॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૨૭: ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનું

નિરૂપણ

સં. ૧૯૮૫, સારંગપુરમાં સભા પ્રસંગમાં વચનામૃત ગથડા પ્રથમ ૨૭મું વચનામૃત વંચાતું હતું, “પૂર્વે જે જે અનંત પ્રકારનાં આશ્ચર્ય થઈ ગયાં છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે.”

એટલે મુક્તરાજ કુબેરભાઈએ શાસ્ત્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, “દયાળુ! આમાં પ્રત્યક્ષ ભગવાન એટલે શું સમજવું? સૌ પોતપોતાના ગુરુને ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ સમજે છે અને સર્વ તેમને વિષે કર્તાપણું માને છે. તો સર્વકર્તા કોને સમજવા?”

શાસ્ત્રીજી મહારાજ આ પ્રશ્ન સાંભળી કુબેરભાઈ ઉપર અત્યંત પ્રસન્ન થયા અને કહ્યું, “તમારો પ્રશ્ન સત્સંગમાં અનેકની અણસમજણ ટાળી નાખે એવો છે. આ સર્વોપરી સત્સંગમાં દરેક પોતાના ગુરુને સર્વોપરી માની, તેને જ સર્વકર્તા માને છે. એ સમજણમાં શ્રીજીમહારાજ અને સ્વામીનાં સ્વરૂપનો દ્રોહ થાય છે. સર્વકર્તા તો એક મહારાજ જ છે.

મહારાજની ત્રણ શક્તિ છે: કર્તું, અકર્તું અને અન્યથાકર્તું. એ ત્રણ શક્તિમાંથી મહારાજ ફક્ત કર્તું અને અકર્તું શક્તિનો ઉપયોગ જ, પોતાના સંબંધને પામેલા જે સંત, તેમાં પોતે સાક્ષાત્ રહીને, તે દ્વારે કરે છે. પોતાની આ શક્તિના પ્રતાપથી અનંતને પોતાનાં ઐશ્વર્યથી પોતામાં લીન કરી, પોતે જ વિરાટરૂપે વર્તે છે. એવે વખતે ગમે તેવા નાસ્તિક કે પાપના પર્વત જેવા કે કઠણ હૈયાના હોય, તેવા ખારા જીવોને પણ દૃષ્ટિમાગે, પરમ ભક્તની કોટિમાં મૂકી દે છે. આ શક્તિ મહારાજે સ્વામી દ્વારા વાપરી અને સ્વામીએ મહારાજની આ શક્તિના પ્રતાપે, અનંત ખારા જીવોને મીઠા કરી, તેમનું અંતઃકરણ ફેરવી, પોતાની રીતે વર્તાવી દીધા.”

એટલી વાત કરીને તે ઉપર દૃષ્ટાંત આપી વિસ્તારથી સમજાવતાં કહ્યું, “બગસરામાં જૂનું મંદિર હતું તે પાડીને સ્વામીને નવું મંદિર કરવું હતું. તેમાં મંદિરના ચોક વચ્ચે દરજીના ઘરનો ખાંચો હતો, તે લેવાનો હતો, પરંતુ ગામધણી કાઠી દરબાર સત્સંગનો દ્વેષી હતો. વળી, ગામલોકોએ પણ તેને સત્સંગ વિરુદ્ધ ઘણો જ ભરમાવ્યો હતો. એટલે એ ખાંચાની જગ્યા મંદિરને આપવા તેણે ચોખ્ખી ના જ કહી. વળી, આજુબાજુ બ્રાહ્મણોનાં મકાનો હતાં, તે જો મળે તો મંદિર મોટું બને. એટલે તે બ્રાહ્મણોને પણ સાધુઓએ પૂછી જોયું. ત્યારે તેમણે કહ્યું, ‘આ ઘર તો અમને દરબાર તરફથી બક્ષિસ મળ્યાં છે, એટલે દરબારની રજા સિવાય અમારાથી વેચાય જ નહીં.’ દરબાર તો રજા આપે જ નહીં. બે-ત્રણ વખત સાધુનાં જુદાં જુદાં મંડળો દરબાર પાસે ગયાં, પણ દરબારે કુત્સિત શબ્દો બોલી તેમનું અપમાન કર્યું. આમ, કોઈ રીતે આ વાત ઠેકાણે ન પડી.

“છેવટે જનાગઢમાં સ્વામીને સૌએ વાત કરી. ત્યારે સ્વામીએ કહ્યું, ‘તેમના સગા કોઈ સત્સંગી હોય તો તેમની મારફતે દરબારને કહેવરાવો. સગામાં હેત હોય એટલે તેમનું માને.’ આથી તેમના સંબંધી કુંડલાના દરબાર આલા ખુમાણ જે સત્સંગી હતા, તેમના દ્વારા એ દરજીના ઘરનો ખાંચો તથા બ્રાહ્મણોનાં બે-ત્રણ મકાન વેચાણ માગ્યાં; પણ આલા ખુમાણનું પણ દરબારે માન્યું નહીં. આલા ખુમાણે સ્વામીનાં વચને બે-ત્રણ વખત નિર્માની થઈને દરબારને જાતે જઈને કહ્યું, તો પણ દરબારે માન્યું નહીં. એટલે આલા ખુમાણે અંતે બગસરાનું પાણી હરામ કર્યું.

“છેવટે સ્વામી એ તરફ ફરવા નીકળ્યા ત્યારે બગસરા પધાર્યા. જૂના મંદિરમાં ઝોળીઓ ભરાવી, સ્વામી પોતે, બે સાધુ તથા સત્સંગીને લઈને દરબારને મળવા નીકળ્યા. સાધુઓએ ના કહી, ‘સ્વામી! રહેવા દ્યો, દરબાર કુસંગી છે અને અપમાન કરશે.’ ત્યારે સ્વામી કહે, ‘આપણે સાધુને વળી માન-અપમાન શાં? મહારાજને સંભારી કહી જોઈશું. માને તો ઠીક, નહીં તો આપણું શું લઈ જવાના છે?’ એમ કહી દરબારગઢમાં પધાર્યા.

“સ્વામીને જોઈને દરબાર એકદમ નીચે આવ્યા. સ્વામીએ તેમની સામું જોયું અને દૃષ્ટિ કરી ત્યાં દરબારનું અંતઃકરણ એકદમ ફરી ગયું! સ્વામીને દંડવત્ કરીને, હાથ જોડીને તેણે કહ્યું, ‘સ્વામી! માબાપ! આપને શા માટે પધારવું થયું?’ પછી સ્વામીએ મંદિર માટેની જમીનની વાત કરી. ત્યારે તેણે તરત જ કહ્યું, ‘સ્વામી! બ્રાહ્મણોનાં ઘર તો શું પણ આ મારો દરબારગઢ પણ આપને માટે આપું. આપ જેમ કહેશો તેમ કરી આપીશ; પણ આ બાબતમાં મારા સંબંધી આલા ખુમાણે મને બે-ત્રણ વખત કહ્યું અને મેં ઘર આપવાની ના કહી એટલે તેણે મારા ગામનું પાણી હરામ કર્યું છે. હવે તેને બોલાવી તેની રૂબરૂ હું આપને લખાણ કરી આપું, જેથી તેને પણ સંતોષ થાય.’

“સ્વામી તેમના આ વચનથી રાજી થયા અને તેમને આશીર્વાદ આપ્યા. બે-ત્રણ દિવસ બાદ આલા ખુમાણ આવ્યા એટલે તેમની રૂબરૂમાં દરબારે લખાણ કરી દીધું અને ઘર આપ્યાં.

“આમ, જે કામ બીજા કોઈથી ન થયું અને સૌને અશક્ય જેવું જણાતું હતું, તે કામ સ્વામીએ દરબારનું અંતઃકરણ ફેરવી કરી દીધું. અંતઃકરણ ફેરવી પોતાનું ધાર્યું કરાવવાની મહારાજની શક્તિ, સ્વામી જે મહારાજનું પ્રત્યક્ષ સ્વરૂપ હતા, તેમના દ્વારા મહારાજે બતાવી. સિદ્ધાંત એ છે કે જે સંત મહારાજને રહેવાનું પાત્ર બન્યા હોય, તેમના દ્વારા જ મહારાજ એ શક્તિ, કેવળ જીવોને પોતાની તરફ વાળવા માટે જ વાપરે છે. એટલે સર્વકર્તા તો મહારાજ જ છે; પણ પોતાના સાક્ષાત્ સંબંધને પામ્યા જે સંત, તે દ્વારા મહારાજ પોતાની કર્તું અને અકર્તું શક્તિનો ઉપયોગ કરે છે. માટે મહારાજના સંબંધને જે સંત પામ્યા છે તેમનાં લક્ષણ ગ. પ્ર. ૨૭, ૬૨; ગ. અં. ૨૬ તથા ૨૭ વચનામૃત પ્રમાણે જાણી, તેવા સંત, ફક્ત મહારાજની મરજી પ્રમાણે કાર્ય કરતા હોય, વિચરણ કરતા હોય, તેમને ઓળખી તે સંત દ્વારા મહારાજ સત્સંગમાં પ્રગટ છે, તેમ સમજવું.”

કબેરભાઈના પ્રશ્નનો સચોટ અને સૌને અંતરમાં ઊતરી જાય તેવો ઉત્તર સ્વામીશ્રીએ આપ્યો.

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૫૯૧]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase