વચનામૃત નિરૂપણ

ગઢડા પ્રથમ ૬૭

૩-૬-૬૫, અડાસ. ચૂનીભાઈના ઘરે સવારની કથામાં વચનામૃત ગઢડા પ્રથમ ૬૭ બોલતાં યોગીજી મહારાજ કહે, “જેવા સત્પુરુષમાં ગુણ જોઈએ, તેવા આપણામાં આવે. આપણે ફોટો પડાવવા બેઠા ને આંખ બંધ કરો તો શું આવશે? કાણા, વાંકા, ટેઢા જેવા બેસીએ તેવો ફોટો આવે. તેમ સત્પુરુષને જાણે તેવો થાય. નિર્દોષ, સર્વજ્ઞ જાણીને અંતરાય ટાળી નાખવો. કહે તેમ કરવું. સત્પુરુષના ગુણ લાવવાની વાત છે. નિર્ગુણ સ્વામી આ વચનામૃત બહુ કઢાવતા. ઊઠવા ન દે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૭૫]

 

જુલાઈ, ૧૯૬૯, ગોંડલ. કથાપ્રસંગમાં યોગીજી મહારાજ કહે, “સત્પુરુષ આપણું આ હિત ઇચ્છે. આ લોકની વાસના તૂટી જાય તેવું કરે, કારણ કે આ લોકના પદાર્થ બંધનકર્તા છે. જીવ આ લોકના પદાર્થમાં ચોંટી જાય, પછી તેને ‘શું કરવા આવ્યો છું?’ તેની વિસ્મૃતિ થઈ જાય. સંત તેને તેમાંથી જગાડે.

“એક ગામમાં બે ભાઈ સત્સંગી હતા. તેમાં એક સામાન્ય સત્સંગી હતો અને બીજો શિરોમણિ હતો. તેમાંથી જે સામાન્ય સત્સંગી હતો તે નાનો ભાઈ દેહ મૂકી ગયો ને ભૂત થયો. મોટા ભાઈ તો નત (નિત્ય) મંદિરમાં બેસે, સત્સંગમાં જીવન ગુજારે. એમ કરતાં મોટા ભાઈને દેહ છોડવાનો વખત આવ્યો. તે મહારાજ વિમાન લઈ તેડવા આવ્યા. ત્યાં નાનો ભાઈ જે ભૂત થયો હતો તે આગળ આવીને ઊભો. મોટા ભાઈને તેનામાં હેત હતું. તેથી વિમાનમાંથી તેની સામું જોયું. મહારાજે જોયું કે ‘આને હજુ ભાઈમાં વાસના છે;’ તેથી વિમાનમાંથી કાઢી નાખ્યો. તે બેય ભૂત થયા.

“પછી ઘરના માણસોને દેખા દે. ત્યારે બધાએ કહ્યું, ‘તું તો મહારાજના ધામમાં જવાનું કહેતો હતો ને કેમ ભૂત થયો?’ ત્યારે આણે કહ્યું, ‘મને ભાઈમાં વાસના હતી તેથી મહારાજે મને વિમાનમાંથી કાઢ્યો ને ભૂત થયો; પણ અમે કોઈને કનડશું નહીં. સાધુને જ્યારે રસોઈ આપો ત્યારે બે લાડવા આ ગોખલામાં મૂકજો. અમે તે પ્રસાદી ખાશું.’

“એમ કરતાં એક દી’ જૂનાગઢના સદ્‌ગુરુ બાળમુકુંદ સ્વામી તેને ઘેર આવ્યા. તો તે ભાઈઓને કહ્યું, ‘તમે અહીં ક્યાંથી? જાવ, બદરિકાશ્રમમાં!’ એમ કહી અંજલિ છાંટી, બદરિકાશ્રમમાં મોકલી દીધા.

“તેમ જો ક્યાંય પણ થોડી વાસના રહી જશે, તો મહારાજ કાઢી નાખશે. માટે વાસના રહેવા ન દેવી.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૩૮૬]

 

તા. ૧૦/૯/૧૯૬૮, મુંબઈ. સવારની કથામાં વચનામૃત ગઢડા પ્રથમ ૬૭ વંચાવી યોગીજી મહારાજ કહે, “મહારાજને દિવ્યભાવ ખરો ને! તેથી ‘મુક્તાનંદ સ્વામીનો ઉત્તર ખરો.’ એમ કહ્યું.

“‘હું જાણું છું, કરું છું.’ એમ સમજે તો ગુણ આવવા બંધ થઈ જાય. અંતરમાં બળતરા થવી જોઈએ, તો ગુણ આવે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૫૨૬]

 

પ્રથમનું સડસઠમું વચનામૃત યોગીજી મહારાજ કંઠે (મોઢે) બોલ્યા અને વાત કરી, “મોટાપુરુષના ગુણ લાવવા માટે દીન-આધીન થઈને પોતાના દોષનો પરિતાપ કરવો પડે અને તેમના અનેક ગુણો સામી દૃષ્ટિ રાખવી પડે; પણ પોતાનાં જ્ઞાન અને ડહાપણનો ડોળ રાખે તો મોટાપુરુષના ગુણ ક્યારેય આવે નહીં.”

[યોગીવાણી: ૯/૫૦]

 

ગઢડા પ્રથમ ૬૭મું વચનામૃત વાંચીને યોગીજી મહારાજે વાત કરી, “મોટાપુરુષના ગુણ મુમુક્ષુમાં કેમ આવે? મુક્તાનંદ સ્વામીએ ઉત્તર તો કર્યો પણ તેમાં ‘પરિતાપ’ શબ્દ ન આવ્યો. ‘પરિતાપ’ છે એ બહુ જ મોટું સાધન છે. ‘ભગવાન ને ભગવાનના ભક્ત આગળ પોતે અત્યંત ન્યૂન છે’ એમ સમજીને, ભગવાન કે મોટાપુરુષના ગુણ ગાઈએ, તો સર્વે ગુણ આવે. પોતાને વિષે ન્યૂનતા, દાસત્વ અને મોટાપુરુષનો મહિમા, આટલાં વાનાં હોય તો ગુણ આવે જ.”

[યોગીવાણી: ૨૪/૪૬]

 

યોગીજી મહારાજ કહે, “સત્પુરુષના ગુણ સૌને લેવા છે, પણ અનુતાપ નથી કરતા. અનુતાપ કરવો જોઈએ અને પોતાની ભૂલ ઓળખવી જોઈએ. વિવેક જ્યાંથી નીકળ્યો કહેતા સત્પુરુષમાંથી, તેને કહે છે – વિવેક નથી. સત્પુરુષ જે કરે એમાં ગુણાતીતભાવ. એમ સમ્યક્ પ્રકારે નિર્દોષબુદ્ધિ સંતમાં રાખે, તો ગુણ આવે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૫૨૨]

 

યોગીજી મહારાજ કહે, “મોટાપુરુષનો સંબંધ થયો ક્યારે કહેવાય? પ્રથમ ૬૨ વચનામૃત પ્રમાણે સમ્યક્ પ્રકારે સંબંધ થયો કહેવાય. એવા ગુણ આવવા માટે પ્રથમ ૬૭ વચનામૃત સિદ્ધ કરવું. ‘હું તો કંઈ જાણતો નથી.’ એમ પરિતાપ કરે. મોટાપુરુષ પાસે ઠરાવ કરીને ન આવે. પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે. આપણે પરિતાપ નથી થતો, તેથી:

‘અમ બે બુટી, તમ બે બુટી, બુટી ભેલંભેલા,

છાયા વિનાનું ઝાડ બતાવો, તો તુમ ગુરુ હમ ચેલા.’

“મોટાપુરુષ આગળ ડહાપણ ન કરવું. મહારાજ છતાં ને શાસ્ત્રીજી મહારાજ છતાં પણ (ડહાપણ કરવાવાળા) રહી ગયા. ડહાપણ એટલે બીબાં (પોતાના મનનાં) છોડી ન શકે. તમને મહાત્મા ક્યારે માનું? કે છાયા વિનાનું ઝાડ બતાવો તો માનું. એવો હોય તેમાં ક્યાંથી ગુણ આવે?”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૪૨]

 

યોગીજી મહારાજ કહે, “અનુતાપ એટલે સાંધો ખરો. બે પાટા ભેગા કરી સાંધી દે તેવું. (પરંતુ) તેને દેશકાળ લાગે ખરો. અને પરિતાપ એટલે એકરસ થઈ ગયેલ. સાંધો જ ન મળે. દેશકાળ ન લાગે ને ગુણ આવવા માંડે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૧૨૫]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ