॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વરતાલ-૧: નિર્વિકલ્પ સમાધિનું

નિરૂપણ

એની રીતે રીત

ભક્તો સાથે ઓતપ્રોત સ્વામીશ્રી ભાવનગરથી વિદાય લઈ ધોલેરા, સારંગપુર થઈને જાળીલા પહોંચ્યા. અહીં તા. ૧૫/૭ના રોજ મંદિરનું ખાતમુહૂર્ત કરી ગોંડલ પધારી ગયા.

અત્રેથી તેઓ તા. ૧૮/૭ના એક દિવસ માટે રાજકોટ પહોંચેલા. ત્યાં રાત્રે સભામાં વરતાલ પ્રકરણના પહેલા વચનામૃતનું રસપાન કરાવતાં તેઓના મુખેથી જોશ, જોમ અને જુસ્સાની ત્રિવેણી પ્રગટી ગયેલી. પરાવાણીના આ પ્રયાગમાં સૌને સ્નાન કરાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું:

“આપણે નક્કી કર્યું કે: ‘આ આંબાનું ઝાડ છે,’ પછી સંશય થાય? એમ આપણે એવા પુરુષને સેવ્યા છે. પછી મતિમાં ડગમગાટ કેમ થાય? નાના-મોટા તમામ સંતો-હરિભક્તોને દિવ્યભાવની જ વાત કરવાની હોય. મોળી વાત તો મોઢામાંથી નીકળવી જ ન જોઈએ. હવે પહેલાં જેવો ભીડો ક્યાં છે? અત્યારે ભજન, ભક્તિ, કથા-વાર્તા, આરતી, સેવા વગેરે કરીને આનંદમાં દિવસો પસાર કરવાના છે. આવું સાનુકૂળ છે તોય દુનિયાપારના વિચારો આવે, અંદર-અંદર મેળ ન રહે, સંપ-સુહૃદભાવ રાખીને ભગવાન ભજાય નહીં. ટૂંકા વિચાર કરીને બેસી રહીએ તે કેટલી ખોટ કહેવાય? મહારાજને રાજી કરવા એક જ નિશ્ચય રાખવો કે આ ધડ જુદું થાય તો પણ આ મળ્યા છે તેને મૂકવા નથી.

“શાસ્ત્રીજી મહારાજના વખતમાં પણ સંતોએ મનમુખી ક્રિયા બંધ કરી દીધી હતી. શાસ્ત્રીજી મહારાજ કહે તેમ જ તેમનો દેહ વળતો. બોચાસણના ભક્તિવલ્લભદાસે કોદાળો અને ત્રિકમ લઈને કારખાનામાં પણ સેવા કરી. વળી, કોઠાર પણ કર્યો, ભંડાર કર્યો, ઝોળી માંગી, ગામડે ગામડે ફર્યા, પણ એમ નહીં કે: ‘મને કોઠારી કર્યો ને હવે ઝોળી માંગવી પડશે?’ એવા તો શબ્દોય ન નીકળ્યા.

“કોઠારી અક્ષરસ્વરૂપદાસનું પણ એકધારું જીવન. ખાવાનું મળ્યું – ન મળ્યું, ભૂખ-તરસ, ટાઢ-તડકો, સુખ-દુઃખ બધું વેઠીને પણ શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા એવો જ એક વિચાર. અહીં ગોંડળમાં કોઠારી તરીકે મૂક્યા તો પૂજારીનું કામ કરે, શણગાર કરે, કોઠારમાં સેવા કરે, વાસણ ઘસે, રસોડામાં રોટલા કરવા પણ જાય, અને પછી નવરા પડે ત્યારે કોઠારની ઑફિસમાં પણ જાય. સાત કામમાં કડીતોડ સેવા કરે. એ જ રુચિ કે: ‘સ્વામી કેમ રાજી થાય?’

“આ તો એક સેવા કરતા હોય ને બીજી બતાવીએ તો કહે, ‘મારાથી આમ નહીં થાય, ફલાણું નહીં થાય, ઢીકણું નહીં થાય, આ કામ કરું છું, અહીં જવાનું છે.’ એવાં હજાર બા’નાં કાઢે; તો પછી જોગી મહારાજને સેવ્યા કે તેમની ભેગા રહ્યા, તેમની વાતો સાંભળી તેમાં શું સમજ્યા? તેમના જેવું આપણું જીવન થવું જ જોઈએ.

“જોગી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ જો આપણી જેમ ટૂંકા વિચારો કરી બેસી રહ્યા હોત, એક ઝૂંપડામાં રહ્યા હોત, તો તેમને કાંઈ મોક્ષમાં અધૂરું હતું? એમને કલ્યાણમાં કાંઈ ખામી આવવાની હતી? પરંતુ તેમના તો મહાન વિચારો. ‘આ જગતમાં આ સત્સંગ પ્રવર્તાવવો છે’ એમ ધારી મંડી જ પડ્યા અને મહેનત કરી તો કેવાં ભવ્ય મંદિરો થઈ ગયાં!

“આજે ખૂણે ખૂણે જોગી મહારાજનું નામ ગાજતું થયું છે. એમનો ઝંડો ભારતના કયા ખૂણામાં નથી? તેમના આપણે બધા શિષ્યો. આપણા મોઢામાંથી મોળી વાત તો નીકળવી જ ન જોઈએ. એમાં તો જોગી મહારાજને ઝાંખપ આવે. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજનો જોટો ભારતમાં તો શું, પણ દુનિયાના કોઈ ખૂણે મળવાનો નથી. તેમના સંબંધનો કેટલો કેફ હોવો જોઈએ!

“જોગીબાપા પાછળ બધું ગયું? ના, બધું જ છે. કેટલું બધું ખેડી ગયા છે! તેમને સંભારીને, સાચવીને બેસી રહેશું તોય બસ છે. તમારે ક્યાં નવો ખેલ ખેલવાનો છે? જે છે એને જાળવી રાખવાનું છે અને સૌને સમાસ થાય, બળ મળે, ટકી રહેવાય તેવી જ વાત કરવાની છે. એ સિવાય નવરાશ મળે તો માળા ફેરવો, વચનામૃત વાંચો, ભજન-ભક્તિ, સેવા, કીર્તન કર્યા કરો ને! પણ બેસીને ગપ્પાં મારવાં, અલક-મલકની વાતો કરવી, ‘આ આવો, ફલાણો આવો,’ એમ બીજાની પંચાત કરવાની આપણે શી જરૂર છે? આપણે આપણું સંભાળવું. આપણા ઉપર જ બધી વાત લાવો, તો દુઃખમાત્ર ટળી જશે.

“જગતમાં કેટલાય જન્મોમાં મા-બાપ અને દીકરી વગેરે કુટુંબીઓ માટે નાક-કાન કપાવ્યાં છે અને તેમના સારુ સુખ-દુઃખ વેઠીને કેટલાય જન્મો ધર્યા, તો આ વખતે આ દેહ ભગવાન સ્વામિનારાયણ લેખે, શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજ લેખે કરી નાંખવો એમ નક્કી જ રાખવું. કામ થાય, સેવા થાય તેટલી કરો, પણ જો ન થાય તો બેસી જગતનાં ગપ્પાં મારી બીજાના અંતરમાં જગત ઘાલશો નહીં. બીજાને આ માર્ગેથી મોળા પાડશો નહીં. તેમાં જોગીબાપા રાજી નહીં થાય અને ઊલટું આપણા જીવનું બગડશે. જોગી મહારાજ અને શાસ્ત્રી મહારાજના કાર્યને ઝાંખપ લાગે એવું કાર્ય કોઈ કરશો નહીં, એવી વાત કોઈ કરશો નહીં, એવો સંકલ્પ પણ ન થવો જોઈએ. ત્યારે આપણે જોગી મહારાજના શિષ્ય સાચા!

“એમના દિવ્ય કાર્યને આપણે બધા ભેગા મળીને શોભાડીશું તો જગતમાં સૌને સત્સંગ સમજાશે. આજે ભારતભરમાં ‘યોગીજી મહારાજ’ ‘યોગીજી મહારાજ’ એમ થઈ રહ્યું છે, તો આપણે કૂબામાં બેસીને ખોદવાનું? એવી ક્ષુલ્લકતા છોડી દો. જાઓ, ફરો, મોટાપુરુષની આજ્ઞાએ દરેક કાર્ય કરો. આ સત્સંગ વાતોથી અને સેવાથી વધ્યો છે. યોગીબાપાએ પહેલાં યુવક મંડળો સ્થાપવાની પત્તાં લખવાથી શરૂઆત કરી. પણ જો તેમણે મોળું ધાર્યું હોત કે: ‘આમાં શું યુવક મંડળો થાય? શું સત્સંગ થાય?’ તો આ કાર્ય વધત? અત્યારે તેનું કેટલું વિશાળ સ્વરૂપ થયું છે! કેટલા યુવકો થઈ ગયા! કેટલાં યુવક મંડળો સ્થપાઈ ગયાં! આઠ દિવસ પહેલાં પરીક્ષા પણ લેવાઈ ગઈ. અમો ભાવનગર ગયા હતા. ત્યાં જોયું તો પરીક્ષામાં પંચાવન વરસનો એક ડોસો પણ બેઠો હતો. તો આપણે શૂરાતન નથી આવતું? સાધુ થયા, સત્સંગી થયા પછી વિચારો બદલાઈ જ જવા જોઈએ.

“મોટાપુરુષોએ જે મર્યાદા બાંધી છે તે રસ્તે આપણે ચાલવું જોઈએ. ભલે ને જગત બદલાય, પણ આપણે ન બદલાવું. ‘એની રીતે રીત, બીજી રીતે બાધ.’ માટે સૌએ એક જ નિશ્ચય કરી નાંખવો. એક જ રુચિ રાખવી કે સંપથી સેવા કરવી છે તો જ આ કાર્ય ઊપડશે.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૧૩૯]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase