વચનામૃત નિરૂપણ

ગઢડા પ્રથમ ૫

તા. ૧૫/૮/૧૯૬૫, મુંબઈ. સવારે ૧૦:૩૦ વાગ્યે વચનામૃત ગઢડા પ્રથમ ૫ નિરૂપતાં “રાધિકાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું” તે સમજાવતાં યોગીજી મહારાજ કહે, “મહારાજે ખોરડા (ઘર) ઉપર બીજ (ચંદ્ર) બતાવી. જે ન સમજે તે ખોરડું પકડે, પણ બીજ ન પકડે. બીજ તો આકાશમાં છે. અક્ષરે સહિત પુરુષોત્તમના ધ્યાનની વાત આમાં છે, પણ રાધાકૃષ્ણનું નિશાન બતાવ્યું છે. ભક્તે સહિત ભગવાનની ઉપાસનાની વાત છે.”

ત્યારે પૂછ્યું, “મહારાજે કેમ એ પ્રમાણે ન લખ્યું?”

એટલે સ્વામીશ્રીએ કહ્યું, “તે વખતે મહારાજનું જ નામ જ્યાં નહોતું લેવાતું તો અક્ષરપુરુષોત્તમનું ક્યાંથી લેવાય? મહારાજે ધીરે ધીરે વાત કરી. પહેલા વચનામૃતમાં પોતાના ધ્યાનની વાત કરી, ત્રીજામાં લીલાચરિત્રો સંભારવા કહ્યું. સત્સંગી, સાધુ, બ્રહ્મચારીને સંભારવા કહ્યું. પછી પાંચમામાં ભક્તે સહિત ભગવાનના ધ્યાનની વાત કરી દીધી. આમ, ધીરે ધીરે સમજાવી દીધું. કેટલાક એકલા મહારાજને ભજે છે. બીજા કોઈને નહીં. પ્રથમ ૭૧માં અક્ષરપુરુષોત્તમની વાત સમજવી અને બીજા આગળ કરવી, એમ કીધું છે તે કોઈ કરતું નથી. શાસ્ત્રીજી મહારાજ બહાર પડ્યા અને આ વાત સમજાવી. આ મુદ્દો સમજાય, તો બધુંય સમજાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૧૦૦]

 

તા. ૧૧/૧૨/૧૯૬૮, શનિવાર. સાંજે ૪:૧૫ વાગ્યે મુંબઈ અક્ષરભવનમાં પહેલે માળે યુવકમંડળની સભામાં પ્રશ્નનો જવાબ આપતાં યોગીજી મહારાજ કહે, “મહારાજે ગઢડા પ્રથમ ૫માં કહ્યું છે, ‘રાધિકાએ સહિત શ્રીકૃષ્ણનું ધ્યાન ધરવું.’ – “આરાધિતા ઇતિ રાધા.’ અહીં મહારાજે ગર્ભિતપણે અક્ષર સહિત પુરુષોત્તમના ધ્યાનની વાત કરી છે, પરંતુ જેમ આકાશમાં બીજ (બીજનો ચંદ્રમા) ઊગ્યો હોય તે બતાવવા માટે એમ કહેવું પડે, ‘જુઓ, આ ખોરડા (ઘર) ઉપર બીજ (ચંદ્ર) છે.’ એમ પહેલાં નિશાના નોંધવું પડે. પછી આપણે ખોરડાને થોડું જોઈએ છીએ? નિશાન બીજ ઉપર છે. તેમ શ્રેષ્ઠ ભક્ત ભેળું મહારાજનું ધ્યાન કરવાની વાત આમાં છે. કડિયા જેમ કમાન બાંધવા ઢોલો (બીબું) કરે છે, પછી જ્યારે કમાન બંધાઈ જાય ત્યારે ઢોલાને કાઢી નાખે છે. આ તો ઢોલાને વળગી પડ્યા છે... અક્ષરે સહિત પુરુષોત્તમની નિષ્ઠા વગર છૂટકો નથી. આ નિષ્ઠા વિના બાપા ધામમાં નહીં લઈ જાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૩૦૮]

 

જાન્યુઆરી ૧૯૬૪. અક્ષર ભવનમાં સવારની કથામાં વચનામૃત ગઢડા પ્રથમ ૫ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “રાધિકાએ સહિત ધ્યાન કરવું. તેમાં ભક્ત આવ્યા કે નહીં! આખો સત્સંગ વાંચે છે. કોઈએ ‘મહારાજના ઉત્તમ ભક્તા કોણ?’ તે પૂછ્યું નહીં. નહીં તો મહારાજ બતાવત. સર્વોપરીની ગેડ નો’તી બેસતી તો ભક્તની વાત ક્યાંથી બેસત? પૂર્વનાં પુણ્ય તે આપણને વાત સમજાણી ને ગેડ બેસી ગઈ. કેળામાં ઘી ને માંહી પડી ખાંડ. સ્વાદ આવે તો આંખનાં ચશ્માં ઠરી જાય... ગુણાતીત બદલી ગયા છે? છે, છે ને છે. પ્રત્યક્ષ સ્વરૂપમાં મહારાજ ને સ્વામી બંને રહ્યા છે. અક્ષર ગુણાતીત. તેમાં મહારાજ રહ્યા છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૬૮]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કરિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ