વચનામૃત પ્રસંગ

ગઢડા પ્રથમ ૭૪

૨૫ જાન્યુઆરી, ૧૯૭૪. વહેલી પ્રભાતે પ્રમુખસ્વામી મહારાજની પ્રથમ વિદેશયાત્રા મુંબઈથી પ્રારંભાતી હતી. બરાબર ૧૦:૧૫ વાગ્યે એરઇન્ડિયાનું ‘ગૌરીશંકર’ મહાકાય વિમાન ઊપડ્યું ને જોતજોતામાં અંતરીક્ષમાં અદૃશ્ય થયું. નૈરોબી ઊતર્યું. આફ્રિકાના સેંકડો ભક્તો એરપોર્ટ પર ફૂલહાર લઈને આવ્યા હતા. પરંતુ જાહેરાત થઈ, “પ્રમુખસ્વામીએ ભારત પાછા જવાનું છે. અન્ય ઊતરી શકે છે.” આ સાંભળી સ્વામીશ્રીના અંતરમાં લેશમાત્ર ઝાંખપ આવી નહીં. ફક્ત એટલું જ બોલ્યા, “ભગવાનની જેવી મરજી.” પણ સ્વામીશ્રીને મૂકીને બીજા કેવી રીતે ઊતરી શકે! થોડી વારમાં બીજી જાહેરાત થઈ, “પ્રમુખસ્વામી એન્ડ પાર્ટી – બધાએ આ જ વિમાનમાં પરત જવાનું છે.” સ્વામીશ્રીએ હસતાં હસતાં કહ્યું, “મહારાજની ઇચ્છા એવી જ છે.” બધા સંતો સ્તબ્ધ થઈ ગયા. સૌ હતાશ ચહેરે સૂનમૂન બેસી ગયા. ફક્ત સ્વામીશ્રી સ્થિર હતા. પ્લેનમાં કોઠારી સ્વામી (ભક્તિપ્રિય સ્વામી) જે વિચરણનો અહેવાલ લખતા હતા તેમણે પોતાની ડાયરી સ્વામીશ્રીને આપી. સ્વામીશ્રીએ તેમાં લખ્યું, “મહારાજ, બાપાની મરજી હોય તેમ થાય. માટે રાજી રહેવું. કોઈ પ્રકારનું દુઃખ માનવું નહીં. અક્ષરરૂપ થઈને મહારાજની ભક્તિ કરવી એટલે કોઈ દુઃખ ન થાય.”

બીજે દિવસે સવારની કથામાં આ વચનામૃત ગઢડા પ્રથમ ૭૪નું નિરૂપણ કરીને સૌને સમજણની દૃઢતા કરાવતાં કહે, “કર્તા ને હર્તા બેઉ સમજવું. કર્તા સમજાય, હર્તા ન સમજાય... આવું થાય ત્યારે કહે છે એ કેમ કર્યું? એવું શું કરવા કર્યું? એમ થઈ જાય... એમની ઇચ્છા હોય તેમ થઈ જાય પછી આપણને દુઃખ શાનું? પછી આપણને આનંદ થવો જોઈએ બધી વાતે... જે થવાનું તે સારું જ થવાનું... ગમે તેમ થાય તોય આપણે સારું જ છે. મહારાજનું કર્તવ્ય સમજીને રાજી જ રહેવાનું... ત્યાં ઘૂસ્યા પછી ઉપાધિ થવાની હોય એના કરતાં હારા હમા (સારા સમા) આવી ગયા એ શું ખોટું થયું. એના કરતાં હાજા હમા (સાજા સમા) આવીને બેઠા છે, આનંદ છે લો, ઘડી બે ઘડી કોઈને કહેવું હશે તો કહી દેશે. આપણું શું લઈ જવાના છે?.. માટે આપણે તો બેફિકર જ રહેવું. આનંદ માણવો... અમથું તો સૌ જ્ઞાનની વાત કરી જાય પણ જ્યારે રેલો (પગ) નીચે આવે ત્યારે ખબર પડે.” આમ સ્વામીશ્રીએ સૌને આ વચનામૃતના નિરૂપણ દ્વારા સૌને કર્તાપણાની સમજણ દૃઢાવી આનંદમાં તરબતર કરી દીધા અને પાછા ફર્યાનું દુઃખ સાવ વિસરાવી દીધું.

[પરાભક્તિ: ૯૦]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ