વચનામૃત પ્રસંગ

ગઢડા મધ્ય ૧૩

પ્રસંગ ૧

સં. ૧૯૫૩, જૂનાગઢ. એક વખત શાસ્ત્રીજી મહારાજે ભગતજીને પ્રશ્ન પૂછ્યો, “બ્રહ્મરૂપ થયેલા સંતનાં જે દર્શન તે ભગવાનનાં દર્શન તુલ્ય છે – એમ વચનામૃતમાં ઘણે ઠેકાણે કહ્યું છે, ત્યારે એવા સંતનાં દર્શન થયા પછી એને આત્મામાં સ્થિતિ કરી દર્શન પામવાની શી જરૂર છે?”

સ્વામીશ્રીનો આ પ્રશ્ન સાંભળીને ભગતજી બે ઘડી તો તેમના તરફ કરુણાદૃષ્ટિએ જોઈ રહ્યા અને પછી વાત કરી, “સાધુરામ! એ જે બહાર દર્શન થાય છે તે તો અનંત જન્મનાં સાધનના ફળરૂપે થાય છે. પરંતુ એ મૂર્તિને આત્મામાં પ્રગટ કરી અને તેના જ સામી દૃષ્ટિ અખંડ રહે એ સિદ્ધદશા છે. શ્રીજીમહારાજે પણ મોટેરા મોટેરા મુક્તોને કેમ વર્તવું જોઈએ તે વાત કરતાં કહ્યું, ‘જ્યારે ઇન્દ્રિયો-અંતઃકરણની જે વૃત્તિ છે તે પાછી વળીને સદા હૃદયને વિષે જે આકાશ તેને વિષે વર્તે છે, ત્યારે તે અતિ પ્રકાશમાન તેજને વિષે ભગવાનની મૂર્તિ દેખાય છે.’ એવી રીતે ઇન્દ્રિયોની વૃત્તિઓ પ્રતિલોમ થઈને મૂર્તિને વિષે અખંડ રહે ત્યારે સિદ્ધદશા થઈ કહેવાય.

“શ્રીજીમહારાજે આ જ વચનામૃતમાં આગળ કહ્યું છે, ‘એ સ્વરૂપને તમે પણ દેખો છો. પણ તમારા પરિપૂર્ણ સમજ્યામાં આવતું નથી.’ એટલે એ સ્વરૂપને દેખ્યું એટલે યથાર્થ સમજાયું એમ ન માનવું. જ્યારે એ સ્વરૂપ અંતરમાં પરિપૂર્ણ દેખાશે ત્યારે જ ઇન્દ્રિયોની વૃત્તિઓની બાહ્યવૃત્તિ ટળી જશે અને અખંડ અંતર્દૃષ્ટિ વર્તશે. એને સાક્ષાત્કારની સ્થિતિ કહીએ. મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, ‘બ્રહ્મ થઈ પરબ્રહ્મને જુએ તે જાણે રે.’

“આમાં પણ એ પ્રગટ મૂર્તિને પોતાના અંતરમાં જે જુએ તે જ તેને યથાર્થ જાણે તેમ કહ્યું છે. માટે દેહ છતાં કે દેહ મૂકીને પણ, એ સ્થિતિ કર્યે જ છૂટકો છે. એવી સ્થિતિવાળા કૃપાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે હતા.”

એટલી વાત કરીને પછી બોલ્યા, “શાસ્ત્રવાદીઓ અથવા પંડિતોમાં કોઈકને જ આ વાત સમજ્યામાં આવે છે. બીજાને તો ગમ જ પડતી નથી. માટે આપણે તો ‘મહાજનો યેન ગતઃ સ પન્થાઃ’ એમ કરવું. મોટાપુરુષના વચનમાં વિશ્વાસ એ જ મોટામાં મોટું સાધન સાક્ષાત્કાર સ્થિતિ પામવાનું છે.” એટલી વાત કરીને ભગતજી પોતાને ઉતારે પધાર્યા.

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૧૮૬]

 

પ્રસંગ ૨

ગુણાતીતાનંદ સ્વામી કહે, “સ્વપ્નમાં ગોપાળાનંદ સ્વામીને મહારાજે કહ્યું જે, ‘જો અમારું પુરુષોત્તમપણું નહીં પ્રવર્તાવો, તો આ ને આ દેહમાં હજાર વર્ષ સુધી રાખશું.’” પછી સ્વામી કહે, “મુને પણ મહારાજે કહ્યું હતું. ને ખરડામાંથી પણ જાણ્યું. ને મોર્યથી પણ જાણતા હતા. તે મેં ઉઘાડી વાત સભામાં કરવા માંડી. ત્યારે સાધુ સૌ કહે, ‘તુને કોણે કહ્યું છે જે, તું કહે છે.’ ત્યારે મેં કહ્યું જે, ‘સ્વામિનારાયણે કહ્યું છે. બીજો કોણ કહેશે?’ ને મહારાજે મધ્યના નવમાં વચનામૃતમાં, સાંખ્યાદિકનામાં (વચનામૃત ગઢડા અંત્ય ૩૮), તેજનામાં (વચનામૃત ગઢડા મધ્ય ૧૩) ને લોયાના ચૌદનામાં એ આદિક ઘણાકમાં કહ્યું છે.”

[સ્વામીની વાતો: ૬/૩૨]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ