વચનામૃત પ્રસંગ

પંચાળા ૬

વચનામૃત પંચાળા ૬ સાથે શ્રીજીમહારાજના સર્વોપરીપણાના પ્રતિપાદનની એક ઐતિહાસિક સ્મૃતિ આ રીતે સંકળાયેલી છે.

સં. ૧૯૩૭માં આચાર્ય શ્રીવિહારીલાલજી મહારાજે સદ્‌ગુરુ ભૂમાનંદ સ્વામીના મંડળમાં ભગતજી મહારાજને ફરવા મોકલેલા. લગભગ છ મહિના સુધી ચરોતર પ્રદેશમાં આ મંડળ ભેગા ભગતજી મહારાજે વિચરણ કરેલું.

વિચરણ દરમ્યાન આ મંડળ નડિયાદ આવેલું. અત્રે મંદિરમાં એક દિવસ અવતાર-અવતારીનો પ્રશ્ન નીકળ્યો. કોઈથી બરોબર ઉત્તર થયો નહીં. તેથી ભૂમાનંદ સ્વામીએ કહ્યું, “પ્રાગજી ભગતને બોલાવો. તે ઉત્તર કરશે.” એટલે ભગતજીને સભામાં બોલાવ્યા. તેમણે વચનામૃત પંચાળા ૬ વંચાવતાં વાત કરી:

“આ વચનામૃતમાં શ્રીજીમહારાજે શ્રીકૃષ્ણનું મિષ લઈને પોતાના સ્વરૂપની વાત કરી છે. શ્રીકૃષ્ણ જેવો અવતાર સર્વ શક્તિએ યુક્ત બીજો કોઈ થયો નથી, કારણ કે પોતાની ભિન્ન ભિન્નપણે રહેલી જે સર્વે મૂર્તિઓ, તે સર્વેનો ભાવ પોતાની મૂર્તિને વિષે શ્રીકૃષ્ણ ભગવાને બતાવ્યો. માટે એ અવતાર બહુ જ મોટો થયો છે. તે એવું શાસ્ત્રકારોએ નક્કી કર્યું. કારણ કે પરબ્રહ્મ પુરુષોત્તમ – તેમનું સ્વરૂપ, બળ, ઐશ્વર્ય, કાંતિ, વીર્ય, ઓજસ વગેરે લક્ષણોનું જે વર્ણન શાસ્ત્રમાં કર્યું છે અને વેદોએ પણ જે સ્વરૂપની સ્તુતિ કરી છે તે પુરુષોત્તમનાં સ્વરૂપ, બળ, ઐશ્વર્ય, કાંતિ, ઓજસ વગેરેનાં દર્શન આ શ્રીકૃષ્ણને વિષે જે કંઈ અંશે દીઠું અને સાંભળ્યું, તેવું બીજી એ અવતારની પૂર્વની મૂર્તિઓને વિષે દીઠું પણ નહીં હોય અને સાંભળ્યું પણ નહીં હોય; તેમ જ તે કાળમાં પણ એવી કોઈ સમર્થ મૂર્તિ નહોતી. તેથી શાસ્ત્રમાં વર્ણન કરેલા પુરુષોત્તમ પરબ્રહ્મ આ શ્રીકૃષ્ણ જ છે એમ સર્વેએ ગાન કર્યું.

“હવે શ્રીજીમહારાજે જે ચરિત્રો કર્યાં અને પોતાની મૂર્તિમાંથી ચોવીસ અવતારની મૂર્તિઓ પ્રગટ કરી પાછી પોતાની મૂર્તિમાં લીન કરી દીધી એવું જે અસાધારણ ઐશ્વર્ય પર્વતભાઈને, સ્વરૂપાનંદ સ્વામીને તથા વ્યાપકાનંદ સ્વામીને બતાવ્યું; તેમ જ મુમુક્ષુજનોને સમાધિ કરાવી પોતપોતાના ઇષ્ટદેવનાં દર્શન પોતે કરાવ્યાં અને સર્વેનાં ધામ દેખાડ્યાં; અને લાખોને નિર્વિષયી કરીને પોતાની મૂર્તિને વિષે જોડી દીધા; એ સર્વે જે મહારાજનાં ચરિત્ર જેણે જેણે પ્રત્યક્ષપણે જોયાં હોય અને મોટા થકી તે સાંભળ્યાં હોય, તેમના વચનમાં વિશ્વાસ લાવીએ ત્યારે આપણને જણાય કે શાસ્ત્રમાં લખ્યા જે પુરુષોત્તમ પરબ્રહ્મનાં સર્વ લક્ષણ શ્રીજીમહારાજને વિષે મૂર્તિમાન દેખાય છે, માટે શ્રીજીમહારાજ એ જ પુરુષોત્તમ પરબ્રહ્મ છે. વળી, મહારાજે શ્રીમુખે આ વચનામૃતમાં આગળ કહ્યું છે કે અવતાર (શ્રીકૃષ્ણનો) સર્વોપરી વર્તે છે અને બીજા અવતારે કરીને થોડી શક્તિ જણાવી છે ને આ અવતારે (મહારાજના) કરીને સંપૂર્ણ ઐશ્વર્યશક્તિ જણાવી. માટે આ અવતાર મહારાજનો સર્વોત્કૃષ્ટપણે વર્તે છે. એવી રીતે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણના સ્વરૂપમાં દૃઢ મતિ રાખવી. આ અવતાર જ સર્વોપરી છે અને સંપૂર્ણ ઐશ્વર્ય આ અવતારે જ બતાવ્યું છે. માટે શ્રીજીમહારાજ એ જ સર્વોપરી અને સર્વ અવતારમાત્રના કારણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે.”

[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત: ૧૮૦]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ