॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા મધ્ય-૩૭: સ્વાભાવિક પ્રકૃતિ ટાળ્યાનું, જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે, તેનું
નિરૂપણ
તા. ૧૦/૧/૧૯૬૨, મુંબઈ. બપોરની કથામાં વચનામૃત ગઢડા મધ્ય ૩૭ વંચાવી યોગીજી મહારાજ કહે, “ગીતામાં કહ્યું – જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે છે. આ વચનામૃત આપણે જાત ઉપર નાખવું. કો’કના ઉપર નહીં. શૂરવીર થાવું. જે પ્રકૃતિ-ટેવ પડી હોય તે કાઢી નાખવી. સ્વભાવ મુકાવવા સત્પુરુષ જે ઉપાય કરે તેનો વિશ્વાસ રાખે, ખબર રાખે, તો ફર્સ્ટ પાસ થાય; નહીં તો બે વરસેય પાસ ન થાય. સત્પુરુષ જે કહે તેમ વર્તવું. સત્પુરુષ મૂંગા ન હોય. તે બોલે. બોલ્યામાં વિશ્વાસ રાખવો. શબ્દ ઝીલ્યા કરે એ પ્રીતિ. ગમે તેટલાં દુખવીને કઠણ વચન કહે તોય હિતકારી માને, તો એકેય પ્રકૃતિ ઊભી ન રહે. જેને મોક્ષનો ખપ હોય તેને સારુ આ ઉપાય છે. ‘ગમે તેટલો તિરસ્કાર.’ એમાં માપ આવ્યું? આ કો’કના સારુ વાત છે? આપણા સારુ છે. કોઈ રીતે હૃદયમાં દુઃખ લગાડવું નહીં.
“કઠણ વચન ને તિરસ્કારમાં ફેર શો? તિરસ્કાર એટલે કાઢી મૂકે કે, ‘ભાગી જા! તારું મારે મોઢું જોવું નથી.’ કઠણ વચન એટલે ‘મૂરખ’ કહે. બે વચન સૂણીને હાણ થાય. મૂળજી-કૃષ્ણજીને ધોકાવીને કાઢ્યા, ત્યાં કીર્તન ગાવા લાગ્યા. કેટલી શ્રદ્ધા! મોટાપુરુષનું વચન એ જ ભક્તિ. ત્યાગ-વૈરાગ્ય હોય, છતાં મોટા કહે, ‘જમી લો,’ તો જમી લેવું.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૭૯]