વચનામૃત પ્રસંગ

ગઢડા પ્રથમ ૨૭

પ્રસંગ ૧

ભગતજી મહારાજના જીવનચરિત્ર સાથે સંકળાયેલી અન્ય એક ઐતિહાસિક તવારીખ પણ આ વચનામૃત ગઢડા પ્રથમ ૨૭ સાથે સંબંધ ધરાવે છે. તેની વિગત આ મુજબ છે:

પ્રાગજી ભક્તનો સમાગમ કરવાને કારણે સં. ૧૯૫૪માં કાર્તિક સુદ એકાદશીના સમૈયા પ્રસંગે વરતાલની સભામાં નિર્ણય લેવાયેલો કે: “વિજ્ઞાનદાસજી, કેશવપ્રસાદદાસજી, યજ્ઞપુરુષદાસજી, નારાયણચરણદાસજી, પુરુષોત્તમદાસજી, કોઠારી બેચર ભગત, નાથા ભગત, શંકર ભગત વગેરેને બહિષ્કૃત કરવા.” આ નિર્ણયથી ઉપરોક્ત સંતમંડળ તે દિવસે વરતાલથી નીકળેલું. ફરતાં ફરતાં તેઓ મહુવા પહોંચેલા. તે વખતે મહુવાના હરિભક્તો વિઠ્ઠલભાઈ, ફૂલચંદભાઈ, દામા શેઠ વગેરેને થયું કે: “પ્રાગજી ભગતના મહિમાના પ્રચારથી આ સંતોને વરતાલ છોડવું પડ્યું તો આ સંતો પ્રાગજી ભગતને શું સમજે છે?”

આ જિજ્ઞાસાથી ફૂલચંદભાઈએ બેચર ભગતને પૂછ્યું, “તમે આ પ્રાગજી ભગતમાં શું દીઠું છે તે અમને કહો.” તે વખતે નારાયણચરણદાસે કહેલું, “પ્રથમ ૨૭ના વચનામૃતમાં સત્પુરુષનાં લક્ષણવાળાનો જે મહિમા કહ્યો છે તેવા લક્ષણવાળા ભગતજીને અમે જાણીએ છીએ.”

તે સમયે ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજ સમક્ષ આંગળી ચીંધીને કહેલું, “આ નાના સાધુ જેવું છે તેવું કહેશે. માટે તેમને પૂછો.” અને એ વખતે શાસ્ત્રીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમ ૨૭ના આધારે ભગતજી મહારાજની એકાંતિક સ્થિતિનું અદ્‌ભુત નિરૂપણ કરી સૌને દંગ કરી દીધેલા.

[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત: ૨૪૮]

 

પ્રસંગ ૨

સં. ૧૯૫૨, ગઢડા. જળઝીલણી સમૈયો, બે વાગ્યે ભગતજી મહારાજશ્રીને ઉતારે પધાર્યા. ત્યારે સભામાં વિહારીલાલજી મહારાજ વચનામૃત ગઢડા પ્રથમ ૨૭, ગઢડા અંત્ય ૨૧મું વચનામૃત વંચાવી બોલ્યા, “આ બે વચનામૃત તો ભગતજીને વિષે ઊતરે છે. કારણ, ભગવત્પ્રસાદજી મહારાજ જ્યારે મહુવે ગયા હતા ત્યારે પવિત્રાનંદ સ્વામી ભગતજીનો તિરસ્કાર કરતા, પણ ખરા ઉનાળાના તાપમાં રેતીમાં, તંબુ સામે ભગતજી બેસતા અને સાંજે કથા પછી ઊઠતા. એમ સંતોનાં દર્શન અને કથાવાર્તાની આસક્તિ તો એક એમાં જ દીઠી. તેમની આવી અતિ નિર્માનીપણાની સાધુતાની સ્થિતિ જોઈ સર્વેને નિશ્ચય થયો કે: “આવા પુરુષ તો એ એક જ.” હું પણ એમની સ્થિતિ જોઈ આશ્ચર્ય પામી ગયો, કારણ કે સોનાનો દોરો હોય એ જ છએ ઋતુમાં સરખો રહે અને બીજા તો ઉનાળાના તાપે ઢીલા થઈ જાય. એમ, સત્સંગમાં અપમાનરૂપી ઉનાળાના તાપે કરીને તો જે એવી સ્થિતિવાળા હોય તેનું સમું રહે, પણ બીજા તો સત્સંગ મૂકીને ચાલ્યા જાય.” આ સાંભળી ભગતજી કહે, “એ બધું ગુણાતીતાનંદ સ્વામીના પ્રતાપે છે.”

[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત: ૪૩૪]

 

પ્રસંગ ૩

સં. ૧૯૨૮ની સાલમાં વરતાલના હરિકૃષ્ણ મહારાજે ઠાસરાના ગિરધરભાઈને દર્શન દઈ જણાવેલું કે, “પરમ એકાંતિક સત્પુરુષ વર્તમાનકાળે પ્રાગજી ભક્ત છે, તેને સેવો.” સાક્ષાત્ શ્રીજીમહારાજના મુખે આ સાંભળી ગિરધરભાઈ ભગતજી મહારાજનો સમાગમ કરવા સભામંડપમાં આવ્યા. અહીં કથા ચાલુ હતી. તેથી તેઓ છેટે બેસી ગયા. તે જોઈ ભગતજી મહારાજે કહ્યું, “ગિરધરભાઈ! અહીં આગળ બેસો.”

એટલામાં કોઠારી ગોવર્ધનભાઈ ત્યાંથી નીકળ્યા. તેઓએ ભગતજી મહારાજને કહ્યું, “પ્રાગજી! તું જૂનાગઢમાં બાબુલાઓને સમજાવતો હતો, પણ આ ગિરધરભાઈ અહીં બેઠા છે તે તારામાં બંધાય એવા નથી. એ બધે ફરીને જોઈને આવ્યા છે. એનો ઘોડો તું બાંધ તો ખરો.”

આ સાંભળી ભગતજી મહારાજ હસતાં હસતાં બોલ્યા, “કોઠારી મહારાજ! તમારી આજ્ઞા હોય તો તેમને વાતો કરું, પણ પાછળથી મને ઠપકો દેશો નહીં.”

કોઠારીએ નિર્ભય બનીને કહ્યું, “જા, મારી આજ્ઞા છે. ખુશીથી વાતો કર.”

ત્યાર બાદ કોઠારીના ગયા પછી ભગતજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમ ૨૭ ગિરધરભાઈ પાસે જ વંચાવ્યું અને વાતો કરવા લાગ્યા. ભગતજી મહારાજનું કથામૃત સાંભળતાં ગિરધરભાઈએ તેઓનાં ચરણારવિંદ પકડીને સ્તુતિ કરી, “મહારાજ! આજે દૃષ્ટિ કરી છે તેવી સદા રાખશો.”

આમ, ગિરધરભાઈના જીવમાં ભગતજી મહારાજનો મહિમા બેસી ગયો. ગોવર્ધનભાઈ કોઠારીને પણ ભગતજી મહારાજને વિષે અપાર માન થયું. ગિરધરભાઈ હવે ધોળે લૂગડે રહેશે નહીં એમ તેમને ખાતરી થઈ એટલે તેમને અદ્‌ભુતાનંદ સ્વામી પાસે દીક્ષા અપાવી સાધુ કરાવ્યા અને વિજ્ઞાનદાસજી નામ પાડ્યું. તેઓ આગળ જતાં શાસ્ત્રીજી મહારાજના ગુરુભાઈ થયેલા અને મણિ જેવા સાધુ નીવડેલા.

[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત: ૧૭૦]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ