વચનામૃત પ્રસંગ

પંચાળા ૪

પ્રસંગ ૧

ઈ. સ. ૧૯૬૩ના મે માસમાં યોગીજી મહારાજ પંચાળા પધારેલા. તે સમયે પંચાળાના દરબારગઢમાં યોગીજી મહારાજે પંચાળાના વચનામૃતોની પારાયણ કરાવી હતી. આ પારાયણ દરમ્યાન યોગીજી મહારાજ ટપાલ લખતા હતા. તેમાં આ વચનામૃત પંચાળા ૪ આ પ્રમાણે વંચાયું, “... પછી મુનિબાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, ‘પ્રથમ તો ભગવાનનો નિશ્ચય હોય ને ભજન-સ્મરણ કરતો હોય અને પછી ભગવાનના મનુષ્યચરિત્ર દેખીને તે નિશ્ચયમાં સંશય થઈ જાય છે તેનું શું કારણ છે?’ પછી એ પ્રશ્નનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામી કરવા લાગ્યા પણ થયો નહીં, ત્યારે શ્રીજીમહારાજ ઝાઝીવાર સુધી વિચારી રહ્યા ને પછી બોલ્યા જે...”

જ્યાં આ પ્રમાણે વચનામૃતનું વાંચન થયું કે તરત જ યોગીજી મહારાજ ટપાલ લખતા અટક્યા અને બોલ્યા, “અહીં મહારાજે મનુષ્યચરિત્ર કર્યું હતું તે ઉપર મુનિબાવે પ્રશ્ન પૂછ્યો હતો. તેથી મહારાજ થોડી વાર વિચાર કરીને બોલ્યા છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૭૯]

 

પ્રસંગ ૨

સં. ૧૯૮૯માં બોચાસણનો સમૈયો કરી શાસ્ત્રીજી મહારાજ હરમાનભાઈના આગ્રહથી ગાના ગામે પધાર્યા હતા. મગનભાઈ નરસિંહભાઈ પટેલ પણ સાથે હતા. અત્રે બે દિવસ રોકાઈ આ બન્ને હરિભક્તો સાથે શાસ્ત્રીજી મહારાજ રાસ ગામે પધારેલા. આ ગામમાં સ્વામી ચાર દિવસ રોકાયેલા. તે દરમ્યાન એક સવારે આ બન્ને હરિભક્તો શાસ્ત્રીજી મહારાજના દર્શને આવ્યા. શાસ્ત્રીજી મહારાજે તેઓને હસતાં હસતાં પૂછ્યું, “રાત્રે બન્નેએ શી શી વાતો કરી હતી?”

આ બન્નેને આશ્ચર્ય થયું, “રાત્રે આપણે બે વાગ્યા સુધી વાતો કરી તે આ શાસ્ત્રીજી મહારાજે શી રીતે જાણ્યું?”

પરંતુ પોતે જે વાતો કરી હતી તે સંબંધી શાસ્ત્રીજી મહારાજને કાંઈ જણાવવું નહીં અને શાસ્ત્રીજી મહારાજ સ્વયં જો તે વાત કહી દે તો તેમના દ્વારા શ્રીજીમહારાજ પ્રગટ છે તે નિશ્ચય તેમને દૃઢ થાય.

ત્યારે શાસ્ત્રીજી મહારાજ સ્નેહસૂચક દૃષ્ટિ કરી બોલ્યા, “ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપના નિર્ણય બાબતમાં જે તમોને શંકા રહે છે તે આજે કાઢવી છે.” એમ કહી શાસ્ત્રીજી મહારાજે વચનામૃતનો ચોપડો મંગાવ્યો અને આ વચનામૃત પંચાળા ૪ વંચાવી વાતો કરતાં કહેલું, “ભગવાન અને સંતની રીત સદા એકસરખી જ હોય છે. તેમને ઓળખીને તેમને વિષે જોડાઈ જવું એ જ કલ્યાણનું અસાધારણ સાધન છે.”

આ રીતે આ બંને ભક્તોને વચનામૃત પંચાળા ૪ સમજાવીને ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપની દૃઢ નિષ્ઠા શાસ્ત્રીજી મહારાજે કરાવી દીધી.

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૬૩૫]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ