વચનામૃત પ્રસંગ

ગઢડા મધ્ય ૨૨

પ્રસંગ ૧

પ્રમુખસ્વામી મહારાજે કોઠ્ય પાસે ગણેશધોળકાની રાણ્યોમાં મહારાજના પ્રસાદી-સ્થાનનાં દર્શન કરીને તા. ૮/૧૨/૧૯૯૦ના રોજ સીધા અમદાવાદ પધાર્યા ત્યારે શ્રીજીમહારાજે ગણેશધોળકાની રાણ્યોમાં આપેલો વિચાર જે, “અમે કાંકરિયે તળાવ ઊતર્યા નહોતા ને મેળો પણ ભરાયો નહોતો,” તેને સંભારીને સ્વામીશ્રીએ સભામાં વાત કરી, “અમદાવાદના પ્રસંગ દ્વારા મહારાજે બ્રહ્માંડના બધા (મનુષ્યો) માટે સુખિયા થવાનો વિચાર આપ્યો છે. તેથી સુખ-શાંતિ રહે ને કામમાં સરળતા થાય.”

[ચલો ચલેં હમ અક્ષરધામ: ૧૫૯]

 

પ્રસંગ ૨: મહારાજે ગ્રહેલો સંકલ્પ-મંદવાડ આજે પૂરો થાય છે

વૈશાખ સુદ ૭ ને ગુરુવાર, તા. ૧૦-૫-’૬૨, પ્રતિષ્ઠાનો મંગળ દિવસ આવી પહોંચ્યો. વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શહેરના તેમજ બહારગામના ભક્તો મંદિરમાં ઉલ્લાસપૂર્વક આવી રહ્યા હતા. મંદિર અને સમગ્ર સભા સ્થળમાં ભારે માનવ-મહેરામણ ઊમટ્યો હતો.

શરણાઈઓના મંગલ સૂરો વચ્ચે અને વેદિયા બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે, મૂર્તિઓનો પ્રતિષ્ઠા વિધિ શરૂ થઈ ગયો હતો. મધ્ય મંદિરમાં પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી તથા મહામુક્ત ગોપાળાનંદ સ્વામીની સંપ્રદાયમાં સૌ પ્રથમ વાર આરસની સુંદર પ્રતિમાઓ શોભતી હતી. ઉત્તર દેરામાં પંચધાતુની હરિકૃષ્ણ મહારાજની કમનીય મૂર્તિ સાથે રાધાકૃષ્ણદેવ, દક્ષિણ દેરામાં સુખશય્યા અને લાલજી. મંદિર પ્રવેશની બે બાજુના દેરામાં ગણપતિ તથા શાસ્ત્રીજી મહારાજની પ્રસાદીના હનુમાનજી. આમ, મૂર્તિઓ ગોઠવાઈ ગઈ હતી. ઉમરેઠના વિદ્વાન વિપ્રો કરુણાશંકર શુક્લ, વડોદરાના શંકરપ્રસાદ પાઠક તથા અમદાવાદના ચીમનલાલ શાસ્ત્રી વિધિપૂર્વક મૂર્તિઓની પ્રતિષ્ઠા વિધિ કરાવી રહ્યા હતા.

સંપ્રદાયમાં બેનમૂન કહી શકાય એવી મહારાજની અદ્‌ભુત આરસ પ્રતિમાની ન્યાસ વિધિ કરતા સ્વામીશ્રી મૂર્તિ સામું વારંવાર નીરખી રહ્યા હતા. મૂર્તિ મરક મરક હસી રહી હતી. પોતાના અક્ષરધામ સાથે મહારાજ આજે શ્રીનગરમાં બિરાજી રહ્યા હતા. શ્રીજીમહારાજે સૌ પ્રથમ અમદાવાદનું મંદિર કર્યું, પણ લોકમાં મળતું આવે એ રીતે ભરતખંડના ભોમિયા નરનારાયણ દેવને પધરાવ્યા. કાંકરિયે અલૌકિક સમૈયો ભરાયો. લોકમાં સ્વામિનારાયણને બદલે નરનારાયણ દેવનો સર્વત્ર જયજયકાર થઈ રહ્યો.

પણ પછી મહારાજે ચરિત્ર કર્યું. શરીરે મંદવાડ ગ્રહણ કર્યો. ગામ કોઠ પાસે ગણેશ ધોળકાની રાણ્યોમાં જઈને રાત રહ્યા. તે દેહની સ્મૃતિ રહી નહિ. વિચારમાં સર્વે પ્રવૃત્તિને વિસારી મેલીને, ‘કાંકરિયે મેળો ભરાયો જ નહોતો,’ તેવી રીતે સર્વે ઘાટ ટાળી નાખ્યા. તે ઘાટ કયા? તો મહારાજને થયું કે આ લોકમાં અમે આવ્યા પણ કોઈ અમને ઓળખી શક્યું નહિ, અને અમને મૂકીને આ લોકનાં અન્ય સ્વરૂપોમાં સૌ ચોંટી ગયા. મહારાજે ગ્રહણ કરેલો સંકલ્પનો મંદવાડ, અમદાવાદમાં અક્ષરે સહિત પૂર્ણ પુરુષોત્તમ નારાયણની મધ્ય મંદિરમાં થતી પ્રતિષ્ઠાથી, ખરેખર તો આજે સમાપ્ત થતો હતો! કદાચ એટલે જ મહારાજ મંદ મંદ સ્મિત કરતા, સ્વામીશ્રીની સેવા ગ્રહણ કરતા, આનંદપૂર્ણ મસ્તીમાં પ્રતિષ્ઠિત થઈ રહ્યા હતા. આજનો શાહીબાગનો ‘મેળો’ મહારાજને ગમી ગયો હતો. કારણ, સર્વત્ર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના અક્ષરે સહિત પુરુષોત્તમ નારાયણના ગગનભેદી જયનાદો થઈ રહ્યા હતા. એટલે જ, આ કાંકરિયાનો મેળો મટીને આજે પુરુષોત્તમ નારાયણનો શાહીબાગનો ‘શાહી મહોત્સવ’ બની રહ્યો હતો.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૩૩૨]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ