વચનામૃત પ્રસંગ

ગઢડા મધ્ય ૪૫

સં. ૧૯૧૯ના ચૈત્ર સુદ પૂનમના સમૈયા માટે ગુણાતીતાનંદ સ્વામી વરતાલ જવા નીકળ્યા અને ગોંડળ પધાર્યા. ગોંડળ એક દિવસ રહીને સ્વામીશ્રી ત્યાંથી નીકળ્યા અને ઘોઘાવદર પધાર્યા. અહીં નદીને કાંઠે શિવના મંદિરમાં સ્વામીશ્રી ઊતર્યા. બપોરે થોડો આરામ કરતાં કરતાં જાગા ભક્ત પાસે વચનામૃત વંચાવતા હતા. તેમાં જાગા ભક્ત ગઢડા પ્રથમ ૨૩, ગઢડા મધ્ય ૩૦, ૪૫, અમદાવાદ ૨, ૩ આ પાંચ વચનામૃત વાંચ્યાં. તે સાંભળી સ્વામીશ્રી અતિશય રાજી થયા. પછી સ્વામી બોલ્યા, “અહો, આ વચનામૃત તો જાણે સાંભળ્યા જ નહોતાં.” એમ કહીને બોલ્યા, “એ વચનામૃત ફરીથી વાંચો.” એટલે જાગા ભક્તે ફરીથી વાંચ્યાં.

ત્યારે સ્વામી બોલ્યા, “આ વચનામૃત સાંભળતાં એમ જણાણું જે, કોટિ કલ્પ સુધી એમ કર્યા વિના છૂટકો નથી. તે આપણે તો કર્યા વિના છૂટકો નથી, પણ આચાર્ય હોય કે ભગવાનનો પુત્ર હોય કે ઈશ્વર હોય કે નાના-મોટા ભગવાન હોય, તેમને પણ એમ કર્યા વિના છૂટકો નથી. કેમ જે, તે પણ મહારાજનો જ મત છે.” તે ઉપરથી મહારાજના કહેલા શ્લોક બોલ્યા જે, ‘નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ ।’ તથા ‘બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાઙ્ક્ષતિ ॥’ તથા ‘પરિનિષ્ઠિતોઽપિ નૈર્ગુણ્યે’ તથા ‘આત્મારામાશ્ચ મુનયો ।’ એવા એવા ઘણા શ્લોકો બોલીને સ્વામીશ્રીએ કહ્યું, “આવો થાય ત્યારે તેના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે.” એમ કહીને બહુ જ વાત કરી. પછી જાગા ભક્ત સામું જોઈને બોલ્યા, “તમારે મૂર્તિ તો છે પણ મંદિર વિના પધરાવશો ક્યાં? માટે ભગવાન પધરાવવા હોય તો આમાં કહ્યું એવું મંદિર કરવા શીખો, તો ભગવાન રહે.” એમ કહીને વાત કરી, “આ જૂનાગઢનું મંદિર કરાવ્યું ત્યારે અમે સાધુઓને મૂર્તિઓ લેવા ડુંગરપુર મોકલ્યા હતા. ત્યાં સલાટે તેમને પૂછ્યું, ‘કેવી મૂર્તિઓ કાઢી આપું?’ ત્યારે સાધુઓએ કહ્યું, ‘આ નકશા પ્રમાણે કાઢી આપો.’ એટલે સલાટે કહ્યું, ‘લાખો રૂપિયાનું મંદિર હોય તો આવી મૂર્તિઓ શોભે.’ પછી સાધુઓએ કહ્યું, ‘મંદિર પ્રમાણે જ મૂર્તિઓ લેવા આવ્યા છીએ.’ ત્યારે સલાટે કહ્યું, ‘તો કાઢી આપું.’ પછી સલાટે નકશા પ્રમાણે મૂર્તિયું કાઢી આપી.”

એમ કહી સ્વામીશ્રી બોલ્યા, “સલાટ પણ એટલું સમજ્યો જે બહુ ભારે મંદિર કર્યું છે. માટે આ વચનામૃતમાં કહ્યું છે તે પ્રમાણે મંદિર કરવા શીખો. માટે પુરુષોત્તમ પધરાવવા હોય તો બ્રહ્મરૂપ થાવું.” એમ કહીને ઊઠ્યા. પછી જાગા ભક્તનું કાંડું ઝાલીને ચાલતાં ચાલતાં તેમને કહ્યું, “ખબરદાર, જો સંકલ્પ કર્યા છે તો!” એટલે તેમના સંકલ્પ બંધ થઈ ગયા.

પછી સ્વામી બોલ્યા, “જો આમ ને આમ રહેવાય તો સંશયગ્રંથિ, કર્મગ્રંથિ, ઇચ્છાગ્રંથિ, મમત્વગ્રંથિ, હૃદયગ્રંથિ ને અહંગ્રંથિ આદિક અનેક પ્રકારની ગ્રંથિઓ નાશ પામી જાય છે ને નિરંતર ભગવાનમાં રહેવાય છે.”

[સ્વામીની વાતો: ૩/૧૩]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ