॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૭૬: ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી ને માનીનું

મહિમા

તા. ૩/૬/૧૯૬૫, નડિયાદ, પૂજા કર્યા પછી ૭:૦૦ વાગ્યે વચનામૃતની કથામાં યોગીજી મહારાજ કહે, “ગઢડા પ્રથમ ૭૬માં ત્રણ લીટી છે. વાંચો... આ લીટી બધાએ યાદ રાખવી. મન સોંપી દેવું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૭૫]

મહિમા

યોગીજી મહારાજ કહે, “ગઢડા પ્રથમ ૭૬ – હઠ, માન અને ઈર્ષ્યાનો ત્યાગ કરવાનું અને ભીડો વેઠવાનું વચનામૃત તથા ગઢડા મધ્ય ૨૨ – નિશાનનું, આ બે વચનામૃત સિદ્ધ કરવાં.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૯૪]

મહિમા

તા. ૧૬/૨/૧૯૬૬, યોગીજી મહારાજ સવારે ૫:૧૫ વાગે ઊઠ્યા. મંગળ પ્રવચન માટે ઠાકોરજીની રૂમમાં પધાર્યા. વચનામૃત ગઢડા પ્રથમ ૭૬નો મહિમા કહેતાં કહે, “મુદ્દાનું. સાડા ત્રણ લીટીનું વચનામૃત. મોઢે કરવું. અનુસંધાન રાખવું. જાણપણું રાખવું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૨૦૬]

નિરૂપણ

ડિસેમ્બર ૧૯૬૪, નડિયાદ. અહીં કથા પ્રસંગમાં ગ. પ્ર. ૭૬ વચનામૃત સમજાવતાં સ્વામીશ્રીએ કહ્યું, “વચનનો ભીડો ખમે તે પાકો હરિભક્ત. પંચ વર્તમાન પાળે છે તેને ઝપાટામાં લીધો. ન પાળે તેને કહેતા નથી. ધાર્યું ન થવા દે. અપવાસ ન કરવો હોય તોય કરાવે. ધર્માદો વધારે લે. ઊંઘવું હોય તો ઊંઘવા ન દે. એવું થાશે. એમ જાણ્યું હોય તો મૂંઝવણ ન થાય. આ તો આઘુંપાછું થાય તો જય સ્વામિનારાયણ!

“પછી ‘માથે હાથ મૂકો, આશીર્વાદ દ્યો,’ એમ ન કહેવું પડે. સહેજે જ હેત થાય. સંબંધવાળા હરિભગતનો ભીડો તો વેઠવો જ. ભીડો વેઠે નહિ ને આગળ બેસે. સહેજે કારસો આપ્યો હોય ને મન પાછું પડે. આ વાત સમજાણી હોય તો મન પાછું ન પડે. મોટાસ્વામીએ ભીડો વેઠ્યો તો છાતીએ પાણી છે.

“ભીડો એ જ ભક્તિ, એ જ માળા, એ જ ધ્યાન. ૫૦૦ માળાનો નિયમ કરે ને ભીડો વેઠે તે એક!”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૭૦૫]

નિરૂપણ

કોને ઠોકર ન લાગે?

અહીં તા. ૨૭મીએ સવારે ૮-૧૫ વાગે પોતાનું પ્રિય વચનામૃત ગ. પ્ર. ૭૬મું મોઢે બોલી તેનું નિરૂપણ કરતાં ભીડા-ભક્તિનો મહિમા સ્વામીશ્રીએ સમજાવ્યો:

“‘ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી અને માની એ ચાર પ્રકારના મનુષ્ય તે જો હરિભક્ત હોય તોપણ તે સાથે અમારે બને નહિ.’ મહારાજે ગઢડા પ્રથમના ૭૬મા વચનામૃતમાં આ કહ્યું છે. ક્રોધી તો વા હારે(સાથે)ય બાટકે. આપણો વેપાર સારો હાલતો હોય તે જોઈને ઈર્ષ્યાવાળો હોય તે બળે. ‘માની કેનું માને નહિ, હરિ હરાવવા બકે હોડ.’ જેને જેના રાજમાં રહેવું તે સાથે ખરાબ સ્વભાવ રખાય? તેમ આપણે ધામમાં જાવું હોય તો રૂડા સ્વભાવ રાખવા. માન મોટો શત્રુ છે, તેને આધારે બધા દોષ છે. મહારાજ આ સાડા ત્રણ લીટીમાં બધી વાત કરે છે.

“‘જેને પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય, તેને ગમે તેવા વચનમાં ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તોપણ કોઈ રીતે દેહપર્યંત મુઝાય નહિ, એવો તે પાકો સત્સંગી છે...’

“પંચ વર્તમાનમાં ખોટ ન હોય તેને ઠોકર ન લાગે. ગમે તેવા ભીડામાં રાખે, તોય ‘સત્સંગ છોડી નથી જાવું,’ એવી દૃઢતા એને મનમાં હોય. સંત કહે, ‘છાનામાના અહીં બેસી રહો’ - એમ ધાર્યું છોડાવે, ત્યારે કાચો હોય તેને વસમું લાગે ને ધક્કો લાગે. ગમે તેટલા વચનના ભીડામાં કારસામાં લીએ. તેનું ગમતું મૂકી અમારા ગમતામાં રાખીએ તો વરસ, બે વરસ ન મુઝાય? ના, દેહપર્યંત ન મુઝાય. સંત રસોઈ લ્યે, ધર્માદા ડબલ લ્યે, સેવા લીએ, ત્યારે કાચો હોય તે તો, ‘સ્વામી! રાખો, રાખો, રાખો’ એમ કહી દે. પણ કોઈને બૈરાં-છોકરાંથી કંટાળો આવ્યો કે, ‘આ તો કાંહી ગ્યા (કંટાળી ગયા), મરે તો સારું, ટાઢા પાણીએ ખસ જાય.’ આવું થતું નથી, કારણ કે તેમાં ભાવ છે. તેથી તેનો અભાવ ન આવે.

“દાદાખાચરને ઘેર પાંચસો પરમહંસો રહેતા હતા. દાદાખાચરને કેટલો ભીડો પડતો હશે? આપણે ઘેર પાંચસો મહેમાન આવી પડે ત્યારે કેવી મુંઝવણ થાય?

“દાદાખાચર બધાને રસોઈ કરાવી જમાડતા. એક સંતે મહારાજને કહ્યું, ‘મહારાજ! લોટમાં કાંકરા આવે છે.’ મહારાજે હુકમ કાઢ્યા, ‘દાદાખાચરની ઘંટીમાં કાંકરા આવે છે, તો તમે બધા સંતો જાતે ઘંટીએ દળો.’ સંતો વિચારમાં પડ્યા: ‘આ તો નખોદ કાઢ્યું. કોણ મહારાજ પાસે જઈને બોલ્યું?’

“પછી તો મહારાજની આજ્ઞા હતી તેથી બધા સંતો જાતે ઘંટીએ દળતા જાય ને મહારાજને સંભારી કીર્તન ગાય: ‘ઘંટીને ઘમકારે દળવા આવજો.’

“મહારાજે આ સાંભળ્યું. ‘આ તો મનેય ભેગો લીધો!’ પછી મહારાજે સંતોને આજ્ઞા કરી, ‘હવે દળવું રહેવા દ્યો. કરતા હોય તેમ કરજો.’

“આવો ભીડો મહારાજ આપતા કોઈ રીતે મુઝાય નહીં. થોડો ઘણો કીધો? ગમે તેવો ભીડો આપે તોય મુઝાય નહિ.

“એવો જે થાય તેને માથે પછી હાથ મૂકવો ન પડે. ભીડો ખમવાના ગુણ હોય તેના ઉપર સહેજે હિંસોરો આવે. અને એવા ગુણ જેનામાં ન હોય તેના ઉપર હેત ન થાય. ‘જાવા દ્યો ને! પીળે પાને ખત છે,’ એમ થાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫/૩૮૦]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase