વચનામૃત પ્રસંગ

પંચાળા ૩

સં. ૧૯૩૫માં ચૈત્રી પૂનમનો સમૈયો વરતાલમાં ઊજવી આચાર્ય ભગવત્પ્રસાદજી મહારાજ આણંદ આવેલા. તેઓ સાથે વરિષ્ઠ સદ્‌ગુરુ પવિત્રાનંદ સ્વામી પણ હતા. એક વાર સંધ્યા આરતી બાદ સૌ “સ્વામિનારાયણ.... સ્વામિનારાયણ...” એવી ધૂન કરી રહેલા ત્યારે પવિત્રાનંદ સ્વામીએ જૂની પ્રથા મુજબ “નરનારાયણ... સ્વામિનારાયણ...” ધૂન ચાલુ કરી. તેઓને નવો સુધારો ખટકતો હતો. તેથી તેઓ જૂની પરંપરા મુજબ ઉચ્ચ સ્વરે એકલા ધૂન કરવા લાગ્યા. આવું રોજ બનતું. તેથી કેટલાકને થયું: “આ ડોસો રોજ પોતાની જીદ છોડતો નથી. માટે એક વખત તો કહેવું પડશે.” એમ સૌએ નક્કી કર્યું.

એક દિવસ આરતી બાદ ધૂન શરૂ થઈ એટલે પવિત્રાનંદ સ્વામી મોટેથી બોલ્યા, “મહારાજ છતાંની (સમયની) જે ધૂન ચાલે છે તે પ્રથા કેમ તોડો છો?”

તે સાંભળી અક્ષરપુરુષદાસ ભંડારી બોલ્યા, “ઊંટ મરે છે તે પહેલાં મારવાડ સામું જુએ છે, તેમ તમે પણ કરો છો. તે હજુ પણ અમદાવાદની વાસના મટતી નથી?” આવું અપમાન કરનારને કોઈએ વાર્યા નહીં. એટલું જ નહીં, આચાર્ય મહારાજે પણ તેમને કાંઈ ઠપકો આપ્યો નહીં. તેથી પવિત્રાનંદ સ્વામીને લાગ્યું કે: “આમાં બધાની સંમતિ છે.” તેથી તેઓને હાડોહાડ અપમાન લાગી ગયું. તેઓ વરતાલ પરત આવી ગયા. પણ હૃદયદાહ શમ્યો નહીં. તેથી સેવકને કહ્યું, “કોઈ મોટા સદ્‌ગુરુ હોય તો વાતો કરવા બોલાવો.”

સેવકે ભાળ કાઢી લાવતાં કહ્યું, “સભામંડપમાં તો પ્રાગજી ભગત વાતો કરે છે. કહો તો તેમને બોલાવું.”

પવિત્રાનંદ સ્વામીએ હા પાડી એટલે સેવક ભગતજી મહારાજને બોલાવી લાવ્યો. સાથે દામોદર શેઠ, વિજ્ઞાનદાસ સ્વામી, બેચર ભગત પણ હતા. ભગતજી મહારાજ પવિત્રાનંદ સ્વામીને દંડવત્ કરવા લાગ્યા ત્યારે તે રખાવીને પવિત્રાનંદ સ્વામીએ કહ્યું, “પ્રાગજી, સારાં સારાં વચનામૃતો કઢાવી વાતો કર કે જેથી શાંતિ થાય.”

તે સમયે ભગતજી મહારાજે વિજ્ઞાનદાસ સ્વામી પાસે આ વચનામૃત પંચાળા ૩જું વંચાવ્યું અને ખૂબ વાતો કરી. પ્રાગજી ભક્તની પરાવાણીનો પ્રવાહ અટક્યો ત્યારે પવિત્રાનંદ સ્વામી બોલવા લાગ્યા, “મેં પાંચસો પરમહંસોનાં દર્શન કર્યાં છે, પણ ગુણાતીતાનંદ સ્વામીના જેવી સાધુતા મેં કોઈનામાં જોઈ નથી... એ સાધુનો તારા પર અસાધારણ રાજીપો છે... તારા જેવો નિર્માની ભક્ત પણ બીજો કોઈ નહીં. નહીં તો મેં સં. ૧૯૨૧ની સાલે એવો ઠરાવ કર્યો હતો કે આજથી તારા ભેળું બેસવું નથી. ત્યારે તેં પણ મને કહ્યું હતું કે જો ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર હોય તો તમારા ભેળા જ બેસીને કથાવાર્તા કરવી છે. તે આજ તું મને આજ્ઞા કરે છે એવી જે તારી સત્તા, તે તો ગુણાતીતાનંદ સ્વામીના પ્રતાપથી જ છે... તેં ગુણાતીતનો ખરો વંશ રાખ્યો છે... મને આજે અપાર શાંતિ થઈ ગઈ છે.”

[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત: ૧૭૫]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ