વચનામૃત નિરૂપણ

સારંગપુર ૭

ગુણાતીતાનંદ સ્વામી કહે, “ગમે તેવું ઉત્તમ સ્થાન હોય તેમાં જઈને રહે તો પણ જીવ વૃદ્ધિ પામે નહીં. એ તો સારા સંતને સંગે જ સમાસ થાય, પણ તે વિના ન થાય.”

[સ્વામીની વાતો: ૨/૧૫૧]

 

સંવત ૧૯૫૨. ભગતજી મહારાજે મહુવામાં ગણપતરામ પાસે પ્રથમ વચનામૃત સારંગપુર ૭મું વંચાવ્યું અને વાતો કરી, “આ વાતને તો શ્રીજીમહારાજે કરામત જેવી કહી છે. જો ખરેખરા સત્પુરુષ મળ્યા હશે, તો ઇન્દ્રિયોની ધારા કુંઠિત થશે. અને જગતના ઘાટ ઓછા થશે. એટલું તો એમની સમીપમાં આવવાથી થાય છે ત્યારે તેનો જો નિરંતર સમાગમ કરીએ તો શું ન થાય?”

[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૪૦૯]

 

તા. ૨૭/૨/૧૯૬૩, મુંબઈ. અક્ષરભવનમાં રાત્રે કથામાં વચનામૃત સારંગપુર ૭ પર નિરૂપણ કરતાં યોગીજી મહારાજ કહે, “ગુરુ બડી બડી વાતો કરતા હોય તે આગળ ન લઈ જાય. બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુ મળે તો કામ થાય. ‘મેળે માવજીભાઈ’ નહીં. ગુરુ થકી ગુરુ સેવેલા જ હોય. વંશપરંપરાથી પામેલા હોય. સત્સંગમાં ઘણા પુરુષો છે, પણ ધારા કુંઠિત થાય ત્યાં મન સોંપવું.

“આપણા સંપ્રદાયમાં તો ગુણાતીત ગુરુ એક જ છે. તે જ સ્થાન બતાવે છે. બ્રહ્મની સ્થિતિ પમાડે તેવા પુરુષ બતાવ્યા.”

“ધ્રાંગધ્રામાં એક સોનીનું નામ માવજીભાઈ, ને ત્યાંના દીવાનનું નામ પણ માવજીભાઈ. તે દી’ વીજળી-દીવાનું સાધન નહિ. માવજીભાઈ સોની વહેલી સવારે અંધારામાં દિશાએ જાય. સિપાઈની કોટ પાસે ખાડા-ખાધરા હોય ત્યાં બેસે, ને સિપાઈ આને જોઈને પૂછે, ‘કોણ?’ તો કહે, ‘માવજીભાઈ.’ સિપાઈ થડકે કે ‘દીવાન હશે તો દંડ કરશે. માટે વધુ પૂછવું નથી.’

“એમ પંદર દી’ પોલ હાલી. પછી સિપાઈને થયું: ‘માવજીભાઈ રોજ અહીં શું કામ ઝાડે ફરવા આવતા હશે? બંગલામાં તો પાયખાનાં-જાજરૂની સગવડ હોય. માટે તપાસ કરું, કોણ છે?’

“પછી બીજે દી’ માવજીભાઈ રોજની જેમ આવ્યા. સિપાઈએ પડકારો કર્યો, ‘કોણ?’ તો છાતી કાઢીને કહે, ‘માવજીભાઈ!’ પછી સિપાઈ ફાનસ લઈને નજીક ગયો તો દીવાનને બદલે સોની મહાજન નીકળ્યા! તે હાથકડી પહેરાવી દીધી ને પૂછ્યું, ‘કોણ તને માવજીભાઈ કહે છે?’ ત્યારે કહે, ‘મારો બાપ, મારી મા, મારાં ઘરવાળાં બધાં કહે છે.’ સિપાઈ કહે, ‘તેમાં સરકારને શું સડકો(ફાયદો)?’ પછી જેલમાં પૂરી દીધા.

“એમ મેળે માવજીભાઈમાં હખ(સુખ) ન આવે. મેળે માવજીભાઈ - સત્પુરુષ થાવા જાય તો જેલ ભેગો થઈ જાય. જેના ઉપર સક્કો વાગ્યો હોય તે જ માવજીભાઈ સાચા. ભગવાનના ગુણાતીત સંત તે જ સાચા સત્પુરુષ છે. માટે ‘હમ ભી ડીચ’ ન થવું. - બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ - ભાગ ૨માં આવી રીતે આ દૃષ્ટાંતનું નિરૂપણ કર્યું છે.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૪૫]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ