ર થાય છે. તે ‘વચનામૃત’માં કહ્યું છે જે, તપ, ત્યાગ, યોગ, વ્રત, દાન એ આદિક સાધને કરીને ભગવાન કહે, તેવો હું વશ થાતો નથી જેવો શુદ્ધ અંતઃકરણવાળા સાધુને સંગે કરીને રાજી થાઉં છું. ને આ સત્સંગ મળ્યો છે તેના પુણ્યનો પારાવાર નથી. અજામેળ મહા પાપી હતો પણ તેને સનકાદિક મળ્યા ને પગે લાગ્યો ને કહે કે મારાથી તો કાંઈ થાય નહીં. ત્યારે સાધુ તો દયાળુ છે તે છોકરાનું નામ ‘નારાયણ’ પડાવીને પણ મોક્ષ કર્યો.”

[સ્વામીની વાતો: ૧/૧૮૧]

 

છેલ્લા પ્રકરણનું બીજું વચનામૃત વંચાવીને ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જે, “મહારાજ વિના બીજામાં માલ માને છે ને બીજું જોવાને ઇચ્છે છે તે તો સૂર્યની આગળ દીવો કરે તેવો છે ને સત્સંગી જ ક્યાં છે? ને આ વાત સમજાશે ત્યારે ગાંડા થઈ જવાશે ને ગાંડા નથી થવાતું તે તો ભગવાનની ઇચ્છા છે. ને એકાંતિકનો સંગ મળવો દુર્લભ છે ને ભગવાનથી કામ થાય તેટલું એકાંતિકથી થાય છે, કારણ કે બધાને ભગવાનનો જોગ રહે નહીં તેથી એકાંતિકનાં લક્ષણ સમજવાં.”

[સ્વામીની વાતો: ૫/૧૧૨]

 

એક સવારે કથામાં વચનામૃત ગઢડા અંત્ય ૨ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “મહારાજ ધારત તો બધાને સમાધિ કરાવી તેજ દેખાડત, પણ ન બતાવ્યું ને સમ ખાધા, કારણ કે જો બતાવે તો ગાંડા થઈ જાય. બહેકી જાય. મહારાજ કહે, ‘અમને દેખાય છે, એટલે સમ ખાઈએ છીએ.’”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૨૦]

 

તા. ૧૫/૧/૧૯૬૭, મુંબઈ. કપોળવાડીમાં પૂજા બાદ યોગીજી મહારાજ વચનામૃત ગઢડા અંત્ય ૨ સમજાવતાં કહે, “આ વચનામૃતમાં મહારાજે ગુણાતીતને ઓળખાવ્યા. સત્પુરુષની ઓળખાણ પડે તે માટે લાંબી વાત કરવી પડે. મહારાજને બધા સદ્‌ગુરુ જ સમજતા! એક ગુણાતીત સદ્‌ગુરુ ન સમજે. હમણાં વાત કરે કે ‘સમુદ્રને કિનારે પાંચ પાંડવ આવ્યા છે. પાંચ હાથ લાંબા!’ તો સૌ દોડે. રાજકોટમાં નળ તૂટ્યો ને ખબર ન રહી તો કહે, ‘ગંગા ફૂટી!’ બધા દોડ્યા. જામનગરમાં મુસલમાન ક્ષય મટાડે છે તો બધા દોડ્યા! પણ અક્ષરધામના ગુણાતીત અહીં બેઠા છે તે આશ્ચર્ય નથી થાતું. બાપનો વંશ દીકરો, મહારાજનો વંશ સત્પુરુષ. એકલા મહારાજને સમજે તો શું વાંધો? ના, તેમના ભેગા સત્પુરુષને સમજાવવા પડે. અત્યારેય ગુણાતીત નથી સમજાતા. દિશમોડ છે તે ઉગમણું, આથમણું ક્યાંથી સૂઝે? સમીપમાં રહે ને મનુષ્યભાવ ન આવે તેવા થોડા.” આમ, મર્મસભર વાતો કરી.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૩૭૬]

 

યોગીજી મહારાજે અંત્ય-૨ સમજાવતાં કહ્યું, “અનાદિ સત્પુરુષ કોણ છે? ગુણાતીત. સત્પુરુષના યોગે કરીને સંસ્કાર થાય છે. એવા સંતનો સંગ મળ્યો છે તો પણ જેમ છે તેમ નથી સમજાતું તે અતિશય મંદબુદ્ધિવાળો. કીડી સાકરના કોથળામાં ચડી જાય તો સાકર ખાતી ખાતી કાશી પહોંચી જાય. માટે આપણે કોથળામાં બેસી જાવું. મહારાજ કહે છે, ‘આ સભા સામાન્ય નથી. ગોલોક, વૈકુંઠથી અધિક માનું છું.’ તપ, ત્યાગ ને વર્તમાન પાળવાં. મૂર્તિ સામું જોઈ રહેવું. પોતાના સ્વરૂપને બ્રહ્મ માનવું ને દર્શન કરવું તે સેવા છે. આપણને ન મનાતું હોય તેથી સમ ખાય છે. બધાને પ્રકાશ યુક્ત દેખું છું. તે શું? તેજ-ભડકો નહીં, સંબંધે કરીને. નહીં તો મનુષ્યભાવ આવી જાય.”

[યોગીવાણી: ૧૨/૩૪]

 

૨૩/૬/૧૯૬૨,મુંબઈ. બીજે દિવસે બપોરની સભામાં વચનામૃત ગ. અં. ૨ વંચાવતાં કહે, “સત્સંગ એટલે સત્પુરુષ. સત્પુરુષનો સંગ થાતાં પહેલાં આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું ને દાસત્વ ત્રણ મારગ આવે તો વચલો – ડાબો – જમણો કયે માર્ગે જવું તેમાં ડખો, વિભ્રાંત થઈ જવાય. કોઈ બતાવે તો વિભ્રાંત મટી જાય. તેમ સત્પુરુષ મળ્યા પછી તમારું અંગ પતિવ્રતાપણું કે આત્મનિષ્ઠા કે દાસત્વ એમ કહે, તે વિશ્વાસથી વિભ્રાંતપણું ટળે.

“ક્રોધથી વિભ્રાંત થઈ જવાય. સગા ભાઈને કોદાળી મારે. લોભે પૈસો ભેગો કરવો છે. તેમાં પણ એવું. મોટાપુરુષને પૂછવું, ‘મારું કયું અંગ છે?’ પછી તે માર્ગે ભક્તિ કરવી. હરિભક્તોને જમાડ્યા કરવા. અંગમાં રહી ભક્તિ કરે, કામાદિક ક્ષીણ પડી જાય. ‘હું સહજાનંદનો દાસ છું.’

“અનાદિ સત્પુરુષ કોણ છે? ગુણાતીત. સત્પુરુષના યોગે કરીને સંસ્કાર થાય છે. એવા સંતનો સંગ મળ્યો છે; તો પણ જેમ છે તેમ નથી સમજાતું તે અતિશય મંદબુદ્ધિવાળો. કીડી સાકરના કોથળામાં ચડી જાય તો સાકર ખાતી ખાતી કાશી પહોંચી જાય. માટે આપણે કોથળામાં બેસી જાવું. આ સભા સામાન્ય નથી. ગૌલોક, વૈકુંઠથી અધિક માનું છું. તપ, ત્યાગ ને વર્તમાન સામું જોઈ રહેવું. પોતાના સ્વરૂપને બ્રહ્મ માનવું ને દર્શન કરવું તે સેવા છે. આપણને ન મનાતું હોય તેથી સમ ખાય છે. બધાને પ્રકાશે યુક્ત દેખું છું. તે શું? તેજ-ભડકો નહીં. સંબંધે કરીને. નહીં તો મનુષ્યભાવ આવી જાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૩૬૨-૩૬૩]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ