॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૨૮: જીવનદોરીનું, દયાળુ પ્રકૃતિનું

નિરૂપણ

તા. ૧૬/૧/૧૯૫૮, રાજકોટ. સવારે ૭:૪૫ વાગે ગઢડા મધ્ય ૨૮મું વચનામૃત વંચાવી યોગીજી મહારાજ બોલ્યા, “આ વચનામૃતમાં મહારાજે કહ્યું છે: ‘ભગવાનના ભક્તનો અભાવ ન આવવા દેવો ને અવગુણ ન લેવો.’ અભાવ, અવગુણ તે શું? ક્યાંથી આવતા હશે? અંતરમાંથી આવે છે કે બહારના સંગથી આવે છે?”

પછી પોતે જ ઉત્તર કર્યો, “અભાવ એટલે કોઈક હરિભક્તથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય, અગર કાંઈ થોડું બન્યું હોય, તેનો ફજેતો કરે અને વિસ્તારથી બીજાને સંભળાવે, એનું નામ અભાવ; અને જે એમ કરે તેને એ હરિભક્ત દીઠો ન ગમે અને આંટી પડે. હવે અવગુણ એટલે કાંઈ દોષ ન હોય ને આઘુંપાછું ન કરતો હોય, તેનામાં પણ દોષ કહે તે અવગુણ.

“આસુરી જીવના હૃદયમાં તો અભાવ, અવગુણ વસેલા જ હોય; અને બીજાને તો આવે અને ટળી જાય, એ મનની અસ્થિરતા છે. કોઈનું વાંકુ સાંભળે તો પંડે જોયું ન હોય તો પણ હૈયામાં ગરી જાય; અને ઝાઝો કુસંગ કરે તો હડકાયા કૂતરાની લાળથી જેમ હડકવા ચાલે અને મોત થાય, તેમ જીવ નાશ પામે, એટલે આસુરીભાવને પામી જાય.

“મોટાપુરુષ એક વાર કહે, ‘આ નિર્દોષ છે’ અને એ વચન જો મનાઈ જાય, તો એમ કરતે કરતે બુદ્ધિ સ્થિર થઈ જાય, દિવ્યભાવ આવે અને સેવા કરવી ગમે. પણ મોટાપુરુષ ચાર-પાંચ વાર કહે ને કરે, તેમાં શું વળે? મોટાનો મત એ જ છે અને શ્રીજીમહારાજે પણ પાને પાને કહ્યું છે જે, અભાવ અવગુણમાં પડશો નહીં. પછી આપણને જોવાનો અધિકાર જ નથી. મહારાજ પંડે પણ જોતા નથી. માટે એ બારી જ બંધ કરવી. આ જો જીવનદોરીનું વચનામૃત છે. દોરી તૂટે તો મોત થશે. જેમ નાડી તૂટે તો દેહનું મોત થાય છે, તેમ આ જીવનું મોત સમજવું.

“જ્યાં સુધી સાધનનું બળ છે ત્યાં સુધી અભાવ-અવગુણ રહ્યા કરે છે. જો મહારાજનું બળ હોય તો અભાવ-અવગુણ આવે જ નહીં. કોઈ વધારે જમતો હોય અને આપણે ત્યાગ રાખતા હોઇએ તો તે ના જોવું.

“મહારાજ કહે – જો કોઈ અમારી અખંડ ભક્તિ કરતો હોય, પણ જો કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલતો હોય, તો એવા ભક્ત ઉપર હેત રાખવા જાઉં, ભેટવા માટે અંતર ઊભરાઈ આવે, તો પણ એમ થાય જે, ‘જવા દે, ટાઢે કોઠે બલા છે! શું મોઢું જોઉં!’ એટલો બધો અભાવ અમને આવી જાય છે. કોઈ કાન ભરવા આવે તે હું ન સાંભળું, પણ હું જાતે જોઉં અને તે પણ ઝાઝા દિવસ સુધી, ત્યારે અવગુણ આવે છે.

“આપણે તો નાના-મોટા જોયા સિવાય સેવા કરવા મંડી પડવું. મહારાજે સેવા જ બતાવી છે. ઉકાખાચરની જેમ સેવાનું વ્યસન પાડી દેવું. વ્યસન નહીં પડે ત્યાં સુધી સેવા ગમશે નહીં. મનના ભુક્કા બોલાવવા, ત્યાં સુધી મંડી પડવું. મરજી જાણીને એક વાર કહ્યે મંડી પડે તે ઉત્તમ. તો ધામમાં જ બેઠો છે. અમારી પાસે જ છે. એમ મહારાજ કહે છે. વૈતરું ન કરવું, પણ સેવા કર કર કરવી. એ અખંડ રાજીપાનું સાધન છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૩૨૮]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * યોગીગીતા મર્મ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase